પ્રતિપાલસિંહ ગોહિલ, ઈમરાન હોથી
ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની કાયમી ભરતી સંપૂર્ણપણે ગેરકાયદે કરવામાં આવી હોવાની સનસનીખેજ વિગતો દિવ્ય ભાસ્કરને મળી છે. 16 નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તેમજ રજિસ્ટ્રારના પી.એ. તરીકે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી તરીકે ફરજ બજાવતા બે સહિત પાંચ લાગતા વળગતાઓ પાસે કોઇપણ પ્રકારનો અનુભવ અને યુજીસીના સ્ટેચ્યુટ, ઓર્ડિનન્સ કે એક્ટનો ખુલ્લેઆમ ભંગ કરીને કાયમી ઓર્ડર આપી દઈ ષડયંત્ર રચવામાં આવ્યું હોવાના પણ આધાર પુરાવા દિવ્ય ભાસ્કરને મળ્યા છે. 08-03-2024ના રોજ માત્ર વેબસાઈટ પર કોઇપણ નોટિફિકેશન નંબર કે આઉટવર્ડ નંબર વિના જાહેરાત મૂકી દઈ તેના પછીના નવ મહિનાની અંદર અનેક પ્રકારના ખેલ કરી 26-12-2024ના રોજ પાંચેય લાગતા વળગતાઓને ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારી તરીકે નિમણૂક આપી દઈ 28-12-2024ના રોજ હોદ્દાની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. આ ભરતી કૌભાંડ સંદર્ભે અન્યાય થયેલા ઉમેદવારોએ લેખિતમાં અનેક રજૂઆતો કરી હોવા છતાં રાજ્યના શિક્ષણ વિભાગ કે કચ્છ યુનિવર્સિટીના સત્તાવાહકોએ આંખ આડા કાન કરી આ કારસ્તાનને છાવર્યાનું પણ સ્પષ્ટ થઈ ગયું છે. કચ્છ યુનિવર્સિટીએ માર્ચ 2024માં એક રજિસ્ટ્રાર, એક આસિ. રજિસ્ટ્રાર, ચાર સેક્શન ઓફિસર સહિત કુલ 8 સંવર્ગમાં 28ની ભરતી કરવા માટેની જાહેરાત વેબસાઈટ પર મૂકી હતી. કોઇ અખબારમાં કે અન્ય કોઇ રીતે આ ભરતીની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી ન હતી. નિયમ મુજબ જાહેરાતનું નોટિફિકેશન હોવું જરૂરી છે, આઉટવર્ડ નંબર હોવા જરૂરી છે અને ભરતી માટેના ફોર્મ માત્રને માત્ર ઓનલાઈન મગાવવાના હોય છે અને જો ઓનલાઈન ન મગાવવાના હોય તો ટપાલ મારફત જ મગાવી શકાય તેવો નિયમ છે. પરંતુ કચ્છ યુનિવર્સિટીના સત્તાવાહકોએ ભરતી કરતા પહેલા જ આખો માસ્ટર પ્લાન તૈયાર કરી રાખ્યો હોય તેમ ઉમેદવારી કરનારને રૂબરૂમાં આવીને જ ફોર્મ આપી જવા તેવો વિકલ્પ આપ્યો હતો.
ભરતી થવા માગતા ઉમેદવારોએ રૂબરૂમાં ફોર્મ આપી દીધા હતા ત્યારબાદ આ ફોર્મમાં કોઇની ક્યાંય ભૂલ હોય અથવા તો કોઇ ડોક્યુમેન્ટ અધૂરા હોય તેમાં ક્યાંય ટેક્નિકલ મુદ્દો ઉપસ્થિત થતો હોય તો ભરતી આપનાર યુનિવર્સિટીએ કમિટી બનાવીને ઉમેદવારોના ફોર્મની સ્ક્રુટિની કરવાની હોય છે પરંતુ અહિયા સ્ક્રુટિની પણ કરવામાં આવી ન હતી અને પસંદગીના ઉમેદવારોને જ પરીક્ષાના અને ત્યારબાદ ઈન્ટરવ્યૂના કોલલેટર મોકલવામાં આવ્યા હતા. અગાઉથી જ બધુ નક્કી હોય તેમ કચ્છ યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવી રહેલા કુલપતિ અને ઈન્ચાર્જ રજિસ્ટ્રારના પી.એ. સહિત પાંચ કર્મચારીને નીતિ નિયમોનો ઉલાળિયો કરીને પરીક્ષામાં છેક છેલ્લા ક્રમે આવ્યા હોવા છતાં એકથી ત્રણમાં આવેલા હોંશિયાર ઉમેદવારોને અલગ-અલગ બહાના બતાવી ગેરલાયક ગણાવી દેવાયા હતા.
પરીક્ષામાં પણ અત્યંત ચોંકાવનારો ગોટાળો કરવામાં આવ્યો. ઓએમઆર શીટમાં બારકોડ નંબર આપવામાં આવ્યા જ નથી! આથી તેમાં પાછળથી કોઇપણ પ્રકારના ફેરફાર કરી શકાય કારણ કે, બારકોડ વગરની શીટ કમ્પ્યુટરમાં ચેક કરી શકાતી નથી તેને મેન્યુઅલ જ ચેક કરીને માર્ક આપવાના થાય છે. અહિયા યુપીએસસી, જીપીએસસી અને ગૌણ સેવા પસંદગી પરિષદ સહિતની સંસ્થાઓ દ્વારા જે રીતે ઓએમઆર શીટ બારકોડ મુજબની હોય છે તેનો ઉલાળિયો કરી દેવામાં આવ્યો હતો. જ્યારે પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે પ્રોવિઝનલ અને ફાઈનલ પરિણામમાં કેટલાક વિદ્યાર્થીઓના એકથી દોઢ સુધીના વધારી દેવામાં આવ્યા હતા અને સૌથી મોટી આશ્ચર્યની વાત એ હતી કે, ટોપ-5માં જે ઉમેદવાર પાસ થયા હતા તેઓને ક્ષુલ્લક બહાના બતાવીને ગેરલાયક ઠેરવાયા હતા. જ્યારે સૌથી ઓછા માર્ક મેળવનારા 10ને ઈન્ટરવ્યૂ માટે સિલેક્ટ કરી લેવાયા હતા. પછી તેમાંથી જે અગાઉથી પસંદ થયેલા હતા તેવા પાંચ ઉમેદવારમાંથી એકને ક્લાસ-1 અધિકારી આસિ. રજિસ્ટ્રાર તરીકે જ્યારે ચારને ક્લાસ-2 અધિકારી સેક્શન ઓફિસર તરીકે નિમણૂક આપી દઈ માત્ર એપોઈન્ટમેન્ટ લેટરના બે દિવસ બાદ હોદ્દા પણ ફાળવી દેવાયા હતા. કૌભાંડ કરીને ભરતી કરાયેલા પાંચેય કર્મચારી છેલ્લા છ દિવસથી ફરજ બજાવી રહ્યા છે ત્યારે આ કૌભાંડ સંદર્ભે શિક્ષણ વિભાગ તપાસ કરે તો સત્ય વિગતો બહાર આવશે અને ભરતીના નિયમ મુજબના દિવ્ય ભાસ્કર પાસે જે આધાર પુરાવા છે તેનો આધાર રાખવામાં આવશે તો ભરતી કરાયેલા પાંચેય ઘરભેગા થશે અને જેને અન્યાય થયો છે તેને તક મળશે. અન્યથા બાકી હજુ જે 28માંથી 23ની ભરતી કરવાની બાકી છે તેમાં પણ આ જ કૌભાંડનું પુનરાવર્તન કરાશે અને તેમાં પણ હોંશિયાર ઉમેદવારોને અન્યાય થવાની પૂરેપૂરી સંભાવના છે. આટલા નિયમોનો ભંગ કરી ગેરકાયદે ભરતી કરાઇ ભરતીની જાહેરાત નોટિફિકેશન નંબર કે જાવક નંબર વગર
ભરતીની જાહેરાત માત્ર વેબસાઈટમાં અપાઈ, અખબારમાં પ્રસિદ્ધ ન કરાઈ
અરજી રૂબરૂની સુવિધા અપાઈ
સ્ક્રુટિની પહેલા ન કરાઈ, પરીક્ષા બાદ કરાઈ, ઉમેદવારને તેની જાણ પણ કરવામાં આવી ન હતી
સ્ટેચ્યુટ બન્યું ન હતું છતાં પ્રક્રિયા કરાઈ પછી નવેસરથી અરજી ન મગાઈ
પરીક્ષાની જાહેરાત નોટિફિકેશન નંબર કે આઉટવર્ડ નંબર વગર કરાઈ
બારકોડ વગર ઓમએમઆર શીટ આપવામાં આવી હતી
બારકોડ વગર પ્રશ્નપત્રનું વિતરણ
ટોપ-5માં આવેલા સરકારી કર્મચારી હોવા છતાં અનુભવ માન્ય ન રાખ્યો
માર્કસમાં ફેરફાર કરાયા પણ બધા માટે નહીં, શા માટે ફેરફાર કરાયા તે પણ જાહેર ન કરાયું
ઈન્ટરવ્યૂ કુલ કેટલા માર્કનું છે? તે જાહેર ન કરાયું
ઈન્ટવ્યૂના વીડિયો રેકોર્ડિંગ ન કરાયા
ઈન્ટરવ્યૂ લેવાયા કોના લેવાયા અને કેટલા માર્ક મળ્યા તે જાહેર ન કરાયું
એલિજિબિલિટી લિસ્ટ બન્યું પણ
યુનિ.ની સાઈટ પર જાહેર ન કરાયું
એપોઈન્ટમેન્ટ લેટર આપી દીધા, કામની સોંપણી થઈ પણ પોલીસ વેરિફિકેશન ન કરાયું
હોદ્દાની ફાળવણી આપતા પહેલા સરકારની મંજૂરી ન લેવાઈ અગાઉ કરાર આધારિત હતા હવે તેઓને નવી ભરતીમાં સમાવાયા ટોપ-5 પરીક્ષાર્થી ગેરલાયક, 8 નંબર પછીના લાયક!
ઈન્ટરવ્યૂ માટેના સિલેક્શનના લિસ્ટમાં જે ઉમેદવારો ટોપ-5માં આવ્યા હતા તેમાં સરકારી કર્મચારી હોવા છતાં તેમનો વહીવટી અનુભવ ગણવામાં આવ્યો નથી. જ્યારે જે ઉમેદવાર આઠમા ક્રમના સંકલ્પ વૈષ્ણવ કે જેમને 57 માર્ક આવ્યા તેમને આસિ. રજિસ્ટ્રારના ઈન્ટરવ્યૂ માટે સિલેક્ટ કરાયા હતા. આ જ રીતે સેક્શન ઓફિસરમાં પણ જેમને સૌથી ઓછા માર્ક આવ્યા હતા તે પૈકીના સુમન જેઠીને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. બારકોડ શું છે એ બાબતે ખરાઈ કરવી પડશે : રજિસ્ટ્રાર
કચ્છ યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર અનિલ ગૌરનો સંપર્ક કરીને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે, બારકોડ વિના ઓએમઆર શીટથી પરીક્ષા કેવી રીતે લઈ શકાય? સૌ પ્રથમ તો બારકોડ શું છે તે અંગે અજાણતા દર્શાવી હતી. લાંબી દલીલ બાદ તેઓએ કહ્યું હતું કે, જો યુપીએસસી, જીપીએસસી અને ગૌણ સેવા પસંદગી સમિતિ ઓએમઆર શીટમાં બારકોડ રાખીને જ પરીક્ષા લે છે તો આ બારકોડ શું છે તે અંગે હજુ મારે એક વખત ખરાઈ કરવી પડશે અને પછી હું તમને યોગ્ય જવાબ આપી શકું.