અમદાવાદના 18 વર્ષીય દિવ્યાંગ ઓમ જીગ્નેશ વ્યાસે રાષ્ટ્રીય સ્તરે પોતાના પરિવાર સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. ડિસેમ્બર મહિનાના અંતમાં વીર બાળ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત સમારંભમાં દેશના વિવિધ રાજ્યમાંથી આવેલા 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં રહેતા દિવ્યાંગ બાળક ઓમ જીગ્નેશ વ્યાસને પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. કારણ કે, શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ ઓમ જીગ્નેશ વ્યાસને સુંદરકાંડ અને ભાગવત ગીતા સહિતના 2000થી પણ વધુ શ્લોક કંઠસ્થ છે. તેણે જાતે જ આ સિદ્ધિ ફક્ત શ્લોક સાંભળીને હાંસલ કરી છે. આ સાથે જ વિશેક વર્લડ ઓફ રેકોર્ડની બુકમાં તેનું નામ નોંધાયેલું છે. ઓમને માત્ર ભક્તિ ગીતો અને શ્લોકોમાં જ રુચિ
ઓમ વ્યાસની વિશેષતા વિશે વાત કરીએ તો તે બિલકુલ પણ લખી કે વાંચી શકતો નથી, પરંતુ તેને સુંદરકાંડ તથા ભગવત ગીતાના શ્લોકો સહિત સંસ્કૃતના 2000થી વધુ શ્લોકો કંઠસ્થ છે. આશ્ચર્યની વાત છે કે, ઓમ માત્ર ભક્તિના ગીતો અને શ્લોકોમાં જ રુચિ ધરાવે છે, આ સિવાય અન્ય કોઈપણ પ્રકારનું મ્યુઝિક અથવા તો હિન્દી ગીતો અને બોલીવુડ ગીતો તથા ગરબામાં તેને રુચિ નથી. તેના માટે મનોરંજનનું સાધન એટલે માત્ર આધ્યાત્મિક ભક્તિ ગીતો છે. ઓમની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમતેમ આધ્યાત્મિક ક્ષેત્ર તેની અભિરુચિ વધતી જાય છે. ઓમને અન્ય કોઈ સ્થળ પર જવા કરતા મંદિરે જવું ખૂબ જ પસંદ છે. શ્લોકની કોઈપણ લાઈન બોલાવો તે ઓમ તુરંત જ બોલે
ઓમ જ્યારે છ મહિલાનો હતો, ત્યારથી જ તબીબો દ્વારા તેને સેરેબ્રલ પાલ્સી નામની તકલીફ છે, તેમ જણાવવામાં આવ્યું હતું અને ત્યારથી જ તેનું શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઇ ગયો હતો. હાલમાં તેની ઉંમર 18 વર્ષથી પરંતુ તેની દિમાગી હાલત ચાર વર્ષના બાળક જેટલી જ છે. તેનું દરેક કાર્ય તેના પરિવાર દ્વારા જ કરવામાં આવે છે. ખાસ કરીને તેની માતા દ્વારા તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. આ ઉપરાંત ફક્ત શ્રવણ શક્તિ દ્વારા જ તે આટલી મોટી સંખ્યામાં જ્યાં વિદ્વાનો પણ પાછા પડે તેવા તમામ શ્લોક કંઠસ્થ રાખે છે. તેની સિદ્ધિની વાત કરવામાં આવે તો કોઈપણ શ્લોકની કોઈપણ લાઈન બોલો તેના પછીની તરતની લાઈન તે તુરંત જ બોલે છે. દીકરા ઉપર ખૂબ જ ગર્વ થાય છેઃ પિતા
દિવ્યાંગ ઓમ વ્યાસના પિતા જીગ્નેશભાઈ વ્યાસે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓમ વ્યાસે અત્યાર સુધી અનેક શો પણ કર્યા છે અને અનેક એવોર્ડ્સ, મેડલ્સ, ટ્રોફી અને સર્ટિફિકેટથી તેનું સન્માન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ ઘરમાં ઓમની ટ્રોફી અને મેડલ લગાવેલા છે, તે જોઈને અમને અમારા દીકરા ઉપર ખૂબ જ ગર્વ થાય છે. ઓમની આવી ટેલેન્ટને કારણે તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઑફ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, જેવી અલગ-અલગ 18 રેકોર્ડ બુક્સમાં નામ નોંધાયું છે. ‘બે ટર્મમાં રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ મેળવ્યો’
ઓમને ભગવત ગીતાના 18 અધ્યાયના તમામ શ્લોક કંઠસ્થ છે. જ્યારે તેની ઉંમર 3.5 વર્ષની હતી, ત્યારથી જ તે સુંદરકાંડના પાઠ કરે છે. તેને અનેક એવોર્ડ એનાયત થયા છે. તથા 18 વર્ષથી ઓછી ઉંમરનો આ ફક્ત એક જ બાળક છે, જેણે બંને ટર્મના રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ મેળવ્યો છે. અગાઉ પણ આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પણ એવોર્ડ મેળવ્યો છે. તથા તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર મેળવ્યો છે. આ બધું ઓમે સાંભળી-સાંભળીને કંઠસ્થ કર્યુંઃ માતા
દિવ્યાંગ ઓમ વ્યાસના માતા વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે, ઓમ 90% દિવ્યાંગ છે. તે લખી કે વાંચી શકતો નથી, પરંતુ તેને સુંદરકાંડ તથા ભગવત ગીતાના શ્લોકો કંઠસ્થ છે. આ ઉપરાંત હનુમાન ચાલીસા, શિવ મહિમ્ન સ્ત્રોત, શિવ માનસ પૂજા, રામ રક્ષાસ્ત્રોત, શિવ તાંડવ, ગાયત્રી મંત્ર, ગાયત્રી ચાલીસા અને મારી હૂંડી સ્વીકારો મહારાજ, શંભુ શરણે પડી વગેરે જેવા ભજનો કંઠસ્થ છે અને નવાઈની વાત કે આ બધું ઓમ વ્યાસે સાંભળી સાંભળીને કંઠસ્થ કર્યું છે. તાજેતરમાં જ રાષ્ટ્રપતિને હસ્તે સામાન્ય બાળકોની સાથે જ તેને એવોર્ડ મળ્યો છે તે અમારા માટે ખૂબ જ ગૌરવની લાગણી છે. 17 જેટલા બાળકોને રાષ્ટ્રપતિને હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાંથી બે બાળકો જ દિવ્યાંગ હતા, તેમ છતાં તેમને સામાન્ય બાળકોની સાથે જ તુલના કરીને એવોર્ડ આપવામાં આવ્યો છે. સમાજ તેની સ્થિતિ જોઈને અણગમો વ્યક્ત કરે છે
ઓમના જન્મના થોડા સમય બાદ તેઓને દુઃખ થયું હતું, પરંતુ આજના સમય તેઓને ઓમ પર ગર્વ થાય છે. કેટલીક વખત એવું પણ બને કે ઘરમાં તો તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે જ છે, પરંતુ સમાજમાં રહેતા હોવાથી ક્યાંક બહાર કોઈ પ્રસંગમાં જવું પડે ત્યાં હજુ સમાજના લોકો તેની સ્થિતિને જોઈને અણગમો વ્યક્ત કરે છે. ત્યારે માતા-પિતા તરીકે થોડી લાગણી દુભાય છે.