અનિરુદ્ધસિંહ પરમાર
સરખેજથી ગાંધીનગર સુધીના સંપૂર્ણ એસજી હાઇવેને ડસ્ટ ફ્રી બનાવાશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાલમાં ઇસ્કોનથી પકવાન સર્કલ વચ્ચેનો અંદાજે પોણા બે કિમીના રૂટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે. મ્યુનિ., ઔડા, ગુડા અને નેશનલ હાઇવે ઓથોરિટી મળી આ પ્રોજેક્ટ ચાલવશે.
પકવાનથી ઇસ્કોન સર્કલ સુધીનો રોડ ડસ્ટ ફ્રી કરવાની કામગીરી 8 મહિનામાં પૂરી થશે. એવો દાવો કરવામાં આવે છે કે, સફેદ શર્ટ પહેરીને આ રૂટ પર નીકળો તો પણ ડાઘ પડશે નહીં. એસજી હાઇવે પર મુખ્ય રોડ અને સર્વિસ રોડ વચ્ચેની જગ્યામાં કાફે, ગાર્ડન, વોકવે, સાઇકલ ટ્રેક જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. લોકો વાહનો યોગ્ય રીતે પાર્ક કરી શકે અને ટ્રાફિક ન થાય તે માટે સર્વિસ રોડ અને ડેવલપ થનારા એરિયા વચ્ચે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવસે. 1 કિલોમીટર ડસ્ટ ફ્રી રોડ તૈયાર કરવા માટે અંદાજે 25થી 30 લાખ ખર્ચ થશે. ધૂળિયા રોડથી લોકોને બચાવવા પહેલીવાર મુખ્ય રોડ પર આ પ્રકારનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. પ્રોજેક્ટના ભાગરૂપે એસ.જી. હાઇવે પર રોડની સાઇડમાં આવેલા કાફે, રેસ્ટોરાં કે લારીઓ હટાવવામાં આવશે. નવા પ્રોજેક્ટમાં મુખ્ય રોડ અને સર્વિસ રોડ વચ્ચે બનનારી કાફે અને રેસ્ટોરાંનું કદ નાનું રાખવામાં આવશે. આ ઉપરાંત જગ્યાનો ઉપયોગ લોકોને ઉપયોગી થાય તે પ્રકારની સુવિધાઓ ઊભી કરવાનો છે. મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા અનુસાર જે રીતે એરપોર્ટ રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવ્યો છે એવી જ રીતે એસજી હાઇવેનો વિકાસ કરાશે. પહેલા તબક્કાની કામગીરી શરૂ થઈ ગઈ છે. લોકો માટે ઉપયોગી સુવિધા સ્થપાશે. આ ફેરફાર થશે… રોડની સાઇડમાં આવેલા હાલના કાફે કે રેસ્ટોરાંને હટાવાશે ડસ્ટ ફ્રી રોડ આ રીતે તૈયાર કરાશે
હાલના એસ.જી હાઇવેની સાઇડમાં જગ્યા ખાલી છે. આ જગ્યાને કારણે ધૂળ ઉડવાની સમસ્યા ઉભી થાય છે. નવા પ્રોજેક્ટમાં આ જગ્યામાં લોકોને ઉપયોગી વિવિધ સુવિધા ઊભી કરાશે. ત્યારબાદ કોર્પોરેશનનો સર્વિસ રોડ તૈયાર કરાશે, સાથે આ જ રોડ પર પાર્કિંગની સુવિધા પણ રહેશે. ત્યારબાદ રહેઠાણનો વિસ્તાર હોવાથી ત્યાં વોલ રહેશે. જેથી ધૂળ આવવાનો કોઇ મુદ્દો ઊભો થશે નહીં. પાર્કિંગની સુવિધા પણ મળશે
વોકિંગ વે | સાઇકલ ટ્રેક | જીમ | કેફે- રેસ્ટોરન્ટ | બેઠક વિસ્તાર | ગાર્ડન | પાર્કિંગ | ચિલ્ડ્રન પ્લે એરિયા | બ્રાન્ડિંગની જગ્યા