અમદાવાદ સહિત રાજ્યભરની હોસ્પિટલો, ક્લિનિક અને પેથોલોજી લેબે ક્લિનિકલ એસ્ટાબિલ્શમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સરકારે જૂન 2023થી ઓફલાઈન અને સપ્ટેમ્બર 2024થી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. પરંતુ દોઢ વર્ષમાં હજુ સુધી પોર્ટલ પર માંડ 1 હજાર રજિસ્ટ્રેશન થયા છે. માત્ર અમદાવાદની વાત કરીએ તો 22 હજાર હોસ્પિટલ કે લેબે રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી છે. રજિસ્ટ્રેશન માટે આવતી અરજીની ચકાસણી કરવા બે લોકોનો સ્ટાફ છે. આ રીતે જોતાં બાકી રહેલી 21 હજાર હોસ્પિટલો, ક્લિનિક, લેબની નોંધણી કરવામાં 21 વર્ષ નીકળી જશે. સિસ્ટમમાંથી બોગસ ડોક્ટરો અને ઊંટવૈદોને કાઢવાના હેતુથી સરકારે આ કાયદો બનાવ્યો છે. પરંતુ રજિસ્ટ્રેશનની ગતિ જોતાં આખા કાયદાનો હેતુ મરી જાય છે. કાયદા મુજબ દરેક હોસ્પિટલમાં સર્જરીનું રેટ લિસ્ટ ફરજિયાત મૂકવાની પણ જોગવાઈ છે. તમામ પ્રક્રિયા પર નજર રાખવા સોલા સિવિલના ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર અને અન્ય એક અધિકારીને જવાબદારી સોંપાઈ છે. પ્રથમ વખત રજિસ્ટ્રેશન કરાવનારાને 1 વર્ષ માટે અને ત્યારબાદ 5 વર્ષ માટે સર્ટિફિકેટ આપવામાં આવશે. 5 વર્ષનું સર્ટિફિકેટ આપવા આ અધિકારીઓએ રૂબરૂ જવું પડે. હવે જો 21 હજારનું રજિસ્ટ્રેશન બાકી છે અને બે દાયકા નીકળી જાય તેમ છે. ત્યારે અધિકારીઓ રૂબરૂ જઈ કઈ રીતે તપાસ કરશે તે પ્રશ્ન છે. કામગીરી ઝડપી બનાવવા સરકાર પાસે વધારાના સ્ટાફની માગણી કરવામાં આવી છે. આમ એકંદરે આ પ્રક્રિયા કાગળ પરનો કાયદો બની જશે તેમ લાગે છે. સરકારનો મત જાણવા હેલ્થ કમિશનર હર્ષદ પટેલને ફોન-મેસેજ કરાયા પણ જવાબ મળ્યો નથી. રજિસ્ટ્રેશનનું કામ મ્યુનિ.-જિલ્લા પંચાયતમાં વહેંચવા રજૂઆત માત્ર 2 માણસનો સ્ટાફ હોવાથી સરકારને લેખિતમાં રજૂઆત કરાઈ છે કે, મ્યુનિ. હદ વિસ્તારમાં આવતાં ક્લિનિકનું રજિસ્ટ્રેશન મ્યુનિ.માં થાય. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં આવતી હોસ્પિટલોની રજિસ્ટ્રેશનની કામગીરી જિલ્લા પંચાયતને સોંપવામાં આવે. જો આમ થાય તો કામનું ભારણ વહેંચાઈ જશે અને કામગીરી ઝડપથી પણ પૂરી કરી શકાશે. અધિકારીઓનું કહેવું છે કે, રજિસ્ટ્રેશનની સાથે સાથે રૂટિન કામગીરી પણ કરવી પડતી હોવાથી ઝડપ આવતી નથી. ખામીને લીધે 30% અરજી પાછી મોકલવી પડે છે હેલ્થ વિભાગની સાઈટ પર રજિસ્ટ્રેશન પછી હોસ્પિટલોના તમામ સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવે છે. એ પછી જ ક્લિનિકિલ એસ્ટાબ્લિશમેન્ટ સર્ટિફિકેટ અપાય છે. ફોર્મ ભરવામાં કોઈ ખામી રહે તો ફરી અરજી કરવી પડે છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સર્ટિફિકિટે આપવા કોઈ સમયમર્યાદા નક્કી કરાઈ નથી. 10માંથી 3 અરજીમાં ક્ષતિ હોવાથી પાછી મોકલવામાં આવતી હોય છે. રજિસ્ટ્રેશન કરાવતી વખતે હોસ્પિટલ કે ક્લિનિકે ફાયર એનઓસી, વેસ્ટ મેનેજમેન્ટ, રેડિયોલોજી, ડ્રગ એન્ડ કોસ્મેટિક, પીએનડીટી, સરોગસી, આસિસ્ટન્ટ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી, બ્લડ બેન્ક સ્ટોરેજના સર્ટિફિકેટ તેમજ હોસ્પિટલના ફોટા રજૂ કરવાના હોય છે. રજિસ્ટ્રેશનની મુદત લંબાવાઈ શકે છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ વિશે ટૂંકમાં હેલ્થ વિભાગની મિટિંગ યોજાશે. જેમાં રજિસ્ટ્રેશનની તારીખ લંબાવવા અંગે નિર્ણય લેવાશે. જૂન 2023થી ઓફલાઈન રજિસ્ટ્રેશનમાં 50 બેડથી ઉપરવાળી હોસ્પિટલો માટે નોંધણી ફરજિયાત હતી. 2024માં નાનામાં નાના ક્લિનિકથી લઈ મોટી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરિયાદ કરાયું છે. આગામી દિવસોમાં કઈ રીતે નોંધણીની પ્રક્રિયા થશે તે જોવાનું રહેશે.