ટી-20 વર્લ્ડ કપ પછી BCCI દ્વારા ભારતની મહિલા ટીમ માટે વધુ બે ટીમો સાથે શ્રેણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ડિસેમ્બર 2024માં વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમાયા બાદ નવા વર્ષના પ્રારંભે આયર્લેન્ડ સામે વનડે મેચની શ્રેણી રમાવવા જઇ રહી છે. જે તમામ 3 મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. જેના માટે બન્ને ટિમોનું આજે 6 જાન્યુઆરીના રોજ રાજકોટમાં આગમન થનાર છે. જેને લઇ રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એક દાયકા કરતા વધુ સમયથી કાર્યરત આ સ્ટેડિયમમાં પ્રથમ વખત વિમેન્સ ટિમ ક્રિકેટ રમશે અને તેમાં ઇન્ડિયા તેમજ આયર્લેન્ડ ટીમની મહિલા ખેલાડીઓ રાજકોટની મહેમાન બનશે અને પ્રેક્ષકો માટે એન્ટ્રી ફ્રી રાખવા નિર્ણય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. બંને ટીમોનું આજે રાજકોટમાં આગમન થશે
રાજકોટ સહીત સૌરાષ્ટ્રના ક્રિકેટ રસીકો માટે નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં આનંદો છવાશે. રાજકોટ જામનગર રોડ પર નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત વિમેન્સ ટિમ મહેમાન બની ક્રિકેટ મેચ રમશે અને મહિલા ખેલાડીઓ ચોગ્ગા છગ્ગાના વરસાદ સાથે પ્રેક્ષકોને ખુશ કરી દેશે. આગામી 10, 12 અને 15 જાન્યુઆરી 2025ના રોજ ભારતીય મહિલા ટીમ આર્યલેન્ડ મહિલા ટીમ સાથે ત્રણ વનડે મેચની સિરીઝ રમશે જે મેચની શરૂઆત સવારે 11 વાગ્યાથી થશે. ત્યારે મેચ પહેલા બન્ને ટિમોનું આગમન 6 જાન્યુઆરી 2025ના રોજ થનાર છે અને બન્ને ટીમની મહિલા ખેલાડીઓ કાલાવડ રોડ પર આવેલ સયાજી હોટલ ખાતે રોકાણ કરશે. પ્રેક્ષકો વિનામૂલ્યે મેચ નિહાળી શકશે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી કરણ શાહે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી 10, 12 અને 15 જાન્યુઆરીના રોજ 3 દિવસ વનડે મેચની શ્રેણી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે યોજાનાર છે આ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા ગ્રાઉન્ડની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી 6 જાન્યુઆરીને સોમવારના રોજ ભારત અને આયર્લેન્ડ ટીમના ખેલાડીઓ અને ટિમ સપોર્ટ સ્ટાફ રાજકોટ આવી પહોંચશે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે અને વધુને વધુ લોકો આ મેચ નિહાળે તે માટે ત્રણેય મેચમાં પ્રેક્ષકો માટે એન્ટ્રી ફ્રી રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. મેદાન પર જોવા મળશે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
તેમને વધુમાં જણાવ્યું હતું કે, ઇન્ડિયાની વિમેન્સ ટિમ પણ ખુબ જ ફોર્મમાં છે. તાજેતરમાં વડોદરામાં પણ મેચ યોજાઈ હતી જેમાં ખુબ સારું પર્ફોમન્સ ટીમનું જોવા મળ્યું હતું એ જ રીતે રાજકોટમાં પણ ટિમનું સારું પર્ફોમન્સ જોવા મળશે. રાજકોટની પીચ ખુબ સારી છે ખેલાડીઓને પસંદીતા પીચ છે માટે અહીંયા પણ ખુબ સારો સ્કોર થશે અહીંયા મેદાનમાં પણ પ્રેક્ષકોને ચોગ્ગા છગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે. આ માટે પીચ ક્યુરેટર દ્વારા પણ પીચ તૈયાર કરી દેવામાં આવી છે. બોર્ડ ઓફ કંટ્રોલ કોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)નો પણ અમે આભાર માનીએ છીએ કે રાજકોટમાં ત્રણ વિમેન્સ વનડે મેચ માટે શ્રેણી તેમજ 28 જાન્યુઆરીના રોજ ભારત ઇંગ્લેન્ડ માટે ટી-20 મેચની જાહેરાત કરવામાં આવી છે જેથી રાજકોટ અને સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકો સારી રીતે ક્રિકેટ ને માણી શકશે. 10, 12 અને 15 જાન્યુઆરીએ મેચ રમાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ સામે ટી-20 અને વનડે મેચની સિરીઝ રમ્યા બાદ હવે રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પર આર્યલેન્ડ વુમન ટીમ સામે ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે. જેમાં તા.10 જાન્યુઆરી 2025ના શુક્રવાર, 12 જાન્યુઆરી 2025ને રવિવાર અને તા.15 જાન્યુઆરી 2025ને બુધવારના રોજ આ મેચ રમાશે. રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પર પહેલીવાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મેચ રમવા માટે આવશે. ઉલ્લેખનીય છે કે મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025માં ભારતમાં યોજાનાર છે. આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. આમાં ભારત સહિત 8 ટીમો ભાગ લેશે. ત્યારે વર્લ્ડકપ પૂર્વે આ બન્ને શ્રેણી ભારતીય મહિલા ટિમ માટે અગત્યતા ધરાવી રહી છે. આ સાથે જાન્યુઆરીના અંતમાં 28 જાન્યુઆરી 2025ને મંગળવારના રોજ ભારત અને ઇંન્ગલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ પણ રાજકોટમાં યોજાશે આમ જાન્યુઆરી મહિનામાં રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવ મળશે.