અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં પણ હીરાનગરી સુરતનું બુલેટ ટ્રેનનું સ્ટેશન હવે હીરાનો આકાર લઈ રહ્યું છે. નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડે હીરાની થીમ પર સુરતના બુલેટ ટ્રેનના સ્ટેશનનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો હતો. સ્ટેશનના પ્લેટફોર્મો હવે દેખાઈ રહ્યા છે તથા સ્ટેશન આઇલેન્ડ જેવી શૈલીમાં તૈયાર થઈ રહ્યા છે. ચાર પ્લેટફોર્મ બનાવાયા છે. હાલમાં સ્ટેશનના નિર્માણ કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. બિલ્ડિંગનું સ્ટીલ સ્ટ્રક્ચર વર્ક પૂર્ણ થઈ ગયું છે અને ફિનિશિંગનું કામ ચાલુ છે તથા પાઈપલાઈન, ફાયર સેફ્ટી અને ઈલેક્ટ્રીકલ કામ પણ બુલેટ ટ્રેનની જેમ ગતીમાં જ ચાલી રહ્યું છે. સ્ટેશનની બાહ્ય રચના અને છતની શીટિંગનું મેકઅપ કામ ચાલી રહ્યું છે, જે સ્ટેશનની અંતિમ ડિઝાઇનને આકાર આપે છે. સ્ટેશનની 80% લાઇટ સૌર ઉર્જાથી ચાલશે તેમજ વોટર કન્ઝર્વેશન અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સહિતની સુવિધા પણ છે.
13 નદી પર બ્રિજ બનાવવામાં આવ્યા, જેમાંથી પાંચ સ્ટીલ, બે કોંક્રીટ બ્રિજ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધી 243 કિમીથી વધુ વાયડક્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. 352 કિમીનું પિલર નિર્માણનું કામ અને 362 કિમીમાં પિલરનું પાયા નાખવાનું થઈ ગયું છે. 13 નદીઓ પર બ્રિજ બનાવવામાં આવ્યા છે, જેમાં 5 સ્ટીલ બ્રિજ અને બે પ્રિ-સ્ટ્રેસ્ડ કોંક્રીટ (PSC) બ્રિજ છે.