અમદાવાદ શહેરના સતત ધમધમતા સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી જ્વેલર્સ પેઢીમાંથી 50 લાખથી વધુ દાગીનાની થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ધોળે દિવસે જ્વેલર્સ પેઢીમાં ત્રાટકી શાકભાજીની માફક વીણી વીણીને દાગીનાની લૂંટ ચલાવનાર લૂંટારાઓ ફરાર થયા બાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી હતી. આ મામલે પોલીસે યુપીથી લૂંટારાઓ સહિત કુલ 10 આરોપીની અટકાયત કરી છે. યુપીથી ઝડપાયેલા આરોપીઓને અમદાવાદ લાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. લૂંટારાઓને લૂંટ માટે જ્વેલર્સ પેઢી નજીક જ ફરજ બજાવતા એક સિક્યોરિટી ગાર્ડે ટિપ આપી હોવાનું સામે આવ્યું છે. 2 જાન્યુઆરીએ બપોરે લૂંટની ઘટના બની હતી
અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા મેરીગોલ્ડ સર્કલ પાસે આવેલા શાલિગ્રામ પ્રાઇમમાં કનકપુરા જ્વેલર્સ નામનો શો-રૂમ ભરતભાઈ લોઢિયા તથા મનસુખભાઈ ભાગીદારીમાં ચલાવે છે. ગુરુવારે( 2 જાન્યુઆરી) બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેઓ હાજર હતા ત્યારે ત્રણ વ્યક્તિઓ મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા, જ્યારે એકે હેલ્મેટ પહેર્યું હતું. પહેલા દાગીના ખરીદવા છે તેમ કહીને અંદર ઘૂસ્યા હતા. ગણતરીની મિનિટમાં લૂંટારાઓએ બંદૂકના નાળચે 50 લાખથી વધુના સોનાચાંદીના દાગીનાની લૂંટ કરીને નાસી છૂટ્યા હતા. લૂંટારુઓએ શો-રૂમમાં ઘૂસીને ભરતભાઇ અને મનસુખભાઇના મોબાઇલ ફોન ઝૂંટવી લીધા હતા. 200 સીસીટીવી ફંફોળીને પોલીસ લૂંટારાઓ સુધી પહોંચી
પોલીસે લૂંટારાઓને ઝડપી લેવા માટે 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને જેના આધારે કેટલાક શંકાસ્પદોની અટકાયત કરી હતી. આ લૂંટ કેસનો ભેદ ઉકેલવામાં સ્થાનિકોએ પણ પોલીસને ઘણો સહકાર આપ્યો હતો. લૂંટારુઓ લૂંટ કરવા માટે આવ્યા ત્યારે એટલા ગભરાયેલા હતા કે તેઓ માત્ર ડિસ્પલેમાં રાખેલા દાગીના લૂટ્યા હતા. જો લૂંટારુઓ ગભરાયેલા ના હોત તો કદાચ શો-રૂમમાં રહેલા 4.80 કરોડ રૂપિયાના દાગીના પણ ચોરાઇ ગયા હોત. પોલીસે દુકાનની આસપાસના 200 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસતા આ ગેંગના લોકોનાં મોઢાં સ્પષ્ટ થયાં હતાં. આ ટોળકી બોપલના કાચા રસ્તેથી ભાગી હતી જેના કારણે આગળના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા નહોતા. સિક્યોરિટી ગાર્ડે લૂંટારાઓને ટિપ આપી હતી
લાખો રૂપિયાની લૂંટ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. જ્વેલર્સ પેઢી નજીક જ ફરજ બજાવતા એક સિક્યોરિટી ગાર્ડે લૂંટારાઓને ટિપ આપી હતી. સિક્યોરિટી ગાર્ડ લૂંટારાઓને ઓળખતો હતો, જેથી તેણે ફોન કરીને લૂંટ કરવા માટે બોલાવી લીધા હતા. સિક્યોરિટી ગાર્ડે લૂંટારાઓને સાથ આપીને આખું કાવતરું ઘડ્યું છે. પોલીસે સિક્યોરિટી ગાર્ડની અટકાયત કરીને પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી લીધી છે. સિક્યોરિટી ગાર્ડે લૂંટ કોણે કરી અને તે ક્યાંના રહેવાસી છે તેની તમામ વિગતો આપી દેતાં પોલીસની એક ટીમ યુપી પહોંચી હતી, ત્યાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેને અમદાવાદમાં લાવવામાં આવી રહ્યા છે. ધોળા દિવસે થયેલી આ લૂંટના ચકચારી કિસ્સામાં અમદાવાદ જિલ્લા પોલીસને સફળતા મળી છે. અમદાવાદ જિલ્લા પોલીસે 10 શકમંદની અટકાયત કરી છે અને લૂંટમાં સંડોવાયેલા ચાર મુખ્ય આરોપીઓને યુપીથી દબોચી લીધા છે. અમદાવાદ જિલ્લા ડીએસપી ઓમપ્રકાશ જાટે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આ ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો છે.