આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે જમીન મહેસુલ અધિનિયમમાં દર્શાવેલી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે આણંદ સ્થિત બોરસદ ચોકડી પાસે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ સવારથી બોરસદ ચોકડી પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયે જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ પણ સ્થળ મુલાકાત કરી હતી, ત્યારબાદ ટીમ દ્વારા બોરસદ ચોકડી પાસેની ઝૂંપડપટ્ટી વિસ્તારના આશરે 180 જેટલા કાચા પાકા મકાનો ના દબાણો દૂર કરી અંદાજિત 12 હજાર ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે. આ દબાણ હટાવ ઝુંબેશમાં 9 જેટલા ટ્રેક્ટર, 7 જેસીબી મશીન અને માર્ગ અને મકાન વિભાગના લેબર અને આણંદ મહાનગરપાલિકાના લેબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આણંદ મહાનગરપાલિકાની ટીમ, સીટી સર્વેની ટીમ, મામલતદારની ટીમ, પોલીસ વિભાગની ટીમ અને માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે. આણંદ પ્રાંત અધિકારી મયુર પરમારના જણાવ્યા અનુસાર સરકારી જમીન ઉપર કરવામાં આવેલા દબાણો લોકોએ સ્વેચ્છાએ દૂર કરે તે જરૂરી છે, અન્યથા નિયમ અનુસારની પ્રક્રિયા હાથ ધરાયા બાદ જિલ્લા પ્રશાસન દ્વારા સરકારી પડતર જમીન ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવામાં આવશે.