વેરાવળ સોમનાથ શહેર પંથકમાં આંતક મચાવનાર સામાજીક આગેવાનની વાંદરી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધી ગેંગના લીડર સહિત 14 સાગરીતની એલસીબીએ ધરપકડ કરી છે. આ ગેંગ સામે હત્યાના પ્રયાસ, ગૌતસ્કરી-કતલ, રાયોટીંગ, મારામારી, લૂંટ, ફરજ રૂકાવટ, મહિલા અત્યાચારના 196 જેટલા ગુના નોંધાયેલા છે. જિલ્લા પોલીસની એરસ્ટ્રાઈક સમાન કડક કાર્યવાહીના પગલે અન્ય અસામાજીક તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી છે. વેરાવળમાં આંતક મચાવનાર ગેંગને નાસીપાસ કરવા પોલીસે કરેલી કામગીરી અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલું કે, વેરાવળ સોમનાથ શહેર પંથક અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી વસીમ ઉર્ફે ભુરો ઉર્ફે બાબા ગુલાબશા શાહમદાર ફકીર અને શરીફ ઉર્ફે ભુરો ઉર્ફે માયો ઇકબાલ ચિનાઇ પટણીએ સાગરીતો સાથે મળીને ગુનાઓ આચરવા માટે વાંદરી ગેંગ નામની ટોળકી બનાવીને અનેક પ્રકારના ગુનાઓ આચરીને ભયનું વાતાવરણ ફેલાવ્યું હતું. આ ગેરકાયદેસર ગતિવિધિઓ વાંદરી ગેંગ માટે આજીવિકાનું સાધન બની ગઇ હોવાથી ટોળકીના સાગરીતો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી અટકાવવાની પરિસ્થિતિ ઉદભવી હતી. ગેંગના લીડર વસીમ ઉર્ફે ભુરો અને શરીફ ઉર્ફે ભુરો ઉર્ફે માયો સહિત કુલ 14 સાગરીત વિરૂદ્ધ ગુજસીટોક એક્ટ-2015ની કલમ 3(1)ની પેટા (2), કલમ-3(2), કલમ-3(4) હેઠળ વેરાવળ પોલીસમાં ગુનો દાખલ કર્યો છે. આ વાંદરી ગેંગના લીડર સહિત તમામ 14 સાગરીતને એલસીબી પીઆઈ એ.બી.જાડેજાના નેતૃત્વમાં પીએસઆઈ એ.સી. સિંધવ, પીઠરામ જેઠવા, રામદેવસિંહ જાડેજા, નરવણસિંહ ગોહીલ, ગોવિંદ વંશ, રેન્જ સાયબર સેલના કનકસિંહ કાગડા, એસઓજીના દેવદાન કુંભારવાડીયા, નટુભા બસીયા, નરેન્દ્ર પટાટ, લલીત ચુડાસમા, નરેન્દ્ર કછોટ, ભુપેન્દ્રસિહ ચાવડા સહિતના સ્ટાફની જુદી જુદી ટીમો બનાવીને ટેકનીકલ સર્વેલન્સની મદદથી ઝડપી લેવામાં આવ્યા છે. વધુમાં એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવેલું કે, વાંદરી ગેંગના સાગરીતોએ છેલ્લા દસ વર્ષ દરમિયાન પ્રાણઘાતક હથિયારો સાથે રાયોટીંગ, મારામારી, જાનમાલ મિલકત સબંધીમાં લૂંટ, પશુ તસ્કરી, ગૌવંશ હત્યા, પ્રોહીબીશન, હથિયાર ધારા, સરકારી અધિકારી/કર્મચારીઓની ફરજ રૂકાવટ, ખંડણી, હદપારી ભંગ, સ્ત્રી અત્યાચારના, મોબાઇલ ફોન ઉપર ધાકધમકી આપવાના કુલ-196 ગુના આચારેલા છે. આ ગુનાઓમાંથી ટોળકીના ગેંગલીડરો તથા સાગરીતોએ એકબીજા સાથે મળીને સમાન ઇરાદો પાર પાડવા 53 જેટલા ગુના આચરેલા હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગના સાગરીતો અને તેની સામે નોંધાયેલા ગુનાઓ
(1) વસીમ ઉર્ફે ભુરો ઉર્ફે બાબા ગુલાબશા શાહમદાર ફકીર (ઉ.વ.32 સામે 25 ગુના)
(2) શરીફ ઉર્ફે ભુરો ઉર્ફે માયો ઇકબાલ ચિનાઇ (ઉ.વ.25 સામે 18 ગુના)
(3) જીબ્રાન આમદ પંજા (ઉ.વ.24 સામે 24 ગુના)
(4) મોહસીન ઉર્ફે જાડો મુસ્તાક કાજી શેખ (ઉ.વ.40 સામે 8 ગુના)
(5) મુન્તહા ઉર્ફે અલીયો અલી પંજા (ઉ.વ.23 સામે 8 ગુના)
(6) અફઝલ ઉર્ફે ચીપો સત્તાર પંજા (ઉ.વ.30 સામે 15 ગુના)
(7) સુફીયાન ઉર્ફે આમીર આરીફ મલેક (ઉ.વ.23 સામે 14 ગુના)
(8) રફીક ઉર્ફે ટમેટો સતાર ચૌહાણ (ઉ.વ. 25 સામે 13 ગુના)
(9) સોયબ ઉર્ફે ભાયાત હુસેન મુગલ (ઉ.વ.32 સામે 15 ગુના)
(10) શાહીલ ઉર્ફે મીર યુસુફ જેઠવા (ઉ.વ. 30 સામે 10 ગુના)
(11) યાસીન ઇબ્રાહીમ જલાલી ફકીર (ઉ.વ.30 સામે 12 ગુના)
(12) યાકુબ ઉર્ફે વાંદરી ઉર્ફે કારા મહમદ તાજવાણી તુરક (ઉ.વ.32 સામે 11 ગુના)
(13) અયુબ મહમદ તાજવાણી (ઉ.વ.-34 સામે 4 ગુના)
(14) જાવીદ ઉર્ફે વાંદરી મહમદ તાજવાણી (ઉ.વ.-42 સામે 8 ગુના) (વેરાવળ તુરક સમાજનો પ્રમુખ) ગુજસીટોકની કાર્યવાહી અટકાવવા પ્રયાસ
વેરાવળ પંથકમાં આંતક મચાવનાર વાંદરી ગેંગનો એક સાગરીત તુરક સમાજનો પ્રમુખ હોય તેણે ગુનેગારના રાક્ષસને ઢાંકી દેવા સામાજીક આગેવાનની છાપ ઉભી કરીને ગુનાહિત પ્રવૃત્તિ આચરતો હતો. આ કહેવતો સામાજીક આગેવાનોની તાજેતરમાં જ હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરાઈ હોવાથી હાલ કસ્ટડીમાં છે. દરમિયાન જિલ્લા પોલીસે ગુપ્ત રીતે વાંદરી ગેંગ સામે ગુજસીટોકના કાયદાનું શસ્ત્ર ઉગમાવવા કાર્યવાહી શરૂ કરેલી, જેને અટકાવવા અનેક રીતે દબાણ લાવવામાં આવેલું તેમ છતાં દબાણના વશ થયા વગર જિલ્લા પોલીસવડાએ કડક કાર્યવાહી કરાવી અસામાજીક તત્વોને કાયદાનું ભાન કરાવેલ છે. આ કાર્યવાહીને લોકોએ પણ આવકારી છે. ગેંગથી પીડિત લોકોએ પોલીસનો સંપર્ક કરવા અપીલ
આ વાંદરી ગેંગનો શિકાર અનેક લોકો થયા હોય જેઓ ભયના માર્યા અત્યારસુધી પોલીસને આપવીતી વર્ણવી શક્યા ન હોય તેવા તમામ પીડિતોને પોલીસનો સંપર્ક કરવો, જેથી ગેંગની સામે વધુ કડક કાર્યવાહી કરાશે તેવી અપીલ એલસીબી પીઆઈ એ.બી.જાડેજાએ કરી છે.