back to top
Homeગુજરાતસુરતની અંધજન સ્કૂલમાં 135 વિદ્યાર્થીના ભવિષ્યનું ઘડતર:ભણતરની સાથે અપાઈ છે વોકેશનલ-ઔદ્યોગિક તાલીમ;...

સુરતની અંધજન સ્કૂલમાં 135 વિદ્યાર્થીના ભવિષ્યનું ઘડતર:ભણતરની સાથે અપાઈ છે વોકેશનલ-ઔદ્યોગિક તાલીમ; બ્રેઇલ લિપિથી વાંચતા-લખતા શીખેલાં બાળકો કોમ્પ્યુટર પર હોમવર્ક કરે છે

આજે વિશ્વ બ્રેઈલ દિવસ છે, પ્રજ્ઞાચક્ષુઓ માટે છ ટપકાની બ્રેઈલ લિપિ આંખ સમાન હોય છે. દક્ષિણ ગુજરાતની એકમાત્ર સુરતની અંધજન શિક્ષણ મંડળ શાળામાં ધોરણ 1થી 12માં 135 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં બાળકો શિક્ષણ સાથે સ્પોર્ટ્સમાં પણ અગ્રેસર છે. બ્રેઈલ લિપિ પ્રજ્ઞાચક્ષુઓના વિચારોને અક્ષરદેહ આપતું માધ્યમ છે. અંધજન સ્કૂલમાં બાળકો માટે બ્રેઇલ લિપિના 1200થી વધુ પુસ્તકોની લાઈબ્રેરી પણ છે. 4 જાન્યુઆરી એટલે બ્રેઈલ પદ્ધતિના શોધક લુઈ બ્રેઈલની જન્મજયંતિ. લુઈ બ્રેઈલની યાદમાં આજના દિવસે ‘વિશ્વ બ્રેઈલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. સંદેશાવ્યવહારમાં બ્રેઈલ લિપિના મહત્વ વિશે આ દિવસે વિશ્વમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. બ્રેઈલ પદ્ધતિ અંધજનો માટે વરદાનરૂપ છે, જેની મદદથી તેઓ વાંચી, લખી શકે છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ઘોડદોડ રોડ પર આવેલી એકમાત્ર અંધજન શિક્ષણ મંડળ શાળામાં ધો.1થી 12માં 135 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બ્રેઈલ લિપિથી નિ:શુલ્ક અભ્યાસ કરે છે. તેઓને ભણતરની સાથે વોકેશનલ-ઔદ્યોગિક તાલીમ પણ આપવામાં આવે છે. સાથે જ વિદ્યાર્થીઓ ખુરશી ગુંથણ, ફાઈલ બનાવવી, કેન્ડલ, બેગ, પગ લૂછણીયા, કોડીયા સહિતની વિવિધ ઉત્પાદનો બનાવીને તેનું વેચાણ કરી આવક પણ મેળવે છે. બ્રેઈલ લિપિ પ્રજ્ઞાચક્ષુઓના વિચારોને અક્ષરદેહ આપતું માધ્યમઃ આચાર્ય
આચાર્ય મનિષાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, બ્રેઈલ લિપિ પ્રજ્ઞાચક્ષુઓના વિચારોને અક્ષરદેહ આપતું માધ્યમ છે. રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકો પોતાની ઉણપને ઓળંગી બ્રેઈલ લિપિના માધ્યમથી આંગળીઓના સ્પર્શ વડે વાંચતા-લખતા શીખી રહ્યા છે. એટલું જ નહીં સાથેસાથે બ્રેઇલ લિપિની કવિતાઓ ગાવાનો અદમ્ય ઉત્સાહ છે. ‘બે વિદ્યાર્થી જાતે લેપટોપ પર ટાઈપ કરી બોર્ડની પરીક્ષા આપશે’
પ્રજ્ઞાચક્ષુઓ માટે છ ટપકાની બ્રેઈલ લિપિ આંખ સમાન છે. બ્રેઈલ લિપિથી વાંચતા-લખતા શીખેલા પ્રજ્ઞાચક્ષુઓ હવે લેપટોપ, મોબાઈલ અને કોમ્પ્યુટર પર ટાઈપિંગ કરી પોતાનું હોમવર્ક પણ કરે છે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અંધજન શિક્ષણ મંડળ શાળાના બે વિદ્યાર્થીઓ ધો.12ની બોર્ડની પરીક્ષા ટાઈપ રાઈટરની મદદ વગર પોતાની જાતે લેપટોપ પર પરીક્ષા આપશે. તેમને પ્રશ્નપત્ર બ્રેઈલ લિપિમાં આપવામાં આવશે. પણ તેઓ સામાન્ય બાળકોની જેમજ ટાઈપ કરીને જવાબ ટાઈપ કરશે, જેની પ્રિન્ટ કોપી લઈને પુરવણી (આન્સરશીટ) સાથે જોડી દેવામાં આવશે. આ લેપટોપમાં માત્ર સ્ક્રીન રીડ કરતી એપ્લીકેશનની મદદથી સ્ક્રીન પરની સૂચના વિદ્યાર્થીઓને સરળતાથી જાણવામાં મદદરૂપ થશે. ‘પ્રજ્ઞાચક્ષુઓએ રેલવે, બેંકમાં પણ નોકરી મેળવી છે’
વધુમાં આચાર્યએ કહ્યું કે, ટેક્નોલોજીના ઉપયોગ થકી પ્રજ્ઞાચક્ષુ બાળકો મોબાઈલના કી-બોર્ડની મદદથી પણ ટાઈપિંગ કરતા થયા છે. અમે આધુનિક યુગની સાથે તાલ મિલાવી ધો. 9થી 12ના વિદ્યાર્થીઓને ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. ગત વર્ષે રાજ્યના શિક્ષણ બોર્ડ તરફથી ધો.12ના પરીક્ષાર્થીઓ માટે બ્રેઈલ લિપિમાં પ્રશ્નપત્ર તૈયાર કરાયું હતું. બ્રેઈલ લિપિની સાથે મોબાઈલમાં ટોક બેક એપના ઉપયોગ તેમજ કરન્સી ઓળખ, ગુગલ મેપના આધારે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાની સમજણ આપવામાં આવે છે. આધુનિક જીવન જીવવાની સાથે બાળકોને સંગીત, કમ્પ્યુટર સહિત સ્પોર્ટ્સની વિવિધ એક્ટિવિટીમાં સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. અમારી શાળામાં ભણીને પ્રજ્ઞાચક્ષુઓએ રેલવે, બેંકમાં પણ નોકરી મેળવી છે. ‘બાળકોની ભણતરની સાથે વોકેશનલ-ઔદ્યોગિક તાલીમ’
વધુમાં આચાર્ય મનિષાબેને કહ્યું હતું કે, શાળામાં બાળકો માટે વિશેષ બ્રેઇલ લિપિની 1200થી વધુ પુસ્તકોની લાઈબ્રેરી છે. સંગીત, રમત-ગમત, જિમ્નેસ્ટિક, સાયન્સ લેબ, રેકોર્ડિંગ સ્ટુડિયો ઉપલબ્ધ છે. વિશેષત: અંધજનો માટે ઓડિયોના માધ્યમથી સમગ્ર પાઠ્યપુસ્તકને રેકોર્ડ કરવામાં આવે છે. ગણિત તથા ઉચ્ચ ગણિત માટે પણ ઓડિયો બનાવાયા છે, જેને સાંભળીને પણ બાળકો શીખે છે. અહીં ભણતરની સાથે વોકેશનલ-ઔદ્યોગિક તાલીમ પણ આપવામાં આવે છે. જેમાં ખુરશી ગુંથણ, ફાઈલ બનાવવી, કેન્ડલ, બેગ, પગ લૂછણીયા, કોડીયા સહિતની વિવિધ ઉત્પાદનો બનાવીને તેનું વેચાણ કરી આવક પણ મેળવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments