રાજકોટમાં આજે રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ 3.0નો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ મેદાન પરથી ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા આ ઓપનિંગ સેરેમનીમાં ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદારે લાઈવ પર્ફોર્મન્સ આપ્યું હતું. તો આંતરરાષ્ટ્રીય કક્ષાના 150 કલાકારોના ‘ખેલ ખેલ મે’નું ડાન્સ પર્ફોર્મન્સનું પણ 15 મિનિટનું સ્પેશિયલ સ્ક્રિનિંગ દેખાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા, શાળા અને મહાનગરપાલિકાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં શ્રેષ્ઠ જિલ્લો સુરત તો શ્રેષ્ઠ શાળા પણ સુરતની છે. જ્યારે ખેડા મહાપાલિકા મોખરે રહેતા એવોર્ડ એનાયત કરાયો હતો. સ્પોર્ટ્સ કલ્ચર વિકસાવાના સફળ પ્રયાસ હાથ ધર્યા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રયાગરાજ મહા કુંભમેળાના એક અઠવાડિયા પહેલાં ગુજરાત ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ એક શુભક સુયોગ છે. વર્ષ 2025 નવા વર્ષની શરૂઆતના દિવસમાં જ આ ખેલ મહાકુંભનો પ્રારંભ એ રાજ્યના સૌ ખેલપ્રેમીઓમાં આખું વર્ષ નવી ચેતના, ખેલદિલીની નવી ભાવના અને જોમ જુસ્સાનો સંચાર કરનારો બની રહે એવી સૌને શુભકામના પાઠવું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની યુવા શક્તિના બહુમુખી વિકાસ માટે શિક્ષણ, ઇનોવેશન અને સ્ટાર્ટઅપના પ્રોત્સાહનની સાથે સાથે સ્પોર્ટ્સ કલ્ચર વિકસે તે માટે સફળ પ્રયાસ હાથ ધર્યા છે. મહિલા શક્તિની ખેલકુંભમાં ભાગીદારીએ નવા કિર્તિમાન સ્થાપ્યા
આજે દેશમાં રમતગમત અને ખેલકુદના ક્ષેત્રમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે. વડાપ્રધાન મોદીની ખેલાડીઓને સતત પ્રોત્સાહન કરતી રહેવાની કાર્યશૈલીના પરિણામે વર્ષ 2024નું ગત વર્ષ ભારત માટે રમતગમત ક્ષેત્ર અનેક ઉપલબ્ધિનું વર્ષ બન્યું છે. પેરિસના પેરા ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ચેસની વિશ્વ રમતમાં ઐતિહાસિક જીત અને મહિલા શક્તિની ખેલકુંભમાં ભાગીદારીએ નવા કિર્તિમાન સ્થાપ્યા છે. ભારતને વિશ્વ કક્ષાની રમતનું યજમાન બનાવું છે
વડાપ્રધાન મોદીએ વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દેશને સજ્જ કરવાનું મિશન ઉપાડ્યું છે. 2036 પહેલાં સુગ્રથિત સ્પોર્ટ્સ ઇકો સિસ્ટમ વિકસે તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓલિમ્પિકમાં દેશને વધુ મેડલ મળે તે માટે પ્રતિભાશાળી ખેલાડીઓને ટોપ એટલે કે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજના હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ભારતને ખો-ખો વર્લ્ડ કપ, મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને હોકી જુનિયર વર્લ્ડ કપ જેવી વિશ્વ કક્ષાની રમતનું યજમાન બનાવું છે. ત્રણ વર્ષમાં પાંચ વર્લ્ડક્લાસ ગેમ્સ યોજવા પ્રયત્નશીલ
ગુજરાત પણ ઓલિમ્પિક 2036 રનઅપના ભાગ રૂપે 2025માં આ વર્ષે તેમજ 2026 તથા 2029માં પણ એમ ત્રણ વર્ષમાં પાંચ જેટલી વર્લ્ડક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રત્યનશીલ છે. આ બધી રમતનું આયોજન દેશમાં અને ગુજરાતમાં ખેલકુદને પ્રોત્સાહક અને પ્રતિભાને નિખારવાનું વાતાવરણ બનાવશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. ગુજરાતને રમતગમત પ્રત્યે અને PMના આગવા વિઝનનો લાભ 2.5 દાયકાથી મળતો રહ્યો છે. ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે PM મોદીના વિઝનનું પરિણામ છે. ખેલ મહાકુંભ 3.0માં 71 લાખ જેટલું રજિસ્ટ્રેશન થયું
‘ખેલે તે ખીલે’ના મંત્ર સાથે તેમણે વર્ષ 2010 ખેલ મહાકુંભની શરૂઆત કરાવી અને છેક છેવાડાના ગામથી લઇને મહાનગરોના ખેલાડીઓના કૌશલ્યને બહાર લાવ્યા. વર્ષ 2010માં જે 16 લાખથી શરૂ થઈ તે આજે ખેલ મહાકુંભ 3.0માં 71 લાખ જેટલું રજિસ્ટ્રેશન અને આ રજિસ્ટ્રેશન સાથે સાથે દરેક ખેલાડી વિજેતાઓને 45 કરોડના ઇનામોથી નવાજવાના છે. વડાપ્રધાનના કુશળ નેતૃત્વ અને દીર્ઘદર્શીના પરિણામે જ ગુજરાતે રમતગમત ક્ષેત્ર સિદ્ધિના નવા શિખરો સર કર્યા છે. 233 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ એન્ક્લેવનું નિર્માણ
રમતગમત માટે ગુજરાતના ખેલાડીઓને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાધન, સુવિધાઓ અને તાલીમ સરળતાથી મળે આ માટે તેમણે પૂરતું બજેટ ફાળવવાની પહેલ કરી છે. 2002માં રમતગમત માટેનું બજેટ માત્ર 2.50 કરોડ હતું. જે આજે વધીને 352 કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. આ બે દાયકામાં રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉત્તરોઉત્તર વિકાસ થયો છે. 2002માં રાજ્યમાં ત્રણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા. આજે 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. અમદાવાદના નારણપુરા ખાતે 22 એકરમાં સ્પોર્ટ્સ મલ્ટી યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર બની રહ્યું છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પાસે 233 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ એન્ક્લેવનું નિર્માણ પણ થઇ રહ્યું છે. 1 લાખ યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે રાજનીતિમાં જોડશે
સરકાર રાજ્યના રમતવીરોને વિશ્વકક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે સંકલ્પબધ છે. યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીએ કહ્યું કે, મારો વિશ્વાસ દેશની નવી પેઢીઓમાં છે અને તેમાંથી જ મારા સાથીદારો આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ વિચારમાં દૃઢતાપૂર્વક માને છે અને તેમણે સંકલ્પ કર્યો કે જેમનું કોઇપણ રાજકીય બેકગ્રાઉન્ડ ન હોય તેવા 1 લાખ યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે રાજનીતિમાં જોડવા છે. 12 જાન્યુઆરી એટલે કે, રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે વડાપ્રધાન દેશના યુવાનો સાથે વિકસિત ભારત યંગ લિડર ડાયલોગ કરવાના છે. યુવા શક્તિ રાજનીતિ સાથે સાથે પોતાના ખેલ કૌશલ્યના ઉત્તમ પ્રદર્શનથી રાષ્ટ્ર નિર્માણમાં જોડાઈ શકે. ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવી
રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણે સૌએ જોયું કે વર્ષ 2010થી ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવી અને ગુજરાતના સૌ નાગરિકોની જીવનશૈલીમાં રમતગમત પ્રેરણા પુરી પાડવાનું કામ કે પછી ક્રાંતિ લાવવાનું કામ કોઇએ કર્યું હોય તો એ દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેમણે ગુજરાતના ખૂણે ખૂણે જેમ વિકાસ પહોંચાડ્યો એમ રમતગમત પ્રત્યે યુવાનોને ક્યાંકને ક્યાંક જોડવાનું કાર્ય કર્યું છે. યુવાનો માટે રમતગમતનું એક નવું પ્લેટફોર્મ પુરૂ પાડ્યું
ખેલ મહાકુંભના માધ્યમથી વર્ષ 2010માં ગુજરાતના આદિવાસી વિસ્તાર ડાંગના નાના-નાના ગામડા હોય કે ભારત-પાકિસ્તાનની બોર્ડર પર કચ્છના નાના-નાના ગામડા હોય. કોઇપણ ગામ શહેર, નગરોમાં રહેતા યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા રમતગમત પ્રત્યે એક નવું પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવ્યું અને ખેલ મહાકુંભના આ કાર્યક્રમની શરૂઆત ગુજરાતમાં થઈ. ખેલ મહાકુંભ થકી ગુજરાતને વિવિધ ખેલાડીઓ પ્રાપ્ત થયા. જે ગુજરાતને દેશભરમાં નેશનલ રમતોમાં જ્યારે આપણા ગુજરાતી ભાઈઓ જતાં હતા, ત્યારે લોકો એમને અલગ અલગ નામે બોલાવતા હતા. ગુજરાતીઓને ચીડાવનારનો મેદાનમાં પરસેવો છોડાવી દીધો
કોઇ મારા ગુજરાતી યુવાનોને ફાફડા-જલેબી કહીને બોલાવતા હતા. તો કોઇ મારા ગુજરાતી યુવાનોને ખમણ-ઢોકળાના નામે બોલાવતા હતા. આ ફાફડા-જલેબી, ખમણ-ઢોકળાના નામે ચીડાવતા લોકોને આજે ગુજરાતનો એક એક દીકરો, દીકરી મેદાન પર ઉતરે તો પરસેવો છોડાવી દેવાનું કામ આપણા ગુજરાતીઓ દેશભરની અનેક ટૂર્નામેન્ટમાં કરી રહ્યા છે. યુવા ગાયક કલાકાર પોતાના સૂરીલા કંઠના તાલે લોકોને ડોલાવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ ટ્રેક ખાતે શનિવારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે 71,30,834 રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. જેમાં રાજકોટ જિલ્લામાં કુલ 2,83,805 ખેલાડીઓએ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 94,533 ખેલાડીઓ તથા રાજકોટ ગ્રામ્યમાં કુલ 1,89,272 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ 2.0ની શ્રેષ્ઠ શાળાઓને રોકડ-પુરસ્કાર વિતરણ કરાશે
ખેલમહાકુંભ-3.0નાં પ્રારંભ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભવોના હસ્તે ખેલ મહાકુંભ 2.0ની શ્રેષ્ઠ શાળા રોકડ-પુરસ્કાર વિતરણ અને ખેલ મહાકુંભ 2.0ના શ્રેષ્ઠ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય જિલ્લાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ખેલ મહાકુંભ 2.0 પ્રથમ, દ્વિતીય, અને તૃતીય શ્રેષ્ઠ મહાનગરપાલિકાઓને પણ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ શાળાને પુરસ્કાર અંતર્ગત ખેલ મહાકુંભ 2.0ની શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર શાળા ગજેરા વિદ્યાભવન સ્કુલ, કતારગામ, સુરતને રૂ.5 લાખનું ઈનામ, રાજ્ય કક્ષાએ બીજો નંબર મેળવનારા શાળા એસ.આર. હાઈસ્કુલ, દેવગઢ બારીયા, દાહોદને રૂ.3 લાખનું ઈનામ, રાજ્ય કક્ષાએ ત્રીજો નંબર મેળવનાર શાળા નોલેજ હાઈસ્કુલ, નડીયાદ, ખેડાને રૂ.2 લાખના રોકડ પુરસ્કાર સ્વરૂપે અનુદાન આપી સન્માનીત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાના 150 કલાકારો ડાન્સ પર્ફોર્મન્સ કર્યું
આ ઉપરાંત ખેલ મહાકુંભ 2.0ના શ્રેષ્ઠ જિલ્લામાં પ્રથમ સુરત, દ્વિતીય અમદાવાદ અને તૃતીય વડોદરાને સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેલ મહાકુંભ 2.0 શ્રેષ્ઠ મહાનગરપાલિકામાં પ્રથમ ખેડા, દ્વિતીય દાહોદ, અને તૃતીય બનાસકાંઠાને સન્માનિત કરવામાં આવી હતી. આ પછી આંતરરાષ્ટ્રીય કક્ષાના રાજકોટ અને અમદાવાદના 150 કલાકારો દ્વારા 15 મિનિટનું ડાન્સ પર્ફોર્મન્સ પણ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ વંદમ, વંદે માતરમ, સુજલામ સુફલામ, ટીમ ઇન્ડિયા, સુલ્તાન, સહિતના સોંગ્સ પરનું પર્ફોર્મન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વિદ્યાર્થીઓના માટે 140થી વધુ બસોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી
ત્યાર બાદ સ્પેશિયલ પર્ફોર્મન્સ તરીકે તૈયાર કરવામાં આવેલા ગીત ‘ખેલ ખેલ મે’નું સ્પેશ્યલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ખેલાડીઓ દ્વારા જીમ્નાસ્ટીક ડાન્સ, ક્લાસિકલ, વોલીબોલ, રોપ ડાન્સ, સ્કેટીંગ, કથ્થક, મલખમ, યોગાનું અદભૂત કોમ્બીનેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેને લોકોએ તાળીઓનાં ગડગડાટથી વધાવ્યું હતું. આ કાર્યક્રમ માટે રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા,કચ્છ, સુરેન્દ્રનગર,પોરબંદર સહિતના તમામ જિલ્લાઓની જિલ્લાકક્ષાની રમતગમત શાળા (D.L.S.S.) ના વિદ્યાર્થીઓને એસ.ટી. નિગમ દ્વારા ટ્રાન્સપોર્ટ માટે 140થી વધુની બસોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. નવી 8 હાઈટેક વોલ્વો બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ દરમિયાન ગૃહ અને વાહન વ્યવહાર વિભાગ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. 980.37 લાખના ખર્ચે બનેલ વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં વિભાગીય કચેરી, ગોંડલ રોડ, એસ.ટી. રાજકોટ ખાતે નવીન ઈન્ફાસ્ટ્રક્ચર બાંધકામ માટે અંદાજીત રૂ.637.37 લાખના ખર્ચે આકાર પામેલ એસ.ટી. વિભાગીય કચેરી અને ગોંડલ ખાતે 343 લાખના ખર્ચે આકાર પામેલ ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપની સાથે-સાથે જ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવીન 8 હાઈટેક વોલ્વો બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વોલ્વો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવાશે
આ હાઈટેક વોલ્વો બસોની વિશેષતાઓમાં આરામદાયક 2.2 લેધર પુશબેક સીટ, સી.સી.ટી.વી. કેમેરા, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, ફાયરસેફ્ટી માટે અદ્યતન સ્પ્રીંકલ સિસ્ટમ, સ્મોક ડીટેકટર અલાર્મ, એલ.ઈ.ડી. ટી.વી., એક્ઝોસ્ટ ફેન સાથે હેચ તેમજ ઇમરજન્સી એક્ઝીટ ડોર જેવી આધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ છે. આ વોલ્વો બસો દ્વારા નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવાશે. ઉપરાંત રાજકોટ વિભાગીય કચેરી ખાતે કામકાજ અર્થે આવનાર જાહેર જનતા અને ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપ ખાતે કરવામાં આવતા નિગમની બસોના મેન્ટેનન્સની સુવિધામાં તેમજ બંને સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની સુવિધામાં વધારો થશે.