back to top
Homeસ્પોર્ટ્સરોહિત-કોહલી જેવા સિનિયર્સના ખરાબ પરફોર્મન્સના કારણે ટીમ ઈન્ડિયા હારી:પૂજારા જેવો કોઈ ખેલાડી...

રોહિત-કોહલી જેવા સિનિયર્સના ખરાબ પરફોર્મન્સના કારણે ટીમ ઈન્ડિયા હારી:પૂજારા જેવો કોઈ ખેલાડી ન હોવાની અસર પડી; મેદાન પર આક્રમકતાનો અભાવને લીધે હાર્યું ભારત

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) જાળવી રાખવા અને ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતની હેટ્રિક કરવા માટે ટીમ ઈન્ડિયાને મેલબોર્નમાં માત્ર ડ્રો અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર માત્ર જીતની જરૂર હતી. જો કે, રોહિત શર્મા એન્ડ બોય્ઝ માટે વસ્તુઓ પ્લાન મુજબ થઈ ન હતી. અનેક પ્રયાસો છતાં, ભારત SCG ટેસ્ટ 6 વિકેટથી હારી ગયું અને લગભગ એક દાયકા પછી ઓસ્ટ્રેલિયાએ આ પ્રખ્યાત ટ્રોફી પર ફરીથી કબજો કર્યો. ઓસ્ટ્રેલિયાની છેલ્લી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની જીત 2014માં આવી હતી, જ્યારે તેણે ચાર મેચની હોમ સિરીઝ 2-0થી જીતી હતી. ત્યારથી, ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ સિરીઝ રમ્યા છે, જેમાં ભારત ચાર જીત્યું છે. આજની જીત એ 2014 પછી ઓસ્ટ્રેલિયાની પહેલી BGT સિરીઝ જીત છે. ભારતે અગાઉ ઓસ્ટ્રેલિયામાં 2018માં વિરાટ કોહલીની આગેવાનીમાં અને 2020માં અજિંક્ય રહાણેની કેપ્ટનશિપમાં સતત બે સિરીઝ જીતી હતી. આ સિરીઝની હાર પાછળ અનેક કારણો છે, જેમાં બુમરાહ પર વધુ પડતા વર્કલોડથી લઈને ડ્રેસિંગ રૂમની અંદરની વાતો બહાર આવવાનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે એવા કયા કારણો છે, જેના કારણે ભારતે 10 વર્ષે BGT ટ્રોફી ગુમાવવી પડી… પહેલા ગ્રાફિકથી જાણો કે આ સિરીઝમાં શું રિઝલ્ટ જોવા મળ્યું… હવે સિરીઝ હારના કારણો જાણો… 1. બુમરાહ પર સૌથી વધુ નિર્ભર, છેલ્લી ટેસ્ટમાં તેનું નુક્સાન ભોગવ્યું
જસપ્રીત બુમરાહને બાદ કરતાં ભારતના બાકીના બોલરો આ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ખૂબ જ સામાન્ય પ્રદર્શન કર્યું છે. મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર અને આકાશ દીપે સૌથી વધુ નિરાશ કર્યા છે. મોહમ્મદ સિરાજે ભલે આ સિરીઝમાં 16 વિકેટ લીધી હોય, પરંતુ તેણે 503 રન પણ આપ્યા હતા. આખી સિરીઝમાં માત્ર જસપ્રીત બુમરાહે ભારતીય ટીમનો બોજ પોતાના ખભા પર ઉઠાવ્યો હતો. વધુ પડતા વર્કલોડના કારણે સિડની ટેસ્ટમાં બીજી ઇનિંગમાં તે બોલિંગ કરવા માટે આવી શક્યો નહોતો. આનું પરિણામ અંતે ટીમ ઈન્ડિયાએ ભોગવવું પડ્યું. જસપ્રીત બુમરાહે આ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ 32 વિકેટ લીધી છે. 2. ભારતીય ડ્રેસિંગ રૂમમાં ઉથલ-પાથલ મચી ગઈ
ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ સિરીઝ દરમિયાન ભારતીય ડ્રેસિંગ રૂમમાં ઉથલ-પાથલને લઈને આવેલા સમાચારે વિવાદોમાં વધારો થયો છે. પ્રવાસની વચ્ચે જ, ભારતના દિગ્ગજ સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિ લીધી અને ભારત પાછો ફર્યો. કહેવાય છે કે રવિચંદ્રન અશ્વિન ભારતીય ટીમ મેનેજમેન્ટના વર્તનથી ખુશ નહોતો. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્મા વચ્ચેના અંગત સંઘર્ષે ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ બગાડ્યું હતું. કેપ્ટન હોવા છતાં રોહિત શર્મા સિડનીમાં રમાયેલી પાંચમી ટેસ્ટ મેચ દરમિયાન પ્લેઇંગ-11માંથી ખસી ગયો હતો. તેણે પછી બ્રોડકાસ્ટરને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે ખરાબ ફોર્મના કારણે તે જાતે જ ડ્રોપ થયો હતો. 3. સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડના સવાલોના જવાબો મેળવી શક્યા નહીં
ઓસ્ટ્રેલિયાને ભારત સામેની ટેસ્ટ સિરીઝ જિતાડવામાં સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડની મોટી ભૂમિકા રહી છે. આ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં ટ્રેવિસ હેડે સૌથી વધુ 448 રન બનાવ્યા છે. ટ્રેવિસ હેડે આ સમયગાળા દરમિયાન 2 સદી અને 1 અડધી સદી ફટકારી છે. જ્યારે સ્ટીવ સ્મિથે આ સિરીઝમાં 314 રન બનાવ્યા છે. આ દરમિયાન સ્ટીવ સ્મિથે 2 સદી ફટકારી છે. સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે આ સિરીઝમાં નિર્ણાયક પ્રસંગોએ સદી ફટકારીને બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવામાં તેમની ટીમની મોટી ભૂમિકા ભજવી છે. આ બન્ને બેટર્સને આઉટ કરવામાં ભારતીય ટીમ નિષ્ફળ ગઈ હતી. તેમાં પણ ખાસ કરીને ટ્રેવિસ હેડને કઈ રીતે આઉટ કરવો, તેનો જવાબ જ ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટ પાસે નહોતો. 4. પૂજારા જેવો કોઈ બેટર ટીમમાં નહોતો, જે અંતે ટીમને નડ્યું
આ વખતેની ઓસ્ટ્રેલિયન ટૂરમાં નંબર-3 તરીકેનો ખેલાડી જરૂરથી મિસ થયો છે. ભારત પાસે નંબર-3 પર અગાઉ બે એવી દિવાલ હતી, જેને તોડવી ઓસ્ટ્રેલિયન બોલર્સને લોઢાના ચણા ચાવવા સમાન હતી. રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પૂજારા. આ બન્ને બેટર્સે ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે ખૂબ જ ધીરજથી અને વિકેટ સાચવીને બેટિંગ કરી છે. તેમાં પણ ખાસ કરીને પૂજારાની કમી આ વખતે ભારતીય ટીમને ખાસ લાગી છે. 36 વર્ષીય પૂજારાએ છેલ્લી બે ઓસ્ટ્રેલિયા ટૂરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 2018ના પ્રવાસમાં સાત ઇનિંગ્સમાં સૌથી વધુ 521 રન બનાવ્યા હતા. આ પર્ફોર્મન્સ માટે તેને પ્લેયર ઑફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. તેણે 2020/21ના પ્રવાસમાં પણ 271 રન બનાવ્યા હતા. પૂજારાને ગાબા ટેસ્ટમાં તેની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે, જ્યાં તેણે ભારતને વિજય તરફ દોરી જવા માટે 211 બોલ રમ્યા હતા. ડિફેન્સિવ એપ્રોચ અપનાવનાર પૂજારા છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઓસ્ટ્રેલિયન બોલરો માટે મુશ્કેલીનું કારણ સાબિત થયો છે. આ જ કારણથી તેને ટીમ ઈન્ડિયાનો ‘ધ વૉલ’ પણ કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના અનુભવી ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડે અગાઉ મીડિયા સાથે વાત કરતાં પણ ખુશી વ્યક્ત કરી હતી કે તે આ વખતે પૂજારા સામે બોલિંગ નહીં કરે. તેણે આ માટે હાશકારો અનુભવ્યો હતો. ત્યારે જો ઓસ્ટ્રેલિયન બોલર્સમાં ચેતેશ્વર પૂજારા માટે આવો ખૌફ હોય તો પછી સવાલ એ થાય છે કે ભારતીય સિલેક્ટર્સે પૂજારાને આ વખતે ઓસ્ટ્રેલિયા ટૂરમાં કેમ પસંદ ન કર્યો? 5. ખરાબ બેટિંગ હારનું સૌથી મોટું કારણ
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતની હારનું સૌથી મોટું કારણ તેની ખરાબ બેટિંગ રહી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શુભમન ગિલ, રિષભ પંત જેવા બેટર્સ ભારે ફ્લોપ સાબિત થયા છે. ભારતને આખી ટેસ્ટ સિરીઝમાં નબળી બેટિંગનું પરિણામ ભોગવવું પડ્યું છે. સૌથી ખરાબ પ્રદર્શન ભારતના ટોચના બેટર અને કેપ્ટન રોહિત શર્માનું હતું. રોહિત શર્માએ આ પ્રવાસમાં 5 ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવ્યા હતા. આ સાથે જ વિરાટ કોહલી પણ ટીમ ઈન્ડિયા માટે વિલન સાબિત થયો છે. આ ટેસ્ટ સિરીઝની 9 ઇનિંગ્સમાં વિરાટ કોહલીએ 23.75ની ખરાબ એવરેજથી 190 રન બનાવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ રોહિત શર્માના આ સિરીઝમાં 3 મેચમાં કુલ 31 રન છે, જે 2 મેચ રમેલા આકાશ દીપ અને 5 મેચ રમેલા જસપ્રીત બુમરાહ કરતા પણ ઓછા છે. આકાશ દીપે 38 રન અને બુમરાહે 42 રન બનાવ્યા છે. આ ખૂબ જ શરમજનક રેકોર્ડ ગણાય. કારણ કે આકાશ દીપ અને જસપ્રીત બુમરાહ તો પ્રોપર બોલર્સ છે. ઉપરાંત વધુમાં રોહિત શર્માના કુલ રન જસપ્રીત બુમરાહની ટોટલ વિકેટ્સ કરતા એક ઓછો છે. મતલબ કે રોહિતના કુલ 31 રન છે. જ્યારે બુમરાહે આ આખી સિરીઝમાં કુલ 32 વિકેટ ઝડપી છે. 6. મેદાન પર આક્રમકતાનો અભાવ
ભારતે એક એવી ટીમ છે, જે દરેક મોર્ચે લડત આપવા માટે જાણીતી છે. પરંતુ આ સિરીઝની અમુક ક્ષણોમાં, તેમની આક્રમકતાનો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ભલે તે બેટ સાથેના તેમના અભિગમમાં હોય કે તેમની ફિલ્ડિંગમાં, ભારત પાસે ઓસ્ટ્રેલિયન ટીમ પર દબાણ લાવવા માટે જરૂરી આક્રમકતાનો અભાવ જણાતો હતો. બોડી લેંગ્વેજ અને વ્યૂહરચના બંનેની દ્રષ્ટિએ, ઓસ્ટ્રેલિયા સામે આવું કરવું જરૂરી છે, પરંતુ ભારત સિરીઝ દરમિયાન અમુક સમયે એગ્રેશન દેખાડ્યું નહીં. જેના કારણે પણ ભારત પાછળ પડ્યું હતું. BGT સંબંધિત આ સમાચાર પણ વાંચો… બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બોર્ડરના દેશમાં ગઈ: 10 વર્ષે ભારતે BGT સિરીઝ ગુમાવી, ટીમ ઈન્ડિયાનો શરમજનક પરાજય; બુમરાહ વગર ટીમના ખરાબ હાલ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં 6 વિકેટે હારી ગઈ છે. આ હાર સાથે ભારતીય ટીમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 3-1થી હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ આ સિરીઝમાં 10 વર્ષ બાદ ભારતને હરાવ્યું છે. આ પહેલાં કાંગારૂ ટીમે 2014-15ની સિઝનમાં સિરીઝ જીતી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments