દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી… રાજકોટ ભાજપનો જૂથવાદ સપાટી પર આવ્યો
રાજકોટ શહેર ભાજપમાં ફરી એક વખત જૂથવાદ સામે આવ્યો છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ બનવા માટે 30 જેટલા દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે રાજકોટમાં વર્તમાન પ્રમુખને રિપીટ કરવામાં આવે તેવી ચર્ચા વચ્ચે જૂના જોગીઓએ એક જૂથ બનાવી નિરીક્ષકો સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. ચર્ચા તો એવી પણ છે કે, નિરીક્ષકો સમક્ષ એવી પણ ફરિયાદ થઇ છે કે, રાજકોટ મહાનગર પાલિકામાં સંકલનનો અભાવ છે અને આડકતરી રીતે ભ્રષ્ટાચાર પણ થઇ રહ્યો હોવાની ફરિયાદ કરી હતી. એટલું જ નહિ વર્તમાન પ્રમુખથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ નારાજ છે જેના કારણે પાર્ટી ડેમેજ થઇ રહી છે માટે તેમને રિપીટ ન કરવા રજુઆત કરવામાં આવી છે અને પાર્ટી તેમને રિપીટ કરશે તો બળવો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે હવે નિરીક્ષકો પ્રદેશ કક્ષાએ આ રજૂઆત પહોંચાડશે કે કેમ અને પછી પ્રદેશ કક્ષાએ પ્રમુખ માટે રિપીટ થિયરી અપનાવવામાં આવશે કે નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે તે જોવું અગત્યનું રહેશે. સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે કાર્યકર્તાઓ વહેંચાયા
ભાજપમાં આંતરિક વિખવાદ હંમેશા સપાટી ઉપર હોય છે જોકે ખુલીને આ બાબતે જાહેરમાં વિરોધ થતો નથી. અમદાવાદના એક સાંસદ સભ્ય અને પૂર્વ સાંસદ સભ્ય વચ્ચે હાલ આંતરિક વિખવાદ ચાલી રહ્યો હોવાની ચર્ચા છે. ચાલુ સાંસદના મતવિસ્તારમાં પૂર્વ સાંસદ સભ્ય પોતે ફાળવેલા બજેટમાંથી થયેલા કામોના ઉદ્ઘાટન અને લોકાર્પણ કાર્યક્રમો જાતે જ કરવા લાગ્યા છે. કોઈપણ કાર્યક્રમમાં ચાલુ સાંસદ સભ્યને બોલાવવામાં આવતા નથી. એક જ સંસદીય મતવિસ્તારમાં કાર્યકર્તાઓમાં બે ભાગ પડી ગયા છે. પૂર્વ સાંસદ સભ્ય અને ચાલુ સાંસદ સભ્યના કાર્યકર્તાઓ વહેંચાઈ ગયા છે. પૂર્વ સાંસદ સભ્ય પોતાની રીતે જ કાર્યક્રમો કરે છે પરંતુ ચાલુ સાંસદ સભ્યને ન બોલાવતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. અમદાવાદ શહેર પ્રમુખ બનવા ભાજપના યુવા નેતાનું લોબિંગ
ભાજપના એક યુવા નેતા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ધારાસભ્યની ચૂંટણીથી લઈને અલગ અલગ હોદ્દાઓ માટે હંમેશા દાવેદાર હતા. યુવા નેતા ફરી એકવાર હોદ્દેદાર બનવા માટે દાવેદારી નોંધાવી છે. યુવા મોરચાથી લઈને સંગઠનમાં કાર્યકર્તાઓ પર સારી પકડ જમાવતા યુવા નેતા શહેર પ્રમુખ બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. યુવા મોરચામાં ખૂબ સારી રીતે કાર્યકર્તાઓની સાથે કાર્યક્રમથી લઈને મોટાં નેતાઓની વચ્ચે રહેતા નેતા હવે પ્રમુખ પદ માટે લોબિંગ કરી રહ્યા છે. પ્રમુખ પદની રેસમાં સૌથી આગળ રહેલા આ નેતાએ મોટા સાહેબની ગુડ બુકમાં રહેવાનો છેલ્લા છ મહિનાથી પ્રયાસ શરૂ કર્યો હતો. સાહેબની ગુડ બુકમાં રહી પ્રમુખ પદ માટે હવે પોતે દાવેદારી નોંધાવી છે. નવા હોદેદારોની વરણી પહેલા જ પત્રિકાઓ ફરતી થઈ
ભાજપમાં નવા સંગઠનની જાહેરાતની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં વોર્ડ પ્રમુખથી લઈને પ્રદેશ પ્રમુખ સુધીની નિમણૂક થવાની છે જેની વચ્ચે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની પત્રિકાઓને લઈને ચર્ચા જાગી છે. કેટલાક નેતાએ હોદ્દેદાર રહી કોઈ રજૂઆત ન કરી અને હવે જ્યારે નવી નિમણૂક થવાની છે ત્યારે પત્રો લખવાની શરૂઆત કરી છે તો કેટલાક નેતાઓ વિરુદ્ધ પત્ર લખાવવાની શરૂઆત થઈ છે. ભાજપમાં આંતરિક વિખવાદો ખૂબ છે પરંતુ સામે ખુલીને બોલી ન શકતા હોવાના કારણે પત્રિકા લેખન શરૂ થયું છે. સૌરાષ્ટ્રથી લઈ અને અમદાવાદ સુધી પત્રિકા લેખનની ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપના એક પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ પણ પત્રિકાઓ લખાઈ છે જ્યારે એક ધારાસભ્ય પત્રો લખીને હંમેશા ચર્ચામાં રહે છે. AMCમાં ડેપ્યુટી કમિશનર લાંબો સમય કેમ ટક્તા નથી?
રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલીઓ અને નિમણૂક કરવામાં આવે છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં IAS અધિકારીઓ મૂકવામાં આવે છે પરંતુ આ અધિકારીઓ માત્ર છ મહિના કે એક વર્ષ સુધી જ રહે છે. જે પણ અધિકારીને મૂકવામાં આવે છે તેને લાંબો સમય સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે રહેવા દેવામાં આવતા નથી રાજ્ય સરકાર તેની બદલી કરી દે છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો હજી પોતાના વિસ્તારને અને કાર્ય પદ્ધતિને સમજે ત્યાં સુધીમાં તો તેમની બદલી કરીને અન્ય સ્થળ પર મૂકી દેવામાં આવે છે જેના કારણે અમદાવાદના વિકાસથી લઈને પ્રજાના કામો ધીમી ગતિએ થઈ જાય છે. નવા સાહેબ સમજે ત્યાં સુધીમાં તો પ્રજાને હેરાન થવાનો વારો આવે છે. ‘ધારાસભ્યને પોતાની જ્ઞાતિની જ અલગ વિધાનસભા બનાવી દેવી જોઈએ’
ભાજપના વોર્ડ પ્રમુખોની નિમણૂકને લઈને અમદાવાદમાં અનેક કાર્યકર્તાઓમાં ભારે નારાજગી ફેલાઇ છે. પ્રદેશ કક્ષાએથી તમામ બુથ પ્રમુખોની સેન્સ લઈને ત્યારબાદ જ વોર્ડ પ્રમુખની નિમણૂક કરવા અંગેની પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે બુથ પ્રમુખોની સેન્સ પ્રક્રિયામાં જે નામ આપવામાં આવ્યા છે. તેના કરતાં ધારાસભ્યોના પોતાના અંગત માણસો ગોઠવાયા હોવાના આક્ષેપની વચ્ચે અમદાવાદમાં પૂર્વ વિસ્તારના એક ધારાસભ્યએ પોતાની જ જ્ઞાતિના માણસોને ગોઠવી દીધા છે. જેના કારણે ભાજપના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી ફેલાઈ છે અને ચર્ચા જાગી છે કે જો ભાજપે આવું જ કરવું હોય તો દરેક ધારાસભ્યની પોતાની જ જ્ઞાતિની જો વિધાનસભા અલગથી બનાવી દેવી જોઈએ. તેઓના જ લોકોને ગોઠવી અને વિવિધ ચૂંટણીઓ જીતાડી દેશે. સ્વચ્છતા સર્વેક્ષણના શપથ નહીં લેનાર અધિકારીનો પગાર કપાશે!
સ્વચ્છતા સર્વેક્ષણને લઈને અમદાવાદને ભારતના પ્રથમ પાંચ શહેરોમાં સ્વચ્છ શહેરનો નંબર મેળવવા માટે સ્વચ્છ ભારત અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો અને અધિકારીઓને સ્વચ્છતા માટે ઈ- શપથ લેવડાવવામાં આવી રહી છે. મ્યુનિ. કમિશનરે પરિપત્ર કરીને કરીને તમામ અધિકારીઓને કર્મચારીઓને ઇ- શપથ લેવડાવવા જણાવ્યું હતું. જોકે કેટલાક અધિકારીઓને કર્મચારીઓ હજી પોતાની શપથ લીધી ન હોવાના કારણે જેને પણ હવે એ શપથ ન લીધી હોય તેનો એક દિવસનો પગાર કાપી લેવા માટેની સૂચના કમિશનરે આપી હતી. જો કર્મચારી કે અધિકારીએ શપથ ના લીધા હોય તો તેના એક દિવસનો પગાર કાપીને તેની માહિતી પણ રજૂ કરવા માટે કમિશનરે કહ્યું હતું. આમ જો શપથ નહિ લે તો પણ એક દિવસનો પગાર કાપી લેવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવતાં કર્મચારીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. પ્રશ્નો ઉઠાવવાના બદલે સરકારની વાહવાહી કરતી ચેમ્બર!
વ્યાપાર ગુજરાતીઓના લોહીમાં છે અને વ્યાપાર-ઉદ્યોગ એ દરેક ગુજરાતની મુખ્ય ઓળખ છે તેમાં પણ સૌરાષ્ટ્રના લોકો તો પથ્થરને પાટુ મારી પૈસા કમાય શકે તેવી આવડત ધરાવતા લોકો છે તેવી વાત મુખ્યમંત્રીએ પણ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં કરી છે. ત્યારે વ્યાપાર ક્ષેત્ર માટે ચેમ્બર જેવી સંસ્થા પાસે સભ્યોને અપેક્ષા ઘણી હોય એ સ્વાભાવિક છે. વ્યાપાર જગતને સુખ-શાંતિ- સલામતીની અનિવાર્યતા હોય છે જો કે એ ત્રણેય બાબતોની અછત સર્જાતી જાય છે આમ છતાં વ્યાપાર-ઉદ્યોગના પ્રશ્નોને લઈને સરકાર સામે પરિણામલક્ષી જંગ આદરવાને બદલે સરકારની વાહ વાહ કરવામાં ચેમ્બર મસ્ત બની છે તેવું ચર્ચાઈ રહ્યું છે. સરકાર સુધી પહોંચાડવા માટે ચેમ્બરને વિવિધ ક્ષેત્રના 118 જેટલા મુદ્દાના પ્રશ્ન અને રજુઆત મળી હતી. જો કે આ પૈકી માત્ર 8 જ મુદ્દા સરકાર સમક્ષ મુકવામાં આવ્યા છે એટલે કે 10% પણ પ્રશ્ન સરકાર સુધી પહોંચાડવામાં નથી આવ્યા ત્યારે હવે સરકારની માત્ર વાહ વાહ કરવાના બદલે ચેમ્બર મુખ્ય સ્ત્રોત બની યોગ્ય રજુઆત યોગ્ય પ્રશ્ન નિરાકરણ માટે આગળ આ તેવો શૂર વેપારી આલમમાં ઉઠી રહ્યો છે.