હિંમતનગરના મહાવીરનગરમાં જે.પી.મોલથી ગાયત્રી મંદિર સુધીના 12 મીટરના ટીપી રોડ પરના દબાણો હટાવવા માટેની કામગીરી આજે પાલિકાના સીઓ સહિત અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરાઇ હતી. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા જે.પી.મોલથી ગાયત્રી મંદિર સુધીના નવા 12 મીટરના ટીપી રોડનું હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવાને લઈને આ 12 મીટર પહોળા અને 150 મીટર લંબાઈનો રૂ 39 લાખના ખર્ચે નવો ટીપી રોડ બનશે, જેને લઈને સોમવારે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, ટીપીના ચેરમેન, પાલિકાના દબાણ-બાંધકામ અને ટીપી વિભાગના અધિકારીઓ, એન્જીનીયર દ્વારા હાજર રહીને 12 મીટર પહોળાઈમાં આવતા 7થી વધુ પાકા દબાણો પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી વડે હટાવવાની શરૂઆત કરી હતી. દબાણમાં ઘર આગળના કમ્પાઉન્ડ ઉપરાંત કમ્પાઉન્ડ સાથે ઘરનો ભાગ સહિતના દબાણો બ્રેકર અને જેસીબી વડે હટાવવાની શરૂઆત કરી હતી. દિવસ દરમિયાન તમામ દબાણો હટાવવામાં આવશે. આગામી સમયમાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.