કેશોદમાં છેલ્લા એક મહિનામાં અલગ અલગ વિસ્તારો તેમજ ગ્રામ્ય પંથકમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ખમીદાણા ગામમાં વાડીએ રહેતા મૈસુર પરિવારના મકાનમાંથી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી થયાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વાડી વિસ્તારના મકાનમાં રહેતા મેસૂર પરિવાર સોનલ મઢડા ધામ ખાતે 11:00 વાગ્યા આસપાસ દર્શને ગયો હતો. ત્યારબાદ દર્શન કરી ત્રણ વાગે પોતાના ઘરે પરત ફર્યો હતો. ત્યારે આ પરિવારે પોતાના મકાનનું તાળું તૂટેલું જોયું હતું અને ઘરમાં પ્રવેશતા જ ઘરની ચીજ વસ્તુઓ વેરવિખેર પડી હતી. કબાટ ખુલ્લી હાલતમાં જોવા મળ્યો હતો. આ પરિવારને તેના મકાનમાંથી 17 તોલા સોનું અને રોકડ રૂપિયાની ચોરી થયાની જાણ થઈ હતી. જે મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ તપાસ કરી હતી. ખમિદાણા ગામના રહીશ નારણ ભાઈ મૈસુરે જણાવ્યું હતું કે, ટીટોડીથી ખમીદાણા રોડ પર મારી વાડી આવેલી છે. અમે સોનલધામ મઢડા ખાતે પરિવાર સાથે દર્શને ગયા હતા. માતાજીના દર્શન કર્યા બાદ અમારો પરિવાર 3 વાગ્યા આસપાસ ઘરે પરત ફર્યો હતો. ત્યારે ઘરમાં પ્રવેશતા અમારા મકાનના બંને દરવાજા તૂટેલા હતા. તેમડ ઘરમાં રાખેલી ઘરવખરી વેરવિખેર પડી હતી. કબાટ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેમાંથી 17 તોલાથી વધુ સોનુ અને એક લાખ જેટલી રોકડ રકમની ચોરી તસ્કરોએ કરી હતી. આ મામલે અમે કેશોદ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ તાત્કાલિક અમારા ઘરે પહોંચી હતી. આ મામલે ડીવાયએસપી બી.સી ઠક્કરે જણાવ્યું હતું કે, કેશોદ તાલુકાના ખમીદાણા ગામે બંધ મકાનમાંથી સોનું અને રોકડ રૂપિયાની ચોરી થયાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદી નારણભાઈ મૈસુરભાઈ સોલંકી પોતાના ઘરેથી પરિવાર સાથે સોનલધામ મઢડા ખાતે દર્શન માટે ગયા હતા. ત્રણ વાગ્યે પોતાના ઘરે પરત આવી જોતા મકાનની ગ્રીલ અને દરવાજા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. મકાનમાંથી 17 તોલા સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 10,32,900 ની ઘરફોડ ચોરી થયેલી છે. કેશોદ પોલીસે આ મામલે ગુનો નોંધી ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ એસ એસ એલ ડોગ્સ કોડ તેમજ પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.