ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી જવા પામી છે. ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તેમજ ગાંધીનગરથી પણ NDRFની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે. છેલ્લા 30 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી યુવતીને બહાર કાઢવામાં ટીમને સફળતા મળી નથી. મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર 60 ફુટ બાકી હતા, પરંતુ રેસ્ક્યૂ સાધનોમાંથી યુવતી છટકી જતાં બોરવેલ નીચે પડી ગઈ હતી. 30 કલાકમાં બે-બે વખત 100 ફૂટ સુધીના અંતરે આવ્યાં બાદ ફરી 500 ફૂટ નીચે સરકી ગઈ હતી. હવે ફરી રોબોટની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. યુવતી ઈન્દિરાને બહાર કાઢવી રેસ્ક્યૂ ટીમ માટે હાલ ચેલેન્જનો વિષય બન્યો છે. ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો
કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી જવા પામી છે. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પતિવારની યુવતી બોરવેલમાં પડી જતાં સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. જોકે, ચિંતાની વાત એ છે કે, સોમવારે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો છે. રોબોટનું હુક છટકી જતા યુવતી પરત બોરવેલના તળિયે સરકી
બોરવેલમાં પડેલી યુવતીને બહાર કાઢવાની કામગીરી તંત્ર દ્વારા સતત ચાલી રહી છે. દરમિયાન સવારે યુવતી 400 ફૂટ સુધી બોરવેલમાં ઉપર આવી ગઈ હતી અને માત્ર 100 ફૂટ જમીનથી દૂર રહી હતી. જોકે, ત્યારબાદ રોબોટનું હુક છટકી જતા યુવતી પરત બોરવેલના તળિયે સરકી ગઈ હતી. જેને લઈ યુવતીને ફરી બહાર લાવવાની કામગીરી એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. યુવતીને બોરવેલમાં 100 ફૂટ દૂરના અંતર સુધી લવાઈઃ પ્રાંત અધિકારી
ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હાલ યુવતીને બોરવેલમાં 100 ફૂટ દૂરના અંતર સુધી લવાઈ છે, બહાર લાવવા માટેની રેસ્ક્યૂ કામગીરી ચાલુમાં છે. નજીકના સમયમાં બહાર આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે બોરવેલમાં યુવતી પડી ગઈ હતી. રેસ્ક્યૂ ટીમો સતત 30 કલાકથી વધુ સમયથી યુવતીને બહાર કાઢવા પ્રયાસ કરી રહી છે. બોરવેલમાં હજુય યુવતી ફસાયેલી છે. 540 ફુટ ઊંડા બોરવેલમાં યુવતી પડી હતી. NDRF, BSF, આર્મી, ડિઝાસ્ટર, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી રહી હતી. ત્યારે યુવતીને નીચેથી ઉપર લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન માત્ર 60 ફુટ બાકી હતા, ત્યારે જ અડચણ આવતા રેસ્ક્યૂ સાધનોમાંથી યુવતી ફરી બોરવેલમાં નીચે પડી ગઈ હતી. NDRFની ટીમે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી
ગાંધીનગરથી NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. BSF, આર્મી, ડિઝાસ્ટર અને ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમોની ભારે જહેમત બાદ સફળતા ન મળતા હવે NDRFની ટીમ કામે લાગી છે. સોમવારે સવારના 6 વાગ્યાની યુવતી બોરવેલમાં ફસાયેલી છે. રેસ્ક્યૂ કામગીરી માટે કચ્છ વહીવટી તંત્ર પણ સતત ખડેપગે તૈનાત છે. બોરવેલ ફરતે લોખડનું સ્ટ્રેક્ચર બનાવી રેસ્ક્યૂ હાથ ધરાયુંઃ મામલતદાર
સોમવારે રાત્રે 9.30 વાગ્યે ભુજ તાલુકા મામલતદાર શર્મા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, સાત વાગ્યાથી એન ડી આર એફની ટીમ દ્વારા બોરવેલ ફરતે લોખડનું સ્ટ્રેકચર બનાવી ખાસ પ્રકારના ગાળીયાને બોરવેલની અંદર શિફ્તપૂર્વક ઉતારવાની કામગીરી ચાલી રહી છે, જો આ ગાળિયો યુવતી સુધી પહોંચી જાય અને તેમાં તેને જકડી લેવામાં આવે તો બહાર લાવી શકાય, પરંતુ આ કાર્ય કઠિન છે, તેથી ટીમ દ્વારા બચાવના પ્રયાસો સતત ચાલુ છે. આ માટે ક્યારે સફળતા મળે તે કહી શકાય એમ નથી. LCBની ટીમ યુવતીના ભાઈને પૂછપરછ માટે કચેરીએ સાથે લઈ ગઈ
સૂત્રોના જણાવ્યાં મુજબ યુવતીના પિતરાઈ ભાઈને એલસીબી ટીમ પૂછપરછ માટે ભુજ કચેરીએ સાથે લઈ ગઈ છે અને બનાવ અંગેની સત્યતા જાણવા પ્રયાસો કરી રહી છે. આ અંગે એલસીબી પીઆઇ ચુડાસમા સાથે વાત કરતા તેમણે આ વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, ઘટનાસ્થળે બેસવાની કે મોબાઈલ ફોન ચાર્જની યોગ્ય વ્યવસ્થા ના હોય બનાવ કેવી રીતે બન્યો તે માટે પૂછપરછ કરવા હેતુ યુવતીના ભાઈને સાથે લાવવામાં આવ્યો છે. નાનકડા ગામમાં ખળભળાટ
ભુજથી 25 કિલોમીટર દૂર પૂર્વ દિશાએ આવેલા અંતરિયાળ કંઢેરાઈ ગામે આજે યુવતીના બોરવેલમાં પડી જવાની ઘટનાના પગલે બચાવ કાર્ય માટે ઉમટેલા વહીવટી તંત્રના કાફલાને લઈ નાના એવા ગામમાં ભારે ધમધમાટ વ્યાપી જવા પામ્યો છે. સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલી ઘટનાથી સ્થાનિકે યુવતીના પરિવારો દુઃખી અવસ્થામાં લાડકી દીકરીના બહાર આવવા માટે ભગવાનને પ્રાર્થના કરતો નજરે ચડી રહ્યો છે. 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ ખડેપગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજન પહોંચાડી રહ્યા છે. ઘટનાની જેમ જેમ જાણ થઈ રહી છે તેમ તેમ આસપાસના લોકો એકઠા થઇ રહ્યા છે. ભીડના કારણે બચાવ કામગીરી પર કોઈ અસર ના પડે તે માટે પોલીસ કર્મચારીઓ હાજર લોકોને દૂર રહેવા સૂચના આપી રહ્યા છે. મુખત્વે ખેતી અને પશુપાલનનો વ્યવસાય ધરાવતું નાનું ગામ દુઃખદ બનાવથી ગમગીન થઇ ગયું છે. યુવતી અંદાજિત 500 ફૂટ ઊંડે ફસાઈ: જિલ્લા કલેક્ટર
ઘટનાની ગંભીરતાને લઇ કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, બોરવેલમાં મૂકેલા કેમરામાં યુવતી અંદાજિત 500 ફૂટ ઉંડે ફસાઇ હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે, ભોગ બનનાર યુવતી જીવે છે કે નહીં તે અંગે યુવતીની મુવમેન્ટ તપાસવાની કામગીરી હાલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. યુવતીની સ્થિતિ જાણ્યા બાદ વધુ કામગીરી શરૂ કરાશે. બોરમાંથી ‘બચાવ, બચાવ’નો અવાજ આવ્યો: યુવતીનો ભાઈ
આ ઘટના અંગે યુવતીના ભાઇએ જણાવ્યું હતું કે, મારી બહેન અને મારી દીકરી વહેલી સવારે વહેલા બાથરૂમ માટે ગઈ હતી. મારી દીકરી રૂમમાં પાછી આવી હતી અને બાદમાં મારી બહેન ટોઇલેટમાં ગઈ હતી. હું સવારે 5.30 વાગ્યે ઊઠ્યો અને પૂછ્યું કે ઈન્દિરા ક્યાં છે? તો તેણે કહ્યું કે ઈન્દિરા બાથરૂમ ગઈ છે. તે બાદ તપાસ કરતાં બોરમાંથી ‘બચાવ, બચાવ’નો અવાજ આવ્યો હતો. મારી બહેનની ઉંમર 18-19 વર્ષ છે. અમે આ સમગ્ર ઘટના વિશે અમારા શેઠને 5.45 કલાકે જાણ કરી હતી.