ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે પેથાપુર ચાર રસ્તા નજીકથી સેક્ટર – 13 વિસ્તાર સુધી કોલવડાનાં બુટલેગરની કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જો કે દારૂ દારૂ ભરેલી કારનો ચાલક સેક્ટર – 13/એ રહેણાંક વિસ્તારના કોમન પ્લોટ નજીકની કમ્પાઉન્ડ વોલ પાસે કાર રેઢિયાળ મૂકીને નાસી ગયો હતો જેના પગલે એલસીબીએ દારૂ – બિયરનાં જથ્થા સાથે કુલ રૂ. 2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર વિરુદ્ધ સેક્ટર – 7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ દિવાનસિંહ વાળાની ટીમ પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન બાતમી મળી હતી કે, કોલવડાનો બુટલેગર વિજયસિંહ ઇશ્વરસિંહ ચાવડા અલ્ટો કારમાં વિદેશીદારૂનો જથ્થો ભરીને મહુડીથી ગાંધીનગર તરફ આવી રહ્યો છે. જે હકીકતના આધારે એલસીબીએ પેથાપુર ચોકડી નજીક વોચ ગોઠવી દેવામાં આવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને હાથથી ઈશારો કરીને રોકાઈ જવાની સૂચના આપવામા આવી હતી. પરંતુ કારના ચાલકે એલસીબીની સૂચનાને નજર અંદાજ કરીને કારને ઘ રોડ તરફ હંકારી મુકી હતી. જેનાં પગલે એલસીબીએ કારનો પીછો કરતાં કારનો ચાલક ઘ -6 સર્કલથી સેક્ટર-24 ચોકડી થઈ સેક્ટર-15 કોલેજના મહાત્મા મંદીર તરફના અન્ડ૨ પાસની સાઇડના સર્વીસ રોડથી સેક્ટર – 13 નાં રહેણાંક વિસ્તાર તરફ ઘુસી ગયો હતો. બાદમાં એલસીબીએ અત્રેના વિસ્તારમાં શોધખોળ કરતા બુટલેગર કારને સેક્ટર – 13/એ રહેણાંક વિસ્તારના કોમન પ્લોટ નજીકની કમ્પાઉન્ડ વોલ પાસે રેઢિયાળ મૂકીને નાસી ગયો હોવાનું માલુમ પડયું હતું. જે કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૃ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે એલસીબીએ કુલ રૂ. 2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.