ગુજરાતમાં એચએમપીવી વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયો છે, જેથી કરીને ગુજરાત સરકાર એક્ટિવ થઈ ગઈ છે અને તકેદારીના ભાગરૂપે દરેક જિલ્લાની અંદર ડોક્ટરોને સૂચનાઓ આપવામાં આવી રહી છે. ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરી તો મોરબી જિલ્લામાં આવેલી તમામ સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની સાથે મીટીંગ કરીને જરૂરી સૂચનાઓ આપી છે. હાલમાં મોરબી જિલ્લામાં કોઈ પોઝિટિવ કે શંકાસ્પદ કેસ નથી, પરંતુ કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે મોરબી જિલ્લાનો આરોગ્ય વિભાગ એલર્ટ છે તેવું અધિકારીએ જણાવે છે. કોરોનાકાળ વખતે દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે થઈને સરકારી હોસ્પિટલોમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે હાલમાં એચએમપીવી વાઇરસને લઈને સમગ્ર ગુજરાત અને ભારત દેશની અંદર લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ એક્ટિવ થઈ ગયો છે. મોરબી જિલ્લા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. પ્રિદપ દુધરેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં મોરબી જિલ્લાની અંદર એચએમપીવી વાઇરસનો એકપણ શંકાસ્પદ કે પોઝિટિવ કેસ નથી તેમ છતાં પણ જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની મીટીંગ કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલે મોરબી જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલના ડોક્ટરોની સાથે મીટીંગ કરીને તકેદારી રાખવા માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. ખાસ કરીને આ વાઇરસ નાના બાળકોમાં તથા શ્વાસની તકલીફ હોય તેવા લોકોને વધુ અસર કરે તેવી શક્યતા છે, જેથી કરીને આ બાબતને ધ્યાનમાં રાખીને કોઈપણ વ્યક્તિને શંકાસ્પદ લક્ષણ જણાય તો પણ તેની તાત્કાલિક સારવાર થાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને કોઈપણ પરિસ્થિતિ ઉભી થાય તો તેની સામે લડી લેવા માટે તેને મોરબીનો આરોગ્ય વિભાગ તૈયાર છે. આવી જ રીતે મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી પી.કે. શ્રીવાસ્તવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના સરકારી દવાખાનાઓમાં ફરજ બજાવતા ડોક્ટરોને તેમજ ફિલ્ડમાં કામ કરવા માટે જતાં આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓને ખાસ સુચના આપવામાં આવી છે કે, એચએમપીવી વાઇરસને લઈને જે પ્રકારના લક્ષણો જાહેર કરવામાં આવ્યા છે તે પ્રકારનો કોઈપણ કેસ કોઈપણ જગ્યાએ જોવા મળે તો તેમાં જરાપણ બેદરકારી ન રાખવી અને તાત્કાલિક તે દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચાડવા અને દરેક વિસ્તારની અંદર આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે તેના માટે પણ ખાસ સુચનાઓ આપવામાં આવ્યા છે.