સેટેલાઇટમાં ત્રણ વ્યાજખોરોએ જમીન દલાલને 5 ટકા વ્યાજે રૂ. 90 લાખ આપ્યા હતા. તેની સામે મકાન ગેરંટીમાં લીધુ હતુ. જ્યારે દલાલ વ્યાજ ભરી ન શકતા વ્યાજખોરો ઉઘરાણી કરી દલાલે વિઠ્ઠલાપુરની જમીન રૂ. 1.65 કરોડમાં આપી દેવાનું નક્કી કર્યુ હતું. જેથી, વ્યાજખોરોએ જમીન લેવાનું કહીને વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો અને ઉપરના બાકી નીકળતા રૂ. 32.50 લાખ દલાલને આપ્યા ન હતા તેમજ સેટેલાઇટનું મકાન પણ પચાવી પાડ્યુ હતુ. આ ઉપરાંત ખાલી કરવા નોટિસ પણ મોકલી હતી. જ્યારે રૂ. 4.10 કરોડનો બાકી હિસાબ પણ કાઢ્યો હતો. આ અંગે જમીન દલાલે ત્રણ ગઠિયા સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. જમીન દલાલીનું કામ કરતા હોવાથી સંપર્ક થયો હતો
સેટેલાઇટમાં રહેતા 49 વર્ષીય અમરભાઇ પાધ્યા જમીન લે-વેચનો ધંધો કરે છે. જેમાં વર્ષ 2001માં તેઓ મુંબઇમાં રહેતા અને કલર તેમજ કેમિકલનો વ્યવસાય કરતા હતા. જે બાદ વર્ષ 2002માં તેઓ પરિવાર સાથે સેટેલાઇટમાં રહેવા આવ્યા હતા. જેમાં તેઓ જમીન દલાલીનું કામ કરતા હોવાથી તેમનો સંપર્ક મનીષકુમાર ઝા અને વિજયસિંહ ચૌહાણ સાથે થયો હતો. બાદમાં બંને સાથે નાણાકીય વ્યવહાર પણ થયો હતો. વર્ષ 2021માં તેમને વિઠ્ઠલાપુરમાં જમીનમાં રોકાણ કર્યુ પરંતુ, ન વેચાતા રૂપિયાની જરૂર ઉભી થતા બંનેને વાત કરી હતી. રૂ. 1.07 કરોડ ચૂકવવાના બાકી રહ્યા હતા
તેઓએ મિલિન્દ પંચાલ સાથે મુલાકાત કરાવી હતી. જેમાં મિલિન્દે શશીન પટેલ સાથે મુલાકાત કરાવી હતી. જેમાં શશીને 5 ટકા વ્યાજે પૈસા આપવાની વાત કરી હતી. જેનો ખર્ચ રૂ. 7 લાખ થશે તેમ જણાવ્યું હતું અને મિલિન્દ અને વિજયને 5 લાખ કમિશન આપવુ પડશે તેમ જણાવ્યું હતું. જેથી, અમરભાઇ ધંધા અને અન્ય કામ માટે શશીન પાસેથી રૂ. 90 લાખ વ્યાજે લીધા હતા. જેમાં ગેરંટી તરીકે મકાનનો દસ્તાવેજ કરી લીધો હતો. પરંતુ તેઓ વ્યાજ ચૂકવી ન શકતા કુલ રૂ. 1.07 કરોડ ચૂકવવાના બાકી રહ્યા હતા. જેથી અમરભાઇએ વિઠ્ઠલાપુરની જમીન રૂ. 1.65 કરોડમાં શશીનને વેચવાનું નક્કી કરીને ઉપરના રૂપિયા લેવાની વાત કરી હતી. સસરા રમેશ ચોક્સી અને મિલિન્દે ભેગા મળીને ઠગાઇ આચરી
પરંતુ, જમીનના વેચાણ દસ્તાવેજ કર્યા બાદ પણ રૂ. 32.50 લાખ આપ્યા ન હતા તેમજ સેટેલાઇટનું મકાનનો રિવર્સ દસ્તાવેજ પણ કરી આપ્યો ન હતો તેમજ મકાન ખાલી કરવા નોટિસ પણ મોકલી હતી તેમજ રૂ. 4.10 કરોડ બાકી હિસાબ કાઢ્યો હતો. જેથી શશીન, તેના સસરા રમેશ ચોક્સી અને મિલિન્દે ભેગા મળીને અમરભાઇ સાથે ઠગાઇ આચરી છે.