સુરતની 335થી વધુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો છે. છેલ્લા જુલાઈ 2024 સુધીના આંકડા મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કુલ 5569 શિક્ષકો માટેનું મહેકમ મંજૂર થયું છે. તેમાંથી ફક્ત 4010 શિક્ષકો ફરજ પર છે, જેના કારણે 1559 શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. આમાં ધોરણ 1થી 5 માટે 1088 શિક્ષકો અને ધોરણ 6થી 8 માટે 500 શિક્ષકોની ઉણપ નોંધાઈ છે. પદાધિકારીઓ અને અધિકારીઓએ આગામી દિવસોમાં આ ઘટને પૂર્ણ કરવા માટે ઝડપી પગલાં લેવામાં આવશે, તેવું આશ્વાસન આપ્યું છે, જે છેલ્લા છ મહિનાથી અપાઈ રહ્યું છે. ધો. 1થી 8ના 1,559 શિક્ષકોની ઘટ
સુરત શહેરની શિક્ષણ સમિતિની સ્કૂલોમાં શિક્ષકોની ઉણપ ખૂબ ગંભીર અને ચિંતાજનક છે. ખાસ કરીને હિન્દી અને અંગ્રેજી માટે વધુ ખરાબ છે. નવી બજેટ રજૂઆતમાં આંકડાઓ પ્રમાણે શહેરની 359 સ્કૂલોમાં કુલ 1.91 લાખ વિદ્યાર્થી ભણે છે, જેમાં 95,425 કુમાર અને 96,062 કન્યાઓનો સમાવેશ થાય છે. આ તમામ સ્કૂલોમાં 4,010 શિક્ષકો ફરજ બજાવે છે, જ્યારે સ્કૂલો માટે મંજૂર કુલ મહેકમ 5,569 છે. આ અંતર્ગત 1,559 શિક્ષકોની ઉણપ નોંધાઈ છે, જેમાં ધોરણ 1થી 5 માટે 1,088 અને ધોરણ 6થી 8 માટે 471 શિક્ષકોની તાત્કાલિક જરૂર છે. ગુજરાતી માધ્યમમાં 43 વિદ્યાર્થી દીઠ એક જ શિક્ષક
વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યા વચ્ચે વિશાળ તફાવત શિક્ષણની ગુણવત્તાને ગંભીર અસર કરે છે. ગુજરાતી માધ્યમમાં 43 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે, જ્યારે મરાઠી માધ્યમમાં આ પ્રમાણ 39 છે, જે તુલનાત્મક રીતે શ્રેષ્ઠ છે. જોકે, ઉર્દૂ અને ઉડીયા માધ્યમમાં આ સંખ્યા અનુક્રમે 51 અને 60 છે. ખાસ કરીને હિન્દી અને અંગ્રેજી માધ્યમ માટે સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં 143 અને 156 વિદ્યાર્થીઓ માટે માત્ર એક શિક્ષક છે. હિન્દી અને અંગ્રેજીમાં શિક્ષણની ગુણવત્તા ઘટી
શિક્ષણ સમિતિ દ્વારા રજૂ કરાયેલા આંકડા પ્રમાણે, મરાઠી માધ્યમમાં તુલનાત્મક રીતે શ્રેષ્ઠ વ્યવસ્થા છે. જ્યારે હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષકોની ખોટ ચિંતાનું કારણ છે. જો કે, પદાધિકારીઓના મતે આ સમસ્યા ઉકેલવા માટે ટૂંક સમયમાં જ પ્રક્રિયા શરૂ થશે અને શિક્ષકોની ઉણપ પૂરી કરવા માટે જલ્દીથી કાયદાકીય અને વહીવટી પગલાં લેવામાં આવશે. મુખ્ય રીતે, મંજૂર મહેકમ મુજબ 5,569માંથી 4,010 શિક્ષકો ફરજ પર છે, જે 1,559 શિક્ષકોની ઉણપ દર્શાવે છે. આ ઉણપના કારણે તમામ માધ્યમમાં, ખાસ કરીને હિન્દી અને અંગ્રેજીમાં શિક્ષણની ગુણવત્તા ઘટી રહી છે. હાલ 500થી 600 શિક્ષકોની ઘટ છેઃ વિનોદ ગજેરા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિનોદ ગજેરાએ જણાવ્યું હતું કે, શિક્ષકોની ઘટ છે જ અને તે જગ્યાએ સાથી શિક્ષકો (કોન્ટ્રાક્ટ બેઝ શિક્ષકો) વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. સરકાર 10,000 શિક્ષકોની ભરતી કરવાની છે, જેના પછી શિક્ષકોની ઉણપ રહેશે નહીં. હાલ 500થી 600 શિક્ષકોની ઘટ છે. જોકે, તેમની સામે કોન્ટ્રાક્ટ બેઝ હાલ ભણાવી રહ્યા છે. શિક્ષકોની ઉણપથી શિક્ષણની ગુણવત્તા પર અસરઃ આપ
આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, હાલ 300થી વધુ કર્મચારીઓની પણ અછત છે. સાથે સૌથી વધુ હિન્દી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં શિક્ષકોની ઉણપને કારણે શિક્ષણની ગુણવત્તા પર અસર થઈ રહી છે.