સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા કિશનસિંહ નામના સીઆઇએસએફના PSIનું પેટમાં ગોળી વાગતા મોત નિપજ્યું છે. એરપોર્ટના બાથરૂમમાંથી લોહીલુહાણ હાલતમાં PSI મળી આવ્યા બાદ તેને સારવાર માટે ખાનગી હસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ આ બનાવ અકસ્માતનો છે કે આત્મહત્યાનો તે અંગે તપાસ હાથ ધરી છે. મૃતકના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 2022થી ફરજ નિભાવી રહ્યો હતો. એરપોર્ટના બાથરૂમમાં બનાવ બન્યો
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના બાથરૂમમાં બપોરના સમયે ફાયરિંગનો અવાજ આવતા જ અન્ય જવાનો દોડી ગયા હતા. પરંતુ, બાથરૂમનો દરવાજો બંધ હોય જવાનોએ ઉપરથી બાથરૂમમાં પ્રવેશ્યા હતા. જેમાં PSI તરીકે ફરજ બજાવતા કિશનસિંહને પેટમાં ગોળી વાગતા લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેને તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. મૃતકના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા
કિશન સિંહ 2022માં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા. તેઓએ સુરક્ષાની જવાબદારી સંભાળી હતી. એક વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. તે મૂળ રાજસ્થાનના નિવાસી હતા. આજે બપોરે પોતાના સાથી કર્મચારી CISF જવાન સાથે વાતચીત કરી રહ્યા હતા. તે સમયે તેઓ સામાન્ય લાગતા હતા. ત્યારબાદ, અચાનક તેઓ એરપોર્ટના બાથરૂમમાં ગયા હતા અને ફાયરીંગનો અવાજ આવ્યો હતો. ગોળીની અવાજે બાકીના CISF જવાનો તરત બાથરૂમ તરફ દોડી ગયા. પરંતુ બાથરૂમનો દરવાજો ખૂલી રહ્યો નહોતો અને તૂટી રહ્યો નહોતો, જેના કારણે CISF ના અન્ય જવાનો બાથરૂમના છત પરથી બાથરૂમમાં કૂદ્યા. ત્યારે કિશનસિંહ જીવિત હતા, પરંતુ હોસ્પિટલમાં લઈ જાતા સમયે તેઓનું મોત થયું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
એસીપી નિરવ ગોહિલે જણાવ્યું હતું કે, હાલ અમે એક્સિડેન્ટલ ડેથની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ કરી રહ્યા છે. આ આત્મહત્યા છે કે દુર્ઘટના તેની તપાસ કરવામાં આવશે. મૃતક કિશનસિંહ મૂળ રાજસ્થાનના જયપુરના રહેવાસી હતા. વર્ષ 2022થી તેઓ સુરતના મગદલ્લા વિસ્તારમાં રહેતા હતા. એરપોર્ટ પર તેઓ સીઆઇએસએફના પીએસઆઇ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓ પોતે આત્મહત્યા કરી છે કે દુર્ઘટનાના કારણે ગોળી ચાલી છે તે અંગેની તપાસ કરવામાં આવશે.