મુસ્લિમો માટે અતિ પવિત્ર માનવામાં આવતી હજ અને ઉમરાહની યાત્રાના નામે રાજકોટની રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ અલગ-અલગ ગ્રૂપમાં 217થી વધુ વ્યક્તિઓ પાસેથી રૂપિયા લઇ છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે. જેમા રાજકોટ, ગોંડલ, જેતપુર, મોરબી, વાંકાનેર, ટંકારા સહિતના શહેરોના લોકો સાથે છેતરપિંડીનો આંકડો બે કરોડ જેટલો છે હાલ આ મામલે 19 વ્યક્તિઓ સાથે રૂ.14 લાખની ઠગાઇ કર્યાની બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ભાવનગર રોડ પર ફાયર સ્ટેશન પાસે રહેતા અને ઇવેન્ટ ડેકોરેશનનું કામ કરતાં સમીરભાઇ રજાકભાઇ મુલતાનીએ ભગવતીપરામાં રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક અફઝલ રૂમી, ફિરોઝ જાફાઇ અને એજન્ટ તરીકે નાેકરી કરતી બિસ્મિલાબેન સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલાં મારા વયોવૃદ્ધ માતા-પિતાને હજ અને ઉમરાહની અમારા મુસ્લિમ ધર્મની ધાર્મિક યાત્રા કરવા મોકલવા હોય જેથી તેને રાજકોટમાં ભગવતીપરામાં રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સ ચલાવતા અફઝલ રૂમી અને ફિરોઝ જાફાઇનો કોન્ટેક કરી વાત કરી હતી અને તેની ઓફિસે નોકરી કરતા બિસ્મિલાબેન સહિતને મળ્યા હતા અને તેને સાઉદી અરબ જવા માટેની ટિકિટના 61 હજારથી લઇને 75 હજાર સુધીનો ખર્ચ હોવાનું જણાવ્યું હતું. આ ટૂરમાં વહેલી ટિકિટ બુક કરાવશો તો આછો ખર્ચ અને મોડું બુકિંગ કરવાશો તો ખર્ચ વધી જશે તેમ કહેતાં તેને મારા માતા-પિતા અમે પતિ-પત્ની અને મારો પુત્ર અને મારા ભાઇની પુત્રી મળી કુલ છ વ્યક્તિની ટિકિટ બુક કરવી હતી અને રૂ.2.70 લાખ કટકે-કટકે આપ્યા હતા. બાદમાં મોટા ભાઇ રિયાઝ અને ભાભીની પણ ટિકિટ ઉમેરવાની હોય 2.64 લાખ રૂપિયા રોકડા તેમજ અમારી સાથે ટૂરમાં આવતા રફીકભાઇ, અબ્દુલભાઇ, રહેમાનભાઇ, તૌફીકભાઇ શાહમદાર, અાઝમભાઇ મંસુરી, અબ્દુલભાઇ મારવિયા, રહીમભાઇ સહિતના કુલ રૂ.14 લાખ તેની ઓફિસમાં આપ્યા હતા બાદમાં બધા 19 યાત્રાળુને ઉમરાહ કરાવીને પરત લાવીશું અને પેકેજ અમદાવાદથી અમદાવાદનું હોવાનું જણાવ્યું હતું. દરમિયાન તા.4-1-25ના રોજ અમે પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી અને ફિરોઝ અને અફઝલને ફોન કરતા બન્નેના ફોન બંધ આવ્યો હતો અને પાસપોર્ટ તેની પાસે હતા. દરમિયાન તેને ફોન આવ્યો હતો કે, ટ્રાવેલ્સ સંચાલકો પૈસા લઇને નાસી ગયા છે અને તમારા પાસપોર્ટ સાથે કારમાં બિસ્મિલાબેન બગોદરા હાઇવે પર હોટેલ પર હોવાનું જણાવતા તેના પરિવાર સહિતના ટૂરમાં આવતા લોકો સાથે ત્યાં પહોંચ્યા હતા અને તેને પૂછતાં બિલ્મિલાબહેને જણાવેલ કે, તમારા બધાની ટિકિટો અફઝલ અને ફિરોઝ પાસે છે અને હાલ આ બન્ને ક્યા છે તે અમને ખબર નથી. બાદમાં રાજકોટ આવી ફરિયાદ કરતા બી.ડિવિઝન પોલીસ મથકના જમાદાર જોગડા સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ઓફિસમાં કામ કરતી એજન્ટને પણ ન છોડી, 27 લાખ લઇ ગયા
ભગવતીપરામાં રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક અફઝલ અને ફિરોઝએ હજ અને ઉમરાહ કરવા લઇ જવાના બહાને 217થી વધુ લોકોના કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસની તપાસમાં તેની ઓફિસમાં એજન્ટ તરીકે કામ કરતી બિસ્મિલાબેન પાસે 60 ટિકિટ બુક કરાવી હોવાનું કહી 27 લાખ લઇ લીધા હોવાનું બહાર આવ્યું હતું.