સુરતના ડુમસ, ગવિયર અને વાટાના ખેડૂતોની જમીનોમાં સમૃદ્ધિ કોર્પોરેશનના 4 નામાંકિત બિલ્ડરોએ સિટી સરવેના 3 અધિકારીની મિલીભગતથી જૂની શરતની જમીનો બિનખેતી તરીકે રૂપાંતરિત કરી બોગસ પ્રોપર્ટીકાર્ડ બનાવી કરોડોની જમીનમાં ખોટું માલિકીપણું ઊભું કરી દીધું હતું અને સાયલન્ટ ઝોન નામે ગેરકાયદે પ્લોટિંગ સ્કીમો મૂકી હોવાની ફરિયાદ CID ક્રાઈમમાં નોંધાઈ છે. બિલ્ડરોએ 351 ખોટા પ્રોપર્ટીકાર્ડ બનાવ્યાં હતાં. મૂળ જમીનમાલિક આઝાદ રામોલિયાએ 2022માં ફરિયાદ કરી હતી, જે 2025માં દાખલ થઈ છે. જો કે, ફરિયાદમાં 3 અધિકારીના નામનો ઉલ્લેખ છે જ્યારે બિલ્ડરોના નામને બદલે તેમની પેઢી સમૃદ્ધિ કોર્પોરેશનનો ઉલ્લેખ છે. 2022માં એક જમીન દલાલ આઝાદ રામોેલિયાની જમીનનું પ્રોપર્ટી કાર્ડ લઈને તેને જ વેચવા ગયો ત્યારે ભાંડો ફૂટ્યો હતો. ડુમસનાં બ્લોક નં : 815, 801/2, 803, 804, 823, 787/2 તથા વાટાના બ્લોક નં : 61વાળી જમીનના 7/12 ઉતારામાં આઝાદ રામોલિયા અને જ્યોત્સના રામોલિયાના નામ 2016 અને 2017માં ચઢ્યા હતાં આ નામ અત્યારે પણ ચાલુ છે. આ જમીન આઝાદ રામોલિયા 28 ઓક્ટોબર, 2016થી 15 જુલાઈ, 2017 સુધીમાં મગદલ્લાના ખેડૂત રસીકભાઈ પાસેથી ખરીદી હતી પ્રોપ્રર્ટીકાર્ડ કાઢવાના ત્રણેય સ્ટેજમાં મિલીભગત
નિયમ મુજબ પ્રોપર્ટી કાર્ડ માટે સરકારના સોફ્ટવેરમાં બિનખેતી મોડ્યુલમાં જમીન બિનખેતી કરી હોવાનું ઓર્ડર મંજૂર થયેલા પ્લાન અપલોડ કરવાના હોય છે અને આ કાર્ડ બનાવવા અને વેરિફાય કરવા માટે ત્રણ સ્ટેજ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં (1) ડેટા એન્ટ્રી (2) વેરિફિકેશન (3) પ્રમોલગેશન. કોઈપણ બિનખેતી જમીનમાં પ્રોપર્ટી કાર્ડ તૈયાર થાય ત્યારે બિનખેતી થયેલા સરવે નંબર પ્રમાણિક કરવાની નોટિસ જે તે જિલ્લામાં DILR અને સિટી સરવેે સુપરિન્ટેન્ડેન્ટે પ્રસિદ્ધ કરવાની હોય છે. પ્રોપર્ટી કાર્ડ તૈયાર થઈ જાય પછી રેવન્યુ રેકોર્ડ અન્વયે નિભાવવાના ગામના નમૂનામાંથી પ્રોપર્ટીકાર્ડ જનરેટ થવાથી બંધ થઈ જાય છે, પરંતુ ડુમસ અને વાટાની જમીનોમાં આવી કોઈપણ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી ન હતી અને 7/12ના ઉતારામાં પણ અસલ માલિકોનાં નામ ચાલું છે. આ રીતે પ્રોપર્ટી કાર્ડ કઢાવવાના ત્રણેય સ્ટેજમાં મિલીભગત મળી આવી છે. સમૃદ્ધિના જયપ્રકાશ આસવાની, નરેશ શાહ અને મનહર કાકડિયા સહિત 4 સામે અરજી થઈ હતી સુરત | પોલીસે FIRમાં સમૃદ્ધિ કોર્પોેરેશનના ભાગીદારોનો ઉલ્લેખ કર્યો છે પણ બિલ્ડરોનાં નામો લખ્યાં નથી. જોકે, આ સંદર્ભે આઝાદ રામોલિયાએ અરજી કરી હતી, જેમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર નરેશ શાહ, મનહર કાકડિયા, જયપ્રકાશ ખાનચંદ આસવાની અને લોકનાથ ગંભીર સામે ખોટા પ્રોપર્ટીકાર્ડ બનાવવાનો આક્ષેપ કર્યો હતો, જેની CIDએ 8 મહિના તપાસ કરી પછી સમૃદ્ધિના ભાગીદારો સામે ગુનો નોંધ્યો હતો. નરેશ શાહ સાથે વાત કરવાનો પ્રયાસ કરાતાં તેમણે કોલ રિસીવ કર્યો ન હતો જ્યારે બિલ્ડર મનહર કાકડિયાનો ફોન તેમના કર્મચારી નરેન્દ્રએ રિસીવ કરી કહ્યું કે, ‘સાહેબનો સંપર્ક કરાવું છું, પણ કરાવ્યો ન હતો.’ 2022માં થયેલી અરજીનો ગુનો 2025માં નોંધાયો
આ કેસની પહેલી અરજી 2022માં થઈ હતી. જે તે સમયે મહેસૂલ મંત્રી, જમીન નિયામક ( DILR અમદાવાદ), કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર, મજૂરા,સર્કલ ઓફિસર-ગવિયર, તલાટી- ગવિયર, સિટી સરવે સુપરિટેન્ટેન્ડ, મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને પણ ફરિયાદ કરાઈ હતી.