રાજ્યમાં આગામી 8મી જાન્યુઆરીનાં રોજ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતીને પગલે યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાત-દિવસ મહેનત કરનારા યુવક-યુવતીઓ માટે આજરોજ (3 જાન્યુઆરી) સુરતના રાંદેર ખાતે જીમખાનામાં રનિંગ સહિતની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 600થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. નિર્ધારિત સમયમાં રનિંગ પુરું કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનિષદ ક્ષઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓને જરૂરી માર્ગદર્શન પણ પુરૂં પાડવામાં આવ્યું હતું. 8 જાન્યુઆરીએ ઉમેદવારોની શારીરિક કસોટી
રાજ્યમાં પોલીસ બેડામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ જવાનોની ઘટને પગલે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આગામી 8મી જાન્યુઆરીનાં રોજ યોજાનાર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા માટે 1 જાન્યુઆરીનાં રોજ કોલ લેટર બહાર પાડવામાં આવ્યો હતો. આગામી 8 જાન્યુઆરીનાં રોજ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ કરવામાં આવશે. પુરૂષ ઉમદેવારોએ પાંચ કિલોમીટરની દોડ 25 મીનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9.30 મીનિટમાં પૂર્ણ કરવાની રહેશે. પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે ઉત્સુક રાજ્યનાં હજારો યુવાઓ છેલ્લા ઘણા સમયથી તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે શારીરિક કસોટીને આડે ગણતરીનાં દિવસો બાકી છે. 250 જેટલી યુવતીઓ ઉપસ્થિત રહી
આ સ્થિતિમાં રાંદેર સુલતાના જીમખાના ખાતે આવેલ ગ્રાઉન્ડમાં યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓ માટે રનિંગ સહિતની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત, વલસાડ, વ્યારા અને ધરમપુર સહિત નવસારીથી 600થી વધુ પ્રતિસ્પર્ધીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખાસ કરીને 250 જેટલી મહિલા પ્રતિસ્પર્ધીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ પ્રતિસ્પર્ધીઓને શારીરિક કસોટી અંગે સંસ્થા દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. 15 વર્ષોથી આ પ્રકારનું આયોજન થાય છેઃ નિર્મલ મોદી
આ અંગે નિર્મલ મોદીએ જણાવ્યું હતું કે, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન 15 વર્ષોથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. જેમાં પોલીસ ભરતીમાં જે રીતે કસોટી લેવામાં આવે છે તે પ્રકારનું જ અહીં પણ આયોજન હોય છે જેથી યુવાઓને ખૂબ જ મદદ મળી રહે છે. આ આયોજનના પગલે પરીક્ષાથી અને આશ્વાસન મળે છે કે પોલીસ ભરતી માટે તે તૈયાર છે. સ્વ કસોટીથી યુવાઓને ખૂબ મદદ મળે છેઃ પારસ
પારસ બેરસેએ જણાવ્યું હતું કે, પોલીસ ભરતીમાં જનાર યુવાઓ માટે આ ખૂબ જ સારી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ કસોટી દ્વારા યુવાઓને ખૂબ જ મદદ મળી રહે છે. સુરત શહેર દક્ષિણ ગુજરાતના યુવાઓ પોલીસ ભરતી ની સ્વ કસોટી માં ભાગ લેવા માટે આવ્યા હતા. પુરુષો અને મહિલાઓ બંને આયોજનમાં ભાગ લઈને પોલીસ ભરતી માટેની પૂર્વ તૈયારીઓ કરી છે. સ્વ કસોટી જે રીતે પોલીસ ભરતીમાં કરવામાં આવે છે તે રીતે અહીં કરવામાં આવી રહી છે. હિલાઓને 1,600 મીટર દોડ લગાવવાની હોય છેઃ મુલતાની ફિઝા મુસ્કાન
મુલતાની ફિઝા મુસ્કાને જણાવ્યું હતું કે, હું સુરતના મોરાભાગળ વિસ્તારમાંથી અહીં પોલીસની ભરતી માટેની તૈયારી માટે આવી છું. અહીં રનીંગ સહિતની પોલીસ ભરતી માટે તૈયારીઓ કરવાની હોય છે તે અંગે જાણકારી આપવામાં આવી રહી છે. 400 મીટરનું ગ્રાઉન્ડ હોવાથી પોલીસ ભરતીમાં મહિલાઓને 1,600 મીટર દોડ લગાવવાની હોય છે. આ ગ્રાઉન્ડના ચાર રાઉન્ડ લગાવી અને તૈયારી કરી રહ્યા છીએ. આ સાથે જ પોલીસ ભરતીમાં જે રીતે કસોટી લેવામાં આવે છે તે પ્રકારનું આયોજન અહીં પણ કરવામાં આવ્યું છે. અહીં મોક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતુંઃ સંજીવ પાઘડાળ
યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ડિરેક્ટર સંજીવ પાઘડાળે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં પોલીસ ભરતીમાં ભાગ લેનાર યુવાઓ માટે અહીં મોક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ ભરતીમાં જે રીતે કસોટી લેવામાં આવે છે તે પ્રકારનું જ આયોજન અહીં કરાયું હતું. જેના પગલે પોલીસ ભરતીમાં ભાગ લેનાર યુવાઓને સરળતા રહે છે.