રાજકોટનાં ઢેબર રોડ પર આવેલા એસટી બસપોર્ટમાં તારીખ 12 ઓક્ટોબર-2024ની રાત્રે 8:30 કલાકે લાઈટ બંધ થતા આખા બસ સ્ટેશનમાં અંધારપટ્ટ છવાયો હતો. એટલું જ નહીં જનરેટર કે બેટરી પર આધારિત લાઈટની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જેને કારણે સાત કલાક મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી. આ લાઈટ બંધ થતાં બાથરૂમ તેમજ શૌચાલયમાં પાણી બંધ થતા દેકારો બોલી ગયો હતો. આ અંગે એસટી મુસાફર હિત રક્ષક સમિતિએ રાજકોટ STનાં વિભાગીય નિયામકથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી. જેને લઈને વિભાગીય નિયામક જે. બી. કલોતરા દ્વારા કોન્ટ્રાક્ટરને રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ બસ સ્ટેશનમાં રાઉન્ડ ક્લોક એટલે કે રાત્રિના સમયે પણ બસોની અવરજવર રહેતી હોય છે આ અંધારપટ્ટને પગલે બસોના બોર્ડ પણ દેખાતા ન હતા તેમજ બસ સ્ટેશનમાં જવાબદાર અધિકારીની હાજરી પણ નહોતી. તત્કાલીન સમયે ખામીયુક્ત સેવાને પગલે જવાબદાર ડેપો મેનેજરની સાથે જ ટ્રાફિક કંટ્રોલર સાથે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિએ ત્વરિત પગલાં લઈ વીજળી શરૂ કરવા રજુઆત કરી હતી. જો કે જનરેટર શરૂ કરવામાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા બેદરકારી અને લાપરવાહી દાખવવામાં આવી હતી. જેને પગલે ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિના આગેવાનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી તેમજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કચેરીની વડી કચેરીએ મેનેજિંગ ડાયરેક્ટર સહિત રાજકોટનાં વિભાગીય નિયામક જે.બી કરોતરાને રજૂઆત કરી હતી. જેમાં આ ખામીયુક્ત સેવા અને અંધારપટ્ટને પગલે મુસાફરોને પડેલી હાલાકી અંગે રાજકોટ એસટી બસપોર્ટનાં જવાબદારોને પેનલ્ટી કરવા અપીલ કરવામાં આવી હતી. રજૂઆતના પડઘા પડતા આ પેનલ્ટી ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજયમાં ગુજરાત એસટીમાં રોજીંદા 28 લાખ મુસાફરો અપડાઉન કરે છે. ત્યારે મુસાફરોને પડતી મુશ્કેલીઓ અંગે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની લાપરવાહી ચલાવી લેવામાં નહીં આવે અને ફરજમાં ગુનાહિત બેદરકારી દાખવવામાં આવશે તો દંડાશે. આ પ્રકારની મુસાફરોને કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિને હેલ્પલાઇન નંબર 94262 29396 ઉપર 24 કલાક આધાર પુરાવા સાથે જાણ કરવા સમિતિએ અપીલ કરી છે.