back to top
Homeગુજરાત18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી:500 ફૂટ ઊંડે અટકેલી ઇન્દિરા...

18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી:500 ફૂટ ઊંડે અટકેલી ઇન્દિરા કેમરામાં કેદ થઇ, ઓક્સિજનનો સતત સપ્લાય; ગાંધીનગરથી ટીમ ભુજ જવા રવાના

ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી જવા પામી છે. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પતિવારની 18 વર્ષની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું છે. જોકે, ચિંતાની વાત એ છે કે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન ચાલુ છે. નાનકડા ગામમાં ખળભળાટ
ભુજથી 25 કિલોમીટર દૂર પૂર્વ દિશાએ આવેલા અંતરિયાળ કંઢેરાઈ ગામે આજે યુવતીના બોરવેલમાં પડી જવાની ઘટનાના પગલે બચાવ કાર્ય માટે ઉમટેલા વહીવટી તંત્રના કાફલાને લઈ નાના એવા ગામમાં ભારે ધમધમાટ વ્યાપી જવા પામ્યો છે. સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલી ઘટનાથી સ્થાનિકે યુવતીના પરિવારો દુઃખી અવસ્થામાં લાડકી દીકરીના બહાર આવવા માટે ભગવાનને પ્રાર્થના કરતો નજરે ચડી રહ્યો છે. 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ ખડેપગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજન પહોંચાડી રહ્યા છે. ઘટનાની જેમ જેમ જાણ થઈ રહી છે તેમ તેમ આસપાસના લોકો એકઠા થઇ રહ્યા છે. ભીડના કારણે બચાવ કામગીરી પર કોઈ અસર ના પડે તે માટે પોલીસ કર્મચારીઓ હાજર લોકોને દૂર રહેવા સૂચના આપી રહ્યા છે. મુખત્વે ખેતી અને પશુપાલનનો વ્યવસાય ધરાવતું નાનું ગામ દુઃખદ બનાવથી ગમગીન થઇ ગયું છે. યુવતી અંદાજિત 500 ફૂટ ઉંડે ફસાઇ: જિલ્લા કલેક્ટર
ઘટનાની ગંભીરતાને લઇ કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, બોરવેલમાં મૂકેલા કેમરામાં યુવતી અંદાજિત 500 ફૂટ ઉંડે ફસાઇ હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે, ભોગ બનનાર યુવતી જીવે છે કે નહીં તે અંગે યુવતીની મુવમેન્ટ તપાસવાની કામગીરી હાલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. યુવતીની સ્થિતિ જાણ્યા બાદ વધુ કામગીરી શરૂ કરાશે. બચાવ માટે ભુજ ફાયર વિભાગની ટીમો કામે લાગી
આ અંગે ભુજ તાલુકા મામલતદાર એ.એન. શર્માએ દિવ્ય ભાસ્કરને વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે સોમવાર સવારે 5.30 થી 6 વાગ્યાના અરસામાં કંઢેરાઈ ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારની ઈન્દિરાબેન મીણા નામની 18 વર્ષીય યુવતી વાડીમાં રહેલા બોરવેલમાં અકસ્માતે પડી ગઈ છે. સ્થાનિક લોકોએ પ્રથમ બચાવકાર્ય કર્યા બાદ સવારના પોણા નવે તંત્રમાં જાણ કરતાં હાલ વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને યુવતીના બચાવકાર્ય માટે ભુજ ફાયર વિભાગની ટીમ સાથે 108 એમ્બ્યુલન્સની ટીમ કામે લાગી છે. ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાથ ધરાઇ
મામલતદારે વધુમાં જણાવ્યું કે, યુવતીના બચાવ માટે પાઇપ લાઈન મારફતે ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે યુવતીની સ્થિતિ જોવા માટે ફાયર ટીમ દ્વારા ખાસ પ્રકારના કેમેરાને બોરવેલમાં ઊતરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. પરિજનોના કહેવા મુજબ યુવતી બોરવેલમાં સરકી પડ્યા બાદ સવાર સુધી તેનો અવાજ આવતો હતો, પરંતુ તંત્રની ટીમ પહોંચ્યા બાદ યુવતીનો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી. યુવતીના બચાવ માટે NDRFની ટીમને બોલાવવામાં આવી છે. આ ઉપરાંત એક ટીમ ગાંધીનગરથી કચ્છ આવવા રવાના થઈ છે. બોરવેલની પહોળાઈ એક ફૂટ જેટલી: નાયબ કલેક્ટર
ભુજ નાયબ કલેક્ટર સાથે વાત કરતા તેમણે કહ્યું કે, બોરવેલની પહોળાઈ 12 ઇંચ ડાયામીટર એટલે કે એક ફૂટ જેટલી છે. હાલ ખાસ પ્રકારની વેલ્ડિંગ ફ્રેમ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના મારફતે અંદર પડેલી યુવતી અંગેની ચોક્કસ માહિતી મળી શકે. અમારી પહેલી પ્રાયોરિટી યુવતીનો જીવ બચાવવાની: પ્રાંત અધિકારી
આ અંગે ભુજ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, યુવતી બોરવેલમાં પડ્યાની જાણ થતાં અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ યુવતીની સ્થિતિ જાણવા કેમરો બોરવેલમાં મુકાયો છે અને ઓક્સિજન પણ અપાઇ રહ્યો છે. અમારી પહેલી પ્રાયોરિટી યુવતીનો જીવ બચાવવાની છે. હાલ ગાંધીનગરની પણ NDRFની એક ટીમ આવવા રવાના થઇ ગઇ છે. બોરમાંથી ‘બચાવ, બચાવ’નો અવાજ આવ્યો: યુવતીનો ભાઇ
આ ઘટના અંગે યુવતીના ભાઇએ જણાવ્યું હતું કે, મારી બહેન અને મારી દીકરી વહેલી સવારે વહેલા બાથરૂમ માટે ગઈ હતી. મારી દીકરી રૂમમાં પાછી આવી હતી અને બાદમાં મારી બહેન ટોઇલેટમાં ગઈ હતી. હું સવારે 5.30 વાગ્યે ઊઠ્યો અને પૂછ્યું કે ઈન્દિરા ક્યાં છે? તો તેણે કહ્યું કે ઈન્દિરા બાથરૂમ ગઈ છે. તે બાદ તપાસ કરતાં બોરમાંથી ‘બચાવ, બચાવ’નો અવાજ આવ્યો હતો. મારી બહેનની ઉંમર 18-19 વર્ષ છે. અમે આ સમગ્ર ઘટના વિશે અમારા શેઠને 5.45 કલાકે જાણ કરી હતી. અમે સતત અપડેટ્સ કરી રહ્યા છીએ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments