શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ હવે વિશ્વામિત્રી નદીના જીર્ણોદ્ધારની તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. છેલ્લા 4 મહિનાથી કાગળ પણ ચાલતો વિશ્વામિત્રી પ્રોજેક્ટ આખરે નદીના પટમાં ઊતર્યો છે. પાલિકા દ્વારા 350 મશીનોને એકી સાથે નદીની સફાઈ અને કાંપ કાઢવા માટે કામે લગાડવામાં આવશે. તે પૂર્વે પાલિકાએ 10 પોકલેન્ડ મશીનો ઉતારીને વાહનોની અવર-જવર માટે ઢાળ બનાવીને એપ્રોચ બનાવવાની કામગીરી શરૂ કરી છે. શહેરમાં વિશ્વામિત્રીમાં આવેલા વિનાશક પૂર બાદ નદીને ઊંડી કરી સફાઈ કરવા સહિતના અલગ-અલગ પ્રોજેક્ટ માટેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. જે પૈકી નદીની સફાઈ સાથે તેનો કાંપ કાઢવા માટેની તૈયારી શરૂ કરાઈ છે. આ કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં, જે ટેન્ડર હવે ખોલવાના આરે છે. બીજી તરફ કોન્ટ્રાક્ટરો કામગીરી શરૂ કરે તે પહેલાં જ પાલિકા દ્વારા દેણાથી મારેઠા સુધી 23 કિલોમીટરની વિશ્વામિત્રી નદીના પટમાં 27 જગ્યાએ વાહનોની અવર-જવર કરવા માટેના ઢાળ અને એપ્રોચ તૈયાર કરવામાં આવ્યા છે. સતત 4 દિવસથી 10 પોકલેન્ડ મશીનની મદદથી 12 સ્થળોએ સ્લોપ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં બાકીના 15 સ્લોપ તૈયાર કરાશે. પાલિકાની આ કામગીરીનો ઉદ્દેશ એ છે કે, ઉત્તરાયણ બાદ વિશ્વામિત્રી નદીનો કાગળ પર રહેલો પ્રોજેક્ટ જમીન પર ઊતરશે અને કોન્ટ્રાક્ટર 50 પોકલેન્ડ મશીન, 75 જેસીબી અને 250 જેટલાં ડમ્પરો વિશ્વામિત્રી નદીમાં ઊતારી માટી તેમજ કચરો ઝડપથી સાફ કરશે. મારેઠાથી ખલીપુર તરફ સિંચાઈ વિભાગ કામ કરશે
દેણાથી મારેઠા સુધી પાલિકા વિશ્વામિત્રીને ઊંડી કરવા સાથે સફાઈ કરશે. બીજી તરફ મારેઠાથી ખલીપુર થઈ પીંગલવાડા તરફ નદી સફાઈ અને તેના ડ્રેજિંગ માટે સિંચાઈ વિભાગે પણ તૈયારી શરૂ કરી છે. સિંચાઈ વિભાગ દ્વારા સરકારની મંજૂરી મેળવી પ્રક્રિયા હાથ ધરાશે. નદીની માટીને ઠાલવવા કલેક્ટર પાસે જગ્યા મગાઇ
ઉત્તરાયણ બાદ પાલિકા દ્વારા વિશ્વામિત્રને ઊંડી કરવાની કામગીરી હાથ ધરાશે, જેમાં રોજબરોજ ટનબંધી માટીનો જથ્થો નીકળશે. આ માટીને ઠાલવવા માટે પાલિકાએ જિલ્લા કલેક્ટર પાસે જિલ્લા બહાર માટી ઠાલવી શકાય તે માટેની જમીન માગી છે.