રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટની બોલબાલા જોવા મળી રહી છે, એમાં પણ પોલીસના નામે ખોટી બીક બતાવી રૂપિયા પડાવવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. 31 ડિસેમ્બરની રાત્રે પોલીસના નામે કપલને રોકી અપહરણ અને લૂંટની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં આજે ફરી બીજા દિવસે રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શખસે કપલને રોકી ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી તેમની પાસેથી 31 હજાર પડાવ્યા હતા. ફરિયાદના આધારે પોલીસે ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપનાર આરોપી મિહિર કુગશિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી 31 હજાર પડાવ્યા
રાજકોટ શહેર ઝોન-2 DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલમાં એક કપલ રોકાયું હતું. એ હોટલમાંથી પરત થતા સમયે એક શખસે ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી તેમને અટકાવી તેમના વિરુદ્ધ ફરિયાદ કરવાની ધમકી આપી 50 હજારની માગણી કરવામાં આવી હતી. આ સમયે બદનામીથી બચવા માટે ફરિયાદીએ તેમની પાસે રહેલા 12 હજાર પોલીસની ખોટી ઓળખ આપનાર શખસને આપી દીધા હતા અને ત્યાર બાદ ATMમાંથી વધુ 19,000 રૂપિયા ઉપાડી આપ્યા હતા. આમ, કુલ 31 હજાર લેવામાં આવ્યા હતા. આ પછી ફરિયાદ આધારે એ-ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરતાં આ શખસની ઓળખ મળી હતી. આ શખસ મિહિર કુગશિયા નામનો શખસ હોવાનું માલૂમ થતાં પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ઓળખ આપે તો આઇડેન્ટિટી કાર્ડ માગવું
હાલ એ-ડિવિઝન પોલીસ દ્વારા આરોપી મિહિર કુગશિયાની ધરપકડ કરી તેણે અન્ય બીજા લોકોને પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા પડાવ્યા છે કે કેમ? એ દિશામાં તપાસ હાથ ધરી છે અને તેની સામે BNSની કલમ 308(2), 204 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જાહેર જનતાને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે તાજેતરમાં પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવવાના ત્રણ-ચાર બનાવ સામે આવ્યા છે ત્યારે જો કોઈ પોલીસની ઓળખ આપે તો તેમની પાસે તેમનું આઇડેન્ટિટી કાર્ડ માગવું જોઈએ અને રૂપિયા માગે તો એસીબી અથવા રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરવો જોઈએ. અગાઉ પણ ડુપ્લિકેટ પોલીસ બની 40 હજાર પડાવ્યા હતા
રાજકોટ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલમાંથી બહાર નીકળતા પુરુષને અટકાવી તેમને હોટલમાં યુવતી સાથે બદકામ કર્યું છે કહી ફરિયાદ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યાની આ બીજી ફરિયાદ સામે આવી છે. આ અગાઉ પણ એક શખસે હોટલમાં એકાંત માણી નીકળેલા યુવક પાસેથી એક શખસે ડુપ્લિકેટ પોલીસ બની 40,000 રૂપિયા પડાવ્યા હતા, જેમાં પણ એ-ડિવિઝન પોલીસે નકલી પોલીસ અલ્તાફ ખેરડિયા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી અગાઉ કોઈ વખત પોલીસના હાથ ઝડપાયો નથી
ઉલ્લેખનીય છે કે ચર્ચાતી વિગત મુજબ, આજે પકડાયેલો નકલી પોલીસ મિહિર કુગશિયા અગાઉ કોઈ વખત પોલીસના હાથ ઝડપાયો નથી, પરંતુ તેને નકલી પોલીસ બની અનેક વખત રૂપિયા લોકો પાસેથી પડાવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ જો કોઈ આવી ફરિયાદ નોંધાવે તો આવા નકલી પોલીસને સબક શીખડાવી અસલી પોલીસ કડક કાર્યવાહી પણ કરી શકે એમ છે. બસ, હવે ક્યાંક નકલી સરકાર ન મળી જાય!