સુરત મહાનગરપાલિકા દ્વારા પોતાના કર્મચારીઓને ઠંડીના દિવસોમાં થોડી રાહત થાય તેના માટે નવતર પ્રયોગ કરવાનો વિચાર આવ્યો છે. પરંતુ જે રીતે પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ઠંડીનું સ્વેટર ઉનાળામાં મળશે
સુરત મહાનગરપાલિકા દ્વારા ત્રીજા અને ચોથા વર્ગના સ્વેટર કર્મચારીઓને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જાન્યુઆરી મહિનાના પહેલા પખવાડિયામાં આ અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવતાં સંભવતઃ ઉનાળાના પ્રારંભે કર્મચારીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવશે. જેને પગલે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ ચોથા અને ત્રીજા વર્ગના કર્મચારીઓએ કડકડતી ઠંડીમાં સ્વેટર વિના જ ફરજ બજાવવાની તૈયારી રાખવી પડશે. વુલન જર્શીની ડિલિવરી માટે ટેન્ડરરને 60 દિવસની મર્યાદા
મહાનગરપાલિકામાં વર્ગ ચારમાં ફરજ બજાવતાં પુરૂષ પટાવાળા, વોર્ડ બોય, બેલદાર, સ્વીપર સહિત વાયરમેન અને ફાયર વિભાગના પુરૂષ-મહિલા કર્મચારીઓ માટે વહીવટી તંત્ર દ્વારા ગત નવેમ્બર મહિનામાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે, ત્રણ-ત્રણ પ્રયાસના અંતે પણ એકમાત્ર ટેન્ડરર ક્વોલીફાઈડ થતાં વહીવટી તંત્રે 1.20 કરોડ રૂપિયાના ખર્ચે ચોથા અને ત્રીજા વર્ગના કર્મચારીઓ માટે વુલન જર્શી ખરીદવા માટેની તજવીજ હાથ ધરી છે. આ સંદર્ભેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે અને આગામી ગુરૂવારના રોજ શાસકો દ્વારા આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો કે, ખાટલે સૌથી મોટી ખોટ એ છે કે જાન્યુઆરી મહિનાના પહેલા પખવાડિયામાં વહીવટી તંત્રે રજૂ કરેલી દરખાસ્તમાં વુલન જર્શીની ડિલિવરી માટે ટેન્ડરરને 60 દિવસની મર્યાદા આપી છે. જેને પગલે એપ્રિલ મહિનામાં ગરમીના પ્રારંભ સાથે જ કર્મચારીઓને સ્વેટરની ડિલિવરી થશે.