રાજ્યમાં પવનની દિશા બદલાવાની સાથે પવનની ગતિ ઘટી છે, જેથી અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે. પરંતુ, સોમવારથી લઘુતમ તાપમાન 2 ડિગ્રી ગગડીને ફરી 12 ડિગ્રી થવાની શક્યતા છે. જેથી ઠંડીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગના આંકડા મુજબ, શનિવારે શહેરમાં લઘુતમ તાપમાન 14 અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી પહોંચ્યું છે. પવનની ગતિ ઘટવાથી ઠંડીમાં ઘટાડો થયો છે. 6થી 9 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 12થી 13 ડિગ્રીની આસપાસ રહી શકે છે. પવનની દિશા બદલાતા તમામ શહેરોમાં ઠંડીનો પારો 13 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. શનિવારે નલિયામાં સૌથી વધુ 9 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. આ સિવાય ડીસા, વડોદરા, ભુજ, કેશોદમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેતાં ઠંડીનું જોર ઘટ્યું છે.