back to top
Homeભારતચીનમાં HMPV વાઇરસથી હાહાકાર:વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ માગ્યો રિપોર્ટ; ભારતમાં 8 કેસ,...

ચીનમાં HMPV વાઇરસથી હાહાકાર:વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ માગ્યો રિપોર્ટ; ભારતમાં 8 કેસ, કેન્દ્રએ કહ્યું- સરકાર દેખરેખ વધારે

‘હ્યુમન મેટાપ્યુમો’ એ દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. ચીનમાં વાઈરસને કારણે સ્થિતિ વણસી ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં 10 દિવસમાં HMPV કેસમાં 529%નો વધારો થયો છે. બાળકોમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચીનમાં વાઈરસના કારણે હલચલ મચી ગઈ છે. એન્ટિવાયરલ દવાઓની ભારે અછત છે. એન્ટિવાયરલ દવાઓનું બ્લેક માર્કેટિંગ શરૂ થઈ ગયું છે. વાઇરસના વધતા જતા કેસોને કારણે WHO પણ તણાવમાં આવી ગયું છે. તેણે ચીન પાસેથી HMPV વિશે સંપૂર્ણ માહિતી માગી છે. ચીન હજુ પણ HMPV કેસોની માહિતી છુપાવી રહ્યું છે. ભારતમાં HMPV વાઇરસના 8 કેસ નોંધાયા છે. મંગળવારે મહારાષ્ટ્રના નાગપુરમાં 2 કેસ નોંધાયા હતા. અહીં એક 13 વર્ષની છોકરી અને 7 વર્ષનો છોકરો સંક્રમિત જોવા મળ્યો છે. બંને બાળકોને સતત શરદી અને તાવ આવતો હતો. ત્યાર બાદ ખાનગી લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યો તો બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જો કે, તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહોતી. સારવાર બાદ તેની સ્થિતિ નિયંત્રણમાં છે. આના એક દિવસ પહેલા, વાઇરસના કુલ 6 કેસ નોંધાયા હતા, જેમાં કર્ણાટક અને તમિલનાડુમાં 2-2 કેસ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં એક-એક કેસનો સમાવેશ થાય છે. તેમાંથી મોટાભાગના બાળકો છે. કેન્દ્રએ રાજ્યોને ‘ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી’ અને ‘ગંભીર તીવ્ર શ્વસન સમસ્યાઓ’ જેવી શ્વસન બિમારીઓ પર દેખરેખ વધારવા અને HMPV વિશે જાગૃતિ ફેલાવવા સલાહ આપી છે. દેશના 4 રાજ્યોમાં સંક્રમણના કેસ મળ્યા બાદ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે આ કોઈ નવો વાઇરસ નથી અને સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. HMPV અંગે, આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ કહ્યું… નિષ્ણાતોએ કહ્યું છે કે HMPV નવો વાઇરસ નથી. 2001માં તેની પ્રથમ ઓળખ થઈ હતી. આ પછી તે વિશ્વમાં ફેલાઈ ગયો. તે શ્વાસ દ્વારા ફેલાય છે, હવામાં ફેલાય છે. તે તમામ વય જૂથોના લોકોને અસર કરે છે. WHO પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ટૂંક સમયમાં અમારી સાથે રિપોર્ટ શેર કરશે. ગુજરાતનું બાળક પહેલાથી જ બીમાર, કર્ણાટકમાં રૂટીન ટેસ્ટમાં વાઇરસ મળી આવ્યો અમદાવાદમાં 15 દિવસ પહેલા 2 મહિનાના બાળકની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે બાળકને શરદી અને તાવ હતો. શરૂઆતમાં તેને 5 દિવસ વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ટેસ્ટ કરાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કર્ણાટકમાં બંને કેસ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે બાળકો રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ટેસ્ટ કરાવ્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, કર્ણાટકના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી હતી કે બાળકોના સેમ્પલનું ટેસ્ટિંગ સરકારી લેબમાં નહીં પરંતુ ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. કોવિડ જેવા વાઇરસના લક્ષણો, નાના બાળકો સૌથી વધુ અસર
જ્યારે HMPV વાઇરસથી ચેપ લાગે છે, ત્યારે દર્દીમાં શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો દર્શાવે છે. તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. કોવિડ Rx એક્સચેન્જના ફાઉન્ડરે કહ્યું – HMPV એક સામાન્ય સંક્રમણ જેવો છે અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડાલસમાં CovidRxExchangeના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. શશાંક હેડાએ ભાસ્કરને જણાવ્યું કે મીડિયા આ વાઇરસ વિશે અતિશયોક્તિભરી ચિંતા દર્શાવી રહ્યું છે. જ્યારે, આંકડા દર્શાવે છે કે હોસ્પિટલોમાં લોકોમાં અચાનક વધારો થવાનું કારણ માત્ર HMPV નથી, પરંતુ અન્ય ઘણા વાયરલ ચેપ છે. HMPV જેવા વાઇરસ સામાન્ય રીતે આ સિઝનમાં સામાન્ય રીતે ફેલાય છે. થોડા સમય પછી તેમના કેસ સ્વાભાવિક રીતે ઘટે છે. તેથી, વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાનો અર્થ એ ન લેવો જોઈએ કે આરોગ્ય સેવાઓ નિષ્ફળ ગઈ છે. વર્તમાન પરિસ્થિતિનું નિરીક્ષણ કરવું અને ચેપગ્રસ્ત લોકોને જરૂરી મેડિકલ સહાય પૂરી પાડવી મહત્વપૂર્ણ છે. પરંતુ, આ વાઇરસથી કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ જેવી મહામારી થવાની શક્યતા ઓછી છે. કેન્દ્ર સરકારે કહ્યું- HMPV આ સિઝનમાં એક સામાન્ય વાઇરસ છે ચીનમાં HMPVના વધતા જતા કેસ વચ્ચે ઈમરજન્સી જેવી સ્થિતિની ચર્ચા થઈ હતી. જો કે, ભારત સરકારે 4 જાન્યુઆરીએ જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક યોજી હતી. આ પછી, સરકારે કહ્યું હતું કે ફ્લૂની સિઝનને ધ્યાનમાં રાખીને, ચીનમાં સ્થિતિ અસામાન્ય નથી અને સરકાર તેને અટકાવવા માટે તૈયાર છે. દેશ શ્વસન સંબંધી રોગોના કેસોમાં કોઈપણ વધારાનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. RSV અને HMPV ચીનમાં ફ્લૂના વધતા કેસોનું કારણ છે. આ સિઝનમાં આ સામાન્ય ઈન્ફલ્યુએન્ઝા વાઇરસ છે. સરકાર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. તેમજ WHOને ચીનની સ્થિતિ વિશે સમયાંતરે અપડેટ આપવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે કહ્યું – ફ્લૂ જેવા રોગોને રોકવા માટે સિસ્ટમ તૈયાર છે
સરકારે કહ્યું કે ભારતમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ઈન્ફલ્યુએન્ઝા માટે ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) માટે ICMR અને IDSP દ્વારા મજબૂત સર્વેલન્સ સિસ્ટમ છે. બંને એજન્સીઓના ડેટા દર્શાવે છે કે ILI અને SARI કેસોમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી. જો કે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે સાવચેતીના ભાગ રૂપે, ICMR HMPV ટેસ્ટ કરતી લેબની સંખ્યામાં વધારો કરશે. આખા વર્ષ દરમિયાન HMPV કેસ પર પણ નજર રાખશે. HMPV વાઇરસ વિશે જાણો… પ્રશ્ન: HMPV વાઇરસ શું છે?
જવાબ: HMPV એ RNA વાઇરસ છે, જે સામાન્ય રીતે શરદી જેવા લક્ષણોનું કારણ બને છે. આનાથી ઉધરસ અથવા ગળામાં તકલીફ થઈ શકે છે. નાકમાંથી સતત પાણી વહી શકે છે. ઠંડા હવામાનમાં તેનું જોખમ વધારે છે. પ્રશ્ન: HMPV વાઇરસ કેવી રીતે ફેલાય છે?
જવાબ: HMPV વાઇરસ ઉધરસ અને છીંક દ્વારા ફેલાય છે. આ વાઇરસ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવતા ફેલાય છે. તે ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે હાથ મિલાવીને અથવા વાઇરસથી સંક્રમિત કોઈપણ વસ્તુને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે. ચેપ લાગ્યાના 3 થી 5 દિવસમાં તેના લક્ષણો દેખાવા લાગે છે. પ્રશ્ન: HMPV રોગના લક્ષણો શું છે?
જવાબ: તેના સૌથી સામાન્ય લક્ષણો ઉધરસ અને તાવ છે. શરૂઆતમાં તેના લક્ષણો સામાન્ય વાયરલ જેવા જ દેખાય છે, પરંતુ જો વાઇરસની અસર ગંભીર હોય તો ન્યુમોનિયા અને બ્રોકાઇટિસનો ખતરો રહે છે. તેના લક્ષણો શું છે, ગ્રાફિકમાં જુઓ: પ્રશ્ન: શું HMPV કોરોના વાઇરસ જેવો છે?
જવાબ: HMPV વાઇરસ (Paramyxoviridae Family) અને કોરોના વાઇરસ (Coronaviridae Family), બંને અલગ-અલગ પરિવારનો ભાગ છે. આ હોવા છતાં, તેમનામાં ઘણી બાબતો સમાન છે. શ્વસન સંબંધી બીમારી: બંને વાઇરસ મુખ્યત્વે શ્વસનતંત્રને અસર કરે છે. ટ્રાન્સમિશન: બંને વાઇરસ શ્વાસમાં લેવાથી અને સંક્રમિતના સંપર્કમાં આવતા ફેલાય છે. લક્ષણો: બંને વાઇરસના લક્ષણો સમાન છે. તેમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, ઘરઘરાટી અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. સંવેદનશીલ જૂથ: બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો બંને વાઇરસથી સૌથી વધુ જોખમમાં છે. નિવારણ: હાથ સાફ રાખવા, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ એ બંને વાઇરસથી બચવા માટેના મહત્વપૂર્ણ પગલાં છે. સવાલ: શું આ વાઇરસ કોરોનાની જેમ આખી દુનિયામાં ફેલાઈ શકે છે?
જવાબઃ આ કોઈ નવો વાઇરસ નથી. ગયા વર્ષે પણ ચીનમાં તેના ફેલાવાના સમાચાર હતા. વર્ષ 2023માં નેધરલેન્ડ, બ્રિટન, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં પણ આ વાઇરસ જોવા મળ્યો હતો. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, તે 2001માં નેધરલેન્ડ્સમાં પ્રથમવાર મળી આવ્યો હતો. જો કે, તે ઓછામાં ઓછા 50 વર્ષ જૂનો વાઇરસ માનવામાં આવે છે. આ વાઇરસનો એવો કોઈ પ્રકાર હજુ સુધી જોવા મળ્યો નથી, જે કોરોનાની જેમ વિસ્ફોટક રીતે ફેલાય છે. પ્રશ્ન: શું આ રોગની કોઈ સારવાર કે વેક્સિન છે? જવાબ: HMPV વાઇરસ માટે હજી સુધી કોઈ એન્ટિવાયરલ દવા બનાવવામાં આવી નથી. જો કે, મોટાભાગના લોકો પર તેની ખૂબ જ સામાન્ય અસર છે. તેથી, તેના લક્ષણો ફક્ત ઘરે રહીને જ કન્ટ્રોલ કરી શકાય છે. ગંભીર લક્ષણો ધરાવતા લોકોને ઓક્સિજન થેરાપી, IV ટીપાં અને કોર્ટીકોસ્ટેરોઈડ્સ (સ્ટીરોઈડ્સનું એક સ્વરૂપ) આપવામાં આવી શકે છે. આ વાઇરસનો સામે લડવા માટે હજુ સુધી કોઈ વેક્સિન વિકસાવવામાં આવી નથી. ખરેખરમાં, HMPV વાઇરસના કારણે, હજુ સુધી એવી સ્થિતિ ઊભી થઈ નથી કે તેના માટે કોઈ વેક્સિન બનાવવાની જરૂર હોય. પ્રશ્ન: શું WHOએ HMPV અંગે કોઈ અપડેટ જારી કર્યું છે? જવાબ: ના, વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીનમાં ફેલાતા HMPV વાઇરસને લઈને હજુ સુધી કોઈ અપડેટ જાહેર કર્યુ નથી. જો કે, ચીનના પડોશી દેશોએ WHO પાસે આ અંગે યોગ્ય અપડેટ જાહેર કરવાની માંગ કરી છે. પ્રશ્ન: ભારતના આરોગ્ય અધિકારીઓએ HMPV વિશે શું કહ્યું છે? જવાબ: દેશના આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક ડૉ. અતુલ ગોયલે કહ્યું છે કે ભારતમાં આ અંગે કોઈ ગંભીર પરિસ્થિતિની શક્યતા નથી. અહીં મેટાન્યુમોવાઇરસ એ સામાન્ય શ્વસન વાઇરસ છે. જેના કારણે શરદી અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. જો કે, વૃદ્ધોમાં અને એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં તેના લક્ષણો થોડા ગંભીર હોઈ શકે છે. આ હોવા છતાં, તે ગંભીર રોગ નથી. અમારી હોસ્પિટલો પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments