ભારતના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલા ચિદમ્બરમનું શનિવારે વહેલી સવારે નિધન થયું હતું. તેઓ 88 વર્ષના હતા. પરમાણુ ઉર્જા વિભાગના અધિકારીએ જણાવ્યું કે રાજગોપાલાએ મુંબઈની જસલોક હોસ્પિટલમાં સવારે 3.20 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ. રાજગોપાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “ડો. રાજગોપાલાએ ભારતની વૈજ્ઞાનિક અને રાજદ્વારી તાકાતને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ભારતના પરમાણુ કાર્યક્રમના આર્કિટેક્ટમાંના એક હતા. આવનારી પેઢીઓ તેમના કામમાંથી પ્રેરણા લેશે.” પોખરણ પરમાણુ પરીક્ષણમાં મહત્વની ભૂમિકા, પદ્મ વિભૂષણથી સન્માનિત ડૉ.રાજગોપાલાએ 1974 અને 1998માં પોખરણ પરમાણુ પરીક્ષણોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે દેશમાં પરમાણુ હથિયારોના ડેવલપમેન્ટમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ડૉ.રાજગોપાલાને 1975માં પદ્મશ્રી અને 1999માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમણે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. તેઓ ભારતીય ન્યુક્લિયર એનર્જી કમિશનના અધ્યક્ષ હતા અને ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પણ હતા. ડૉ. ચિદમ્બરમે કહ્યું હતું- અન્ય દેશો પરમાણુ વિજ્ઞાનમાં એકબીજાને મદદ કરે છે, ભારત એકલું ઊભું છે. ડૉ. ચિદમ્બરમે જૂન 2024માં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં માત્ર ભારત જ તેની પરમાણુ ટેકનોલોજી અને પ્રોજેક્ટ્સમાં એકલું ઊભું છે. બાકીના વિશ્વના પ્રોજેક્ટ્સમાં વિવિધ દેશો પોતપોતાની ભૂમિકા ભજવે છે. ડૉ. ચિદમ્બરમે કહ્યું હતું કે અમેરિકાના મેનહટન પ્રોજેક્ટમાં બ્રિટન પણ સામેલ છે. રશિયા-ચીન, ચીન-પાકિસ્તાન, અમેરિકા-ફ્રાન્સ, ફ્રાન્સ-ઈઝરાયલ વચ્ચે પણ ન્યુક્લિયર રિલેશનશિપ છે, પરંતુ ભારત તેના પરમાણુ પ્રોજેક્ટ એકલા હાથે કરી રહ્યું છે. ડો.ચિદમ્બરમે કહ્યું કે ભારતે અન્ય દેશોના ન્યુક્લિયર પ્રોજેક્ટની જાસૂસી કરવાની કોઈ જરૂર નથી. તેમજ અન્ય દેશોમાંથી ટેક્નોલોજી ચોરી કરવાની પણ જરૂર નથી. આપણી પાસે પોતાની જ વર્લ્ડ ક્લાસ નિષ્ણાતોની ટીમ છે. DAEએ કહ્યું- ડૉ. રાજગોપાલા વિજ્ઞાન-ટેક્નોલોજીના પ્રણેતા ડૉ.રાજગોપાલાનો જન્મ 1936માં ચેન્નાઈમાં થયો હતો. તેમણે પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નાઈ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુમાં અભ્યાસ કર્યો. ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીએ જણાવ્યું હતું કે, “1974માં દેશના પ્રથમ પરમાણુ પરીક્ષણમાં ડૉ.રાજગોપાલાની મહત્વની ભૂમિકા હતી. તેમણે 1998માં પોખરણ પરિક્ષણ દરમિયાન અણુ ઊર્જા ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમના યોગદાનને કારણે ભારતે પોતાને વિશ્વમાં પરમાણુ શક્તિ તરીકે સ્થાપિત કર્યું. તેમને વિશ્વની ઘણી યુનિવર્સિટીઓ તરફથી માનદ ડોક્ટરેટની પદવીઓ આપવામાં આવી હતી. તેમનું નિધન એ દેશ અને આપણા વૈજ્ઞાનિક સમુદાય માટે અપુરતી ખોટ છે. તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રણેતા હતા, તેમના કાર્યોથી દેશને આત્મવિશ્વાસ અને ન્યુક્લિયર પાવર મળ્યો છે.”