વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ માનસી જ્વેલર્સમાંથી 17.75 લાખ રૂપિયાની કિંમતની 35 કિલો ચાંદીના દાગીના અને 1 લાખની કિંમતની રિયલ ડાયમંડની સોનાની વીંટીની ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ પહેલા તો સીસીટીવી પર લાલ સ્પ્રે માર્યો હતો અને પછી દુકાનમાંથી ચોરી કરી હતી અને ભાગી છૂટ્યા હતા. આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. દીકરાનો ફોન આવ્યો આપણી દુકાનના તાળા તૂટ્યા છે
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ આઈરીશમાં રહેતા કૈલાસચંન્દ્ર છોગાલાલ શાહ (ઉ.69) એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું તરસાલી વિસ્તારમાં આવેલ શરદ નગરમાં માનસી જવેલર્સના નામથી સોના-ચાંદીના દાગીના બનાવી છુટક વેચાણ કરીને સોનીનો વેપાર કરું છું. આજે વહેલી સવારે 5.23 વાગ્યે અમારી દુકાનની બાજુની કલ્પના ડિપાર્મેન્ટલ સ્ટોરના માલિક રાજુભાઈ મકવાણાએ મારા દીકરા નરેન્દ્રને ફોન કરીને કહ્યું હતું કે, અમારી દુકાનના તાળા તૂટ્યા છે અને કાળા કલરની કાર લઈને તેઓ બે-ત્રણ જણા નીકળી ગયા છે. ચોરે દુકાનના CCTV પર લાલ સ્પ્રે મારી દીધો હતો
જેથી મારા દીકરા નરેન્દ્રએ મને ફોન કર્યો હતો અને દુકાનના તાળા તૂટ્યા હોવાની હકિકત જણાવી હતી. જેથી હું તથા મારો દીકરો નરેન્દ્ર અમારી દુકાને જઈને જોયું તો દુકાનની આગળ લોખંડની જાળી તૂટેલી હતી અને દુકાનના શટરના બંને લોક તોડીને દુકાનમાં રહેલા બહારના ડિસપ્લે તથા ટેબલના ડ્રોવરોમાં મુકેલા ચાંદીના વાસણો-ભગવાનની મૂર્તિઓ, ઝાંઝર, પાયલ વિગેરેની ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી. રિયલ ડાયમંડની સોનાની વીંટીની પણ ચોરી થઈ હતી. સોનાના દાગીના મુકેલા હતા તે તિજોરીને કોઇ નુકસાન થયેલું નથી કે તેમાંથી ચોરી થઈ નથી. અમારી દુકાનમાં CCTV લગાડ્યા છે. જોકે ચોરે દુકાનની અંદર પ્રવેશ કરીને CCTV ઉપર લાલ જેવા કલરનો સ્પ્રે લગાડીને કેમેરાને બંધ કરી દિધો હતો અને ત્યારબાદ ચોરી કરી હતી. ઘટનાની જાણ થતા મકરપુરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધીને તસ્કરોને શોધખોળ શરૂ કરી છે.