અમેરિકાના લાસ વેગાસમાં 1 જાન્યુઆરીએ ટ્રમ્પ હોટલની બહાર થયેલા ટ્રક બ્લાસ્ટને FBIએ આત્મહત્યાની ઘટના ગણાવી છે. આ બ્લાસ્ટને કારણે 7 લોકો ઘાયલ થયા હતા. FBIએ ટેસ્લા ટ્રકની અંદર મૃત મળી આવેલા માણસની ઓળખ કોલોરાડોના એક અમેરિકન સૈનિક મેથ્યુ લીવેલ્સબર્ગર (37) તરીકે કરી છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, મેથ્યુએ થોડા દિવસો પહેલા તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો, ત્યારબાદ તેણે તેની સાથે સંબંધો તોડી નાખ્યા હતા. મેથ્યુને એક પુત્રી પણ છે. એવી શંકા છે કે લીવેલ્સબર્ગરની પત્નીને તેના અફેરની જાણ થઈ હતી. નાતાલના બીજા દિવસે, લીવેલ્સબર્ગરની તેની પત્ની સાથે આ જ મુદ્દા પર ઝઘડો થયો હતો. આ પછી તે કોલોરાડો સ્પ્રિંગ્સમાં પોતાના ઘરે જવા રવાના થયો હતો. બ્લાસ્ટ પહેલા પોતાને ગોળી મારી મેથ્યુ યુએસ આર્મીમાં 19 વર્ષથી કામ કરી રહ્યો હતો. બ્લાસ્ટ પહેલા તેણે પોતાને માથામાં ગોળી મારી હતી. ટ્રકમાં આતસબાજીની વસ્તુઓ પણ રાખવામાં આવી હતી. આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. FBIએ એમ પણ કહ્યું કે તેમની પાસે એવી કોઈ માહિતી નથી કે જે લીવેલ્સબર્ગરને કોઈપણ આતંકવાદી સંગઠન સાથે જોડે. FBIએ કહ્યું કે આ ઘટનામાં સામેલ વ્યક્તિ મેથ્યુ લીવેલ્સબર્ગર (37 વર્ષ) સેનામાંથી થોડા દિવસની રજા પર આવ્યો હતો. લાસ વેગાસ આવતા પહેલા તેણે 28 ડિસેમ્બરે ટેસ્લા ટ્રક ભાડે લીધી હતી. FBIએ કહ્યું કે સાયબરટ્રકમાંથી મળેલી લાશ એટલી બળી ગઈ હતી કે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. બાદમાં ઓળખ કાર્ડ, પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડની માહિતીના આધારે લાશની ઓળખ મેથ્યુ લીવેલ્સબર્ગર તરીકે કરવામાં આવી હતી. તેના માથા પર ગોળીનો ઘા હતો અને પગ પાસે એક પિસ્તોલ પડી હતી. ન્યૂ ઓર્લિયન્સ ટ્રક એટેક ટેસ્લા સાયબરટ્રક ક્રેશ સાથે સંકળાયેલ નથી
FBIએ જણાવ્યું હતું કે નવા વર્ષના દિવસે ન્યૂ ઓર્લિયન્સ ટ્રક હુમલા અને તે જ દિવસે લાસ વેગાસમાં સાયબરટ્રક વિસ્ફોટ વચ્ચે હજુ સુધી કોઈ કનેક્શન મળ્યું નથી. ન્યૂ ઓર્લિયન્સની દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હતા અને લગભગ 30 લોકો ઘાયલ થયા હતા. અમેરિકામાં હાલમાં બનેલી બંને ઘટનાઓમાં આરોપી યુએસ આર્મીનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે. જેમાં અફઘાનિસ્તાન, ફોર્ટ બ્રેગ, નોર્થ કેરોલિનામાં કામ કર્યું હતું. તેમજ, આ બંને કોઈ ટીમમાં કામ કરે છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી. તેમજ બંને આરોપીઓ વચ્ચે મિત્રતા અંગે પણ કોઈ માહિતી મળી નથી. અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, મૃતક લીવેલ્સબર્ગર યુએમ આર્મીના ગ્રીન બેરેટ્સમાં સામેલ હતો અને તેણે 10મા સ્પેશિયલ ફોર્સીસ ગ્રુપમાં જર્મનીમાં સેવા આપી હતી. મેથ્યુને અમેરિકન આર્મી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. તેને અગાઉ પાંચ બ્રોન્ઝ સ્ટાર મળ્યા હતા. આ સિવાય તેમને વીરતા પુરસ્કાર, આર્મી બેચ પણ મળ્યો હતો.