છેલ્લા ઘણા સમયથી સ્થાનિક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓની ફરિયાદો સામે આવી રહી હતી, જેને પગલે કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે પોલીસ બંદોબસ્ત સાથે દુકાનો અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. SMC દ્વારા આ તમામ કામગીરી સાઉથ ઇસ્ટ ઝોનના ડે.મ્યુ.કમિશનર તથા કાર્યપાલક ઈજનેરના નેતૃત્વ હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી. ટ્રાફિક સમસ્યાને નડતરરૂપ દબાણો દૂર કરાયા
સુરત મહાનગર પાલિકાના સાઉથ ઇસ્ટ (લીંબાયત) ઝોન વિસ્તારમાં આવેલ ફા.ટી.પી સ્કીમ નંબર-07 આંજણાના ભાઠેના વિસ્તારમાં આવેલા પુષ્પાનગર શાકભાજી માર્કેટને લાગુ 12.19 મી ટી.પી રોડની પહોળાઇમાં દબાણની અસરમાં આવતા અંદાજીત 100 દુકાનોના પતરાના શેડ અંદાજીત 1000.00 ચો.ફૂટ તથા 15 જેટલી દુકાનોના ઓટલા પ્રકારના અંદાજીત 500 ચો.ફૂટ દબાણ દૂર કરી મટીરીયલ તથા કુલ- 21 લારી જપ્ત કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી
સદરહુ રસ્તાને ખુલ્લા કરવા માટે પોલીસ બંદોબસ્તમાં 1 પી.આઈ, 2 પી.એસ.આઈ, 15 કોન્સ્ટેબલ, દબાણની ગાડી અને બેલદારો, સીકયુરીટી સ્ટાફ તથા ટેકનીકલ સ્ટાફની મદદથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા 12.19 મીટર પહોળાઈનો આ રસ્તો ખુલ્લો કરવામાં આવતા સદર વિસ્તાર ખૂબ જ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર હોય, ઉકત રોડ પર ટ્રાફિકના ભારણમાં નોંધપાત્ર ઘટાડો થશે.સુરત મહાનગરપાલિકા દ્વારા આ તમામ કામગીરી સાઉથ ઇસ્ટ ઝોનના ડે.મ્યુ.કમિશનર તથા કાર્યપાલક ઈજનેરના નેતૃત્વ હેઠળ પૂર્ણ કરવામાં આવી છે.