આઈ. આઈ. એમ. બેંગલુરુમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા સુરતના વિદ્યાર્થીનું રહસ્યમય મોત નીપજ્યું હતું. વિદ્યાર્થી હોસ્ટેલના કેમ્પસમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબો દ્વારા મૃત જાહેર કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી દ્વારા તેનો 29મા બર્થ ડેની પાર્ટી પણ કરવામાં આવી હતી અને કેક પણ કાપવામાં આવી હતી, ત્યારબાદ આ ઘટના બની હતી. યુવક દારૂના નશામાં બીજા માળેથી નીચે પડી ગયો હોવાની શક્યતા છે. આ મામલે બેંગલુરુ પોલીસ દ્વારા વિદ્યાર્થીના પરિવારને જાણ કરવામાં આવતા સુરતથી પરિવાર બેંગલુરુ જવા રવાના થઈ ચૂક્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશેઃ PI
માઈકો લેઆઉટ પોલીસ સ્ટેશનના પીઆઈ ગિરીશે જણાવ્યું હતું કે, આ મામલે વિદ્યાર્થીનું બીજા માળેથી પડી જવાથી મોત થયું હોવાના મામલે અકસ્માત મોતનો કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના બનતા સમયે વિદ્યાર્થી નશામાં હોવાની પણ શક્યતા છે. તેમના પરિવારને જાણ કરવામાં આવતા પરિવાર બેંગલુરુ પહોંચી ગયું છે અને હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશે. મૃતક નિલય SVNITનો ભૂતપૂર્વ વિદ્યાર્થી
મૂળ સુરતનો નિલય કૈલાસભાઈ પટેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગલુરુમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (PGP)ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેણે ફેશન ઈ-કોમર્સ કંપનીમાં પ્લેસમેન્ટ મેળવ્યું હતું. તેના મિત્રોના જણાવ્યા મુજબ, તે સોમવારથી કામ શરૂ કરવાનો હતો. નિલય સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT)નો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેણે 2019માં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બીટેક પૂર્ણ કર્યું હતું. પાસ આઉટ થયા પછી, તેણે બેંગલુરુમાં ત્રણ વર્ષથી વધુ સમય માટે OYO સાથે કામ કર્યું, જ્યાં તેણે કન્ઝ્યુમર ઇન્ટરફેસ પર કામ કર્યું હતું. સિક્યોરિટીને બેભાન હાલતમાં મળ્યો હતો
માઈકો લેઆઉટ પોલીસના જણાવ્યા પ્રમાણે, હોસ્ટેલમાં સિક્યોરિટી ગાર્ડ્સને સવારે 6.30 વાગ્યાની આસપાસ નિલય પટેલને હોસ્ટેલના લૉનમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તેમણે તાત્કાલિક તેમના સિનિયરોને જાણ કરી હતી. એક તબીબી ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) આપ્યું હતું. જોકે, કોઈ રિસ્પોન્સ ન આપતા બેનરઘટ્ટા રોડ પરની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઉઝરડા સિવાય, શરીર પર કોઈ મોટી ઈજાઓ પણ નહોતી. મધ્યરાત્રિએ પોતાના રૂમમાં જતી વખતે હોસ્ટેલ બિલ્ડિંગના બીજા માળની બાલ્કનીમાંથી આકસ્મિક રીતે પડી ગયો હોવાની શંકા છે. આ સાથે તે નશામાં હોવાની પણ શક્યતા છે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ બહાર આવશે
નિલયનું રહસ્યમય મોતને પગલે અલગ-અલગ ચર્ચાઓ ચાલી રહી છે. નિલયના હોસ્ટેલમાં ખૂબ જ ઓછા મિત્રો છે. નિલય દ્વારા તેનો 29મો બર્થ ડે તેના મિત્ર સાથે ઊજવવામાં આવ્યો હતો અને કેક કાપી પાર્ટી પણ કરી હતી. હાલ તો આ મામલે નિલયના પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો બેંગલુરુ પહોંચી ગયાં છે. જ્યાં હાલ નિલયનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.