સુરતના હજીરાના એએમએનએસ કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં 31 ડિસેમ્બરે બનેલી ગંભીર આગ દુર્ઘટનામાં 4 કોન્ટ્રાક્ટ કર્મચારી જીવતા ભુંજાઈ ગયા હતા. આ ઘટનાની તપાસ માટે ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે કંપની મેનેજમેન્ટ પાસેથી દસ્તાવેજોની માંગણી સાથે કાર્યવાહી ઝડપી બનાવી છે. ડીશ વિભાગ દ્વારા તપાસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે
ડીશના સંયુક્ત નિયામક આર.એ. પટેલે જણાવ્યું કે, પ્લાન્ટના પ્રારંભ માટે અપનાવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર (એસઓપી) સહિતના દસ્તાવેજો તપાસ માટે માગ્યા છે.આગના સમયે તાપમાન અને લિક્વિડ કેમિકલ ફ્લો સંબંધિત ડેટા એકત્રિત કરવામાં આવશે.કોન્ટ્રાક્ટ કર્મચારીઓના ડેટા અને પોલીસ પંચનામા સંબંધિત વિગતો પણ મેળવવામાં આવશે.આ જાણકારીના આધારે ફેક્ટરી એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રાંત અધિકારીએ પણ તપાસ શરૂ કરી
ઓલપાડના પ્રાંત અધિકારીએ સ્થળ પર કંપનીના સ્ટાફના હાજરી પત્રક, કારીગરો અને અધિકારીઓના ડ્યુટી લિસ્ટ,સ્ટેબિલિટી રિપોર્ટ અને વળતર ચુકવણી સંબંધિત દસ્તાવેજો એકત્ર કર્યા છે. આ ઉપરાંત કંપનીના પ્લાન્ટ હેડ અને ઘટનાના સમયે હાજર કર્મચારીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. ટેક્નિકલ તપાસ અને દસ્તાવેજોનું વિશ્લેષણ
ટેક્નિકલ નિષ્ણાતોની ટીમ દ્વારા કંપનીમાં લાગૂ કરાયેલી સુરક્ષા વ્યવસ્થાઓ અને આગના સમયે અપનાવવામાં આવેલા પગલાંઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. કંપની મેનેજમેન્ટે તાકીદે સુરક્ષા વ્યવસ્થા અને પ્લાન્ટના કાર્ય વિશેની વિગતો સોંપવાની ફરજ પડી છે. રિપોર્ટ કલેક્ટરને સોંપાશે
સંગ્રહિત દસ્તાવેજો અને માહિતીના આધારે સુરત જિલ્લા કલેક્ટરને આગામી બે દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવશે. આ રિપોર્ટના આધારે આગના કારણો અને દોષિત પક્ષકારો સામે કડક પગલાં લેવામાં આવશે.