ઓર્ગેનાઈઝ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવીને વડોદરા શહેરમાં દારૂ-જુગાર, ખંડણી, હત્યાનો પ્રયાસ, લૂંટ અને રાયોટિંગ જેવા ગંભીર ગુના આચરતી કાસમઆલા ગેંગ 11 દિવસના રિમાન્ડ પર છે. આરોપીઓએ રિવોલ્વર ઉત્તરપ્રદેશના આગ્રામાંથી ખરીદી હતી. જેથી આરોપીઓને સાથે રાખીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ આગ્રામાં તપાસ માટે જશે. આરોપીઓએ પોલીસના ચેકિંગના ડરથી કેટલાક ઘાતક હથિયારો વિરમગામ હાઈવે પરના એક અવાવરૂ મકાનમાં ખાડો ખોદીને દાટી દીધા હતા. આ ઉપરાંત 9 આરોપીઓએ જેમની પાસેથી ખંડણી ઉઘરાવી તેની યાદી લાલ ડાયરીમાં લખી છે, ત્યારે આ લાલ ડાયરી આરોપીઓએ સૌરાષ્ટ્રના એક ગામમાં છુપાવી છે, જેને શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓને લઈને સૌરાષ્ટ્રમાં જશે. ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ ફિલ્મ ડોનમાં પણ કંઈક આવું જોવા મળ્યું હતં કે, એક લાલ ડાયરીમાં આરોપીઓની ડિટેઇલ લખેલી હતી અને આ ડાયરીને છુપાવીને રાખવામાં આવી હતી. અવાવરૂ મકાનમાં ખાડો ખોદીને હથિયાર દાટી દીધા
વડોદરા શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કાસમઆલા ગેંગના નવ માથાભારે સભ્યો સામે ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. કાસમઆલા ગેંગ રિવોલ્વર જેવા ઘાતક હથિયારો સાથે રાખીને ખૂનની કોશિષ, રાયોટિંગ, ખંડણી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતી હતી. તાજેતરમાં કારેલીબાગ પોલીસની ધોંસ વધતા જ તેમણે ઘાતક હથિયારોને છૂપાવવાનો પ્લાન કર્યો હતો. ગેંગના સભ્યો અમદાવાદથી વિરમગામ તરફના રોડ પરના એક ગામમાં ગયા હતા અને ત્યાં એક ઓળખીતાના ઘરની પાછળના અવાવરૂ મકાનમાં ખાડો ખોદીને દાટી દીધા હતા. પોલીસે આરોપીઓને સાથે રાખીને હથિયારો શોધવાનો પ્લાન બનાવ્યો છે. જોકે, અમદાવાદ-વિરમગામ રોડ પર ક્યાં ગામે હથિયારો છૂપાવ્યા છે તેની જાણકારી આરોપીઓ આપતા નથી. ઉત્તરપ્રદેશના આગ્રાથી રિવોલ્વર લાવ્યા હતા
કાસમઆલા ગેંગ રિવોલ્વર સાથે રાખીને વડોદરામાં દહેશત ફેલાવવાનું કામ કરતી હતી. ગેંગના સભ્યો ઉત્તરપ્રદેશના આગ્રાના મૌલાના ચોકમાં રહેતા એક હથિયારના સૌદાગર પાસેથી રિવોલ્વર લાવ્યા હતા. કાસમઆલા ગેંગના સભ્યોએ શરત એ રાખી હતી કે, જો, આ વેપન બરાબર ચાલશે તો તેઓ બીજા હથિયારો પણ ખરીદશે. પોલીસની ટીમ આરોપીઓને સાથે રાખીને આગ્રામાં તપાસ કરવા જશે. કાસમઆલા ગેંગના સભ્યો દારૂનો વેપલો કરતા
વડોદરા ક્રાઈમ બ્રાંચની ટીમ હાલમાં આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ કરી રહી છે. ઓર્ગેનાઈઝ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવતી કાસમઆલા ગેંગના સભ્યો દારૂનો વેપલો કરતા હતા. આરોપીઓએ કબુલાત કરી હતી કે તેઓ ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પરના એક ગામમાંથી દારૂ મંગાવતા હતા. મહારાષ્ટ્રથી આવેલા દારૂના જથ્થાનું વડોદરા-છોટાઉદેપુરની સરહદે આવેલા એક ગામની દુકાન પાસે કટિંગ થતું હતું. ખંડણી ઉઘરાવ્યાની નોંધ એક ડાયરીમાં રાખતી હતી
વડોદરા શહેરમાં કાસમઆલા ગેંગ નામથી ઓર્ગેનાઈઝ ક્રાઈમ સિન્ડિકેટ ચાલતી હતી. જેમાં કુલ 9 સભ્યો હતા. જેમાંથી હુસૈન કાદરમીયાં સુન્ની, અકબર કાદરમીયાં સુન્ની અને મહંમદઅલીમ સલીમ પઠાણ સામે રિવોલ્વર બતાવીને ગેરકાયદે નાણા પડાવવાનો ગુનો દાખલ થયો હતો. પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે, કાસમઆલા ગેંગ રિવોલ્વર સાથે રાખીને ખંડણી ઉઘરાવતી હતી અને જેની-જેની પાસેથી ખંડણી ઉઘરાવે તેની નોંધ પણ એક ડાયરીમાં રાખતી હતી. આ લાલ ડાયરી સૌરાષ્ટ્રના એક ગામમાં છુપાવી હતી
ગેંગના સભ્યોએ આ લાલ ડાયરી સૌરાષ્ટ્રના એક ગામમાં છુપાવી હતી. આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, તેમણે તેના જ એક સંબંધીના ઘરમાં અનાજના પીપડામાં લાલ ડાયરી છૂપાવી છે. જેની મકાન માલિકને પણ ખબર નથી. પોલીસે ખંડણીની ઉઘરાણીની લાલ ડાયરીની તપાસ શરૂ કરી છે અને તેની તપાસ માટે આરોપીઓને સાથે રાખીને વડોદરાની ટીમ સૌરાષ્ટ્રમાં જશે. કાસમઆલા ગેંગનો માસ્ટર માઈન્ડ કોણ છે?
કાસમઆલા ગેંગના સભ્યો એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા? ઓર્ગેનાઈઝ ક્રાઈમ સિન્ડિકેટ કેવી રીતે અસ્તિત્વમાં આવી? કાસમઆલા ગેંગના સભ્યો કોઈ કામ કરે અને રૂપિયા મળે તો એમાં કોનો કેટલો ભાગ રાખવામાં આવતો? કાસમઆલા ગેંગનો માસ્ટર માઈન્ડ કોણ છે? આરોપીઓએ લૂંટ અને ખંડણી જેવા ગંભીર ગુના આચરીને કેટલી રકમ ભેગી કરી હતી અને એ રકમનો ઉપયોગ કરીને તેમણે કેટલી મિલકતો વસાવી છે? તેવા અનેક સવાલોના જવાબ મેળવવાના બાકી હોવાથી પોલીસે કોર્ટ સમક્ષ આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી. 10 વર્ષમાં કુલ 164 ગુના આચરવામાં આવ્યા
કાસમઆલા ગેંગના સભ્યો દ્વારા વડોદરા શહેરમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 164 ગુના આચરવામાં આવ્યા છે. પોલીસને આશંકા છે કે, કાસમઆલા ગેંગથી ડરીને અનેક લોકો ફરિયાદ કરવા આગળ આવ્યા નથી. જેથી આરોપીઓ સામે બીજા કેટલા લોકો ફરિયાદ કરવા ઈચ્છુક છે તેની તપાસ કરવાની છે. કાસમઆલા ગેંગને પડદા પાછળથી કોઈ ગાઈડ કરી રહ્યુ હોવાનુ પોલીસનું માનવુ છે. આરોપીઓને ગુનો કરવા માટે કોણ પ્રોત્સાહિત કરતુ હતુ? તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓના મોબાઈલ ફોનની તપાસ કરવાની પણ બાકી છે. એમના મોબાઈલ ફોનના સીડીઆરથી પણ બીજી તપાસ કરવાની બાકી છે. કોર્ટે આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
પોલીસે આ ગુનામાં સંડોવાયેલા શાહીદ ઉર્ફે ભુરિયો જાકીરભાઈ શેખ (હુજરાત પાગા), વસીમખાન ઉર્ફે બબલુ ઉર્ફે માંજા યુસુફખાન પઠાણ (રહે. કાસમઆલા કબ્રસ્તાન પાસે), હસન ઉર્ફે ઝાંઝર કાદરમીયાં સુન્ની (રહે. કાસમઆલા કબ્રસ્તાન પાસે), સુફિયાન સીકન્દર પઠાણ (રહે. પાંજરીગર મહોલ્લો, ફતેપુરા) અને ગની ઉર્ફે એરટેલ ઉસ્માનમીયાં શેખ (રહે. ઈન્દીરાનગર, હાથીખાના)ની ધરપકડ કરી હતી. પોલીસે પાંચે આરોપીઓને ગઈકાલે કોર્ટ સમક્ષ રજૂ કરીને 30 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે હવે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.