વડોદરામાં એક મહિના અગાઉ વાઘોડિયા બ્રિજ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે કન્ટેનર અને એક બ્રિઝા કાર એકબીજા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કન્ટેનરનો ડ્રાઈવર ફસાઈ ગયો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. શહેર નજીક પસાર થતાં આ નેશનલ હાઇવે નં-48 ઉપર વારંવાર સર્જાતા ગંભીર અકસ્માત રોકવા માટે તંત્ર દ્વારા 20 સ્થળોએ બ્લેક સ્પોટ જાહેર કરાયા હતા, જેમાં વાઘોડિયા ચોકડીનો પણ સમાવેશ થાય છે. આ 20 બ્લેક સ્પોટ સહિત શહેરમાં વિવિધ વિસ્તારોમાં ત્રણ વર્ષમાં 204 અકસ્માતમાં 141 લોકોના મોત થયા છે. મોટાભાગના બ્લેક સ્પોટ નેશનલ હાઇ-વે પર છે. આ સ્થળોએ વર્ષ 2021,22 અને 23ના આંકડા જોઈએ તો મોટાભાગના લોકો માર્ગ અકસ્માતમાં નેશનલ હાઈ-વે પર મૃત્યુ પામ્યા છે ત્યારે આ નેશનલ હાઇ-વે મોતનો હાઇવે બન્યો છે. નેશનલ હાઇવેના બ્લેક સ્પોટ અંગે રિપોર્ટ તૈયાર કરાયો
વડોદરા શહેર નજીક નેશનલ હાઇ-વે પર જાંબુવા જીઇબી કટ પાસે, તરસાલી બ્રિજથી આગળ ગોપાલ ક્રિષ્ના હોટલ પાસે, કપુરાઇ બ્રિજથી રેલવે બ્રિજ વચ્ચે, વાઘોડિયા ચોકડી પાસે એલ એન્ડ ટી કંપની સામે, APMC માર્કેટ સામે, દેણા ચોકડી, દુમાડ ચોકડી અને રણોલી ચોકડી પાસે વારંવાર ગંભીર અકસ્માતો થાય છે, જેથી તંત્ર દ્વારા આ બ્લેક સ્પોટ સ્થળો પર છેલ્લા ત્રણ વર્ષમાં 500 મીટરની વિસ્તારમાં પાંચ કે, તેથી વધુ અકસ્માત બન્યા છે કે, કેમ? તે અંગે RTO વિભાગ સહિત સંબધિત હાઇ-વે એન્જિનિયર દ્વારા વિઝીટ કરી કામગીરી કરવામાં આવતી હોય છે. તે બ્લેક સ્પોટવાળી જગ્યાના 500 મીટરના વિસ્તારમાં બનેલા ફેટલ અને ગંભીર માર્ગ અકસ્માતનું વેરિફિકેશન કર્યું હતું અને FIRમાં દર્શાવેલી જગ્યા મુજબ સરખામણી કરીને બ્લેક સ્પોટવાળી જગ્યા પર છેલ્લા 3 વર્ષમાં 500 મીટર જગ્યામાં પાંચ કે તેથી વધુ અકસ્માત બન્યા છે કે કેમ? તેની ખરાઇ કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. બ્લેક સ્પોટ કોને કહેવાય?
500 મીટરનો માર્ગ વિસ્તાર કે, જેમાં કુલ મળીને પાંચ કે તેથી વધુ ગંભીર માર્ગ અકસ્માતો અથવા 10 કે વધુ મૃત્યુ થયા હોય. આ સાથે જો ત્રણ વર્ષમાં પાંચ કે વધુ ગંભીર માર્ગ અકસ્માત થયા હોય અને 10થી ઓછા મૃત્યુ થયા હોય તો પણ તેને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવે છે. આ સાથે જ ત્રણ વર્ષમાં 10કે તેથી વધુ અકસ્માત મૃત્યુ થયા હોય પણ પાંચથી ઓછા માર્ગ અકસ્માત થયા હોય તો પણ તેને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવે છે. ત્રણ વર્ષમાં 191 અકસ્માતો અને 141 લોકોના મોત
વડોદરા શહેરમાં કુલ 8 બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે, જે તમામ નેશનલ હાઈ-વે પર આવેલા છે. જ્યારે જિલ્લામાં કુલ 12 જેટલા બ્લેક સ્પોટ જાહેર કરાયા છે, જેમાંથી 7 નેશનલ હાઇ-વે 48 અને અન્ય સ્ટેટ હાઇ-વે પર આવેલા છે. આ તમામ બ્લેક સ્પોટ પર વર્ષ 2021, 22 અને 23ના આંકડામાં કુલ 20માંથી 15 બ્લેક સ્પોટ નેશનલ હાઈ-વે પર આવેલા છે ત્યારે આ તમામ પર ત્રણ વર્ષમાં 191 જેટલા અકસ્માતો સર્જાયા છે, જેમાંથી 141 વ્યક્તિના મૃત્યુ થયા છે. RTO વિભાગ સહિત હાઇ-વે એન્જિનિયરે બ્લેક સ્પોટની વિઝીટ કરી
મહત્વની બાબત એ છે કે, વાહન ચાલકો પોતાની બેદરકારીના કારણે અને રોડ સેફ્ટી અંતર્ગત વિવિધ કાર્યક્રમો છતાં પણ બેદરકારી દાખવે છે ત્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. આવી ઘટનાઓ સામે RTO વિભાગ સહિત સંબધિત હાઇ-વે એન્જિનિયર અને બ્લેક સ્પોટ પર વિઝીટ કરી કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં આવેલા બ્લેક સ્પોટ પર વિઝીટ કરી અને આ બ્લેક સ્પોટ પર બનતી ઘટનાઓને કઈ રીતે રોકી શકાય? તે માટે કામગીરી કરવામાં આવશે.