શ્રીલંકાને લલચાવવામાં ચીન કોઈ કસર નથી છોડી રહ્યું. માનવીય સહાયના બહાને ચીને શ્રીલંકામાં સૌથી મોટી ચાલ શાળાનાં બાળકોને મદદના નામે ચલાવી છે. આ વર્ષે શ્રીલંકાની સરકારી શાળાનાં તમામ 46 લાખ બાળકોને યુનિફોર્મ આપ્યા છે. જ્યારે 2023 અને 2024માં ચીને અનુક્રમે 32 અને 37 લાખ બાળકોને સ્કૂલ ડ્રેસ સપ્લાય કર્યા હતા. આ સાથે પૂર્વીય શ્રીલંકામાં પૂરગ્રસ્ત લગભગ 50 હજાર પીડિતોને મફતમાં રાશન પણ ચીન તરફ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ચીન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ કેમ્પ પણ લગાવાયા છે. ગયા વર્ષે નવેમ્બરના અંતમાં આવેલા પૂરને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ચીન દ્વારા હજુ પણ કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. ફ્રી રાશનની સાથે ટેન્ટ પણ લગાવવામાં આવ્યા છે. શા માટે મદદ… વ્યાજખોરની છબી હટાવવા, બીઆરઆઈ પર નજર
કોલંબોસ્થિત થિન્ક ટેન્ક ફેક્ટમના આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત ઉદિતા દેવપ્રિયાનું કહેવું છે કે ચીનની મદદ પાછળ એક મોટી વ્યૂહરચના છે. શ્રીલંકા પર ચીનનું 64 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. આ શ્રીલંકાના કુલ વિદેશી દેવાના 20% જેટલું છે. ચીન તેના પર ભારે વ્યાજ પણ વસૂલે છે. તાજેતરમાં ચીને પણ શ્રીલંકાને વ્યાજ ચૂકવવામાં રાહત આપી છે. શ્રીલંકામાં સામાન્ય લોકોમાં ચીનની છબી ખરડાઈ રહી હતી. આ ઉપરાંત ચીનની નજર બીઆરઆઈ (બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ) પર પણ છે. આ અંતર્ગત ચીને શ્રીલંકામાં વિશેષ રોકાણ કર્યું છે. ચીન શ્રીલંકામાં પોર્ટ, એરપોર્ટ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાની હાજરી વધારવા માગે છે. દેવપ્રિયાનું કહેવું છે કે શ્રીલંકામાં ચીનનો પ્રવેશ ભારતનાં હિતોની વિરુદ્ધ છે. શ્રીલંકામાં ચીનના રાજદૂત નિયમિત બેઠકો કરે છે, આઉટરિચને સમર્થન શ્રીલંકામાં ચીનના રાજદૂત ક્વિ ઝેનહોંગ મિશન મોડ પર આ આઉટરિચનું સંચાલન કરી રહ્યા છે. તેઓ નિયમિતપણે શ્રીલંકાના પ્રતિનિધિઓ સાથે બેઠકો કરે છે. તે પોતે ચીનના સહાય કાર્યક્રમો પર નજર રાખવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. શ્રીલંકામાં અનુરાની જીત સાથે ચીનની પ્રવૃત્તિઓ વધુ તીવ્ર બની છે. ચીન તરફથી શ્રીલંકાના 13 હજારથી વધુ સરકારી કર્મચારીઓને તાલીમ
છેલ્લાં 2 વર્ષ દરમિયાન શ્રીલંકાના લગભગ 13 હજાર સરકારી કર્મચારીઓને ચીન તરફથી તાલીમ આપવામાં આવી છે. સૂત્રો મુજબ, આ વર્ષે પણ સૌથી વધુ કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. શ્રીલંકાના ટેક્નિકલ કર્મચારીઓને વિકસિત કરાયેલા ચીનના સોફ્ટવેર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.