‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ટીવી એક્ટર ગુરુચરણ સિંહ ગયા વર્ષે ગુમ થવાના સમાચારને કારણે ચર્ચામાં હતો. જોકે બાદમાં તે સુરક્ષિત ઘરે પરત ફર્યો હતો. તો હવે ગુરુચરણને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેતાની તબિયત ખૂબ જ બગડી છે, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેની હાલત જોઈને ચાહકો પરેશાન છે. વીડિયો પોસ્ટ કરી આપી માહિતિ
‘તારક મહેતા’ના ગુરચરણ સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો દ્વારા તેણે ફેન્સને પોતાની બીમારી વિશે જાણકારી આપી છે. વીડિયોમાં ગુરુચરણ હોસ્પિટલમાં છે અને બેડ પર સૂતો જોવા મળી રહ્યો છે. તેના હાથમાં વિગો જોવા મળે છે. આ વીડિયોમાં તે ખૂબ જ કમજોર દેખાઈ રહ્યો છે. તે કહે છે, ‘સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. પરિસ્થિતિ જુઓ.’ આ સાથે તેણે કહ્યું કે તે જલદી જ જણાવશે કે તેની સાથે શું થયું છે. આ વીડિયોમાં તે એકદમ પાતળો અને કમજોર દેખાઈ રહ્યો છે. ફેન્સમાં ફરી વળ્યું ચિંતાનું મોજું
ગુરુચરણ સિંહનો આ વીડિયો જોઈને ફેન્સ ખૂબ જ પરેશાન થઈ ગયા છે. દરેક વ્યક્તિ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં મોટાભાગના યુઝર્સ તેને તેની બીમારી અને તેની સાથે શું થયું છે તે વિશે પૂછી રહ્યાં છે. ગુમ થયા બાદ 25 દિવસે ઘરે પરત ફર્યો હતો
નોંધનીય છે કે, ગયા વર્ષે મે મહિનામાં ગુરુચરણ સિંહ અચાનક ગુમ થઈ ગયો હતો. ઘણા દિવસો સુધી તેનો કોઈ પત્તો ન લાગતાં તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ તેમને શોધવાના પૂરા પ્રયાસો કર્યા હતા. આ પછી, તે પોતે લગભગ 25 દિવસ પછી ઘરે પાછો ફર્યો હતો. તેણે કહ્યું કે તે આટલા દિવસો સુધી ક્યાં હતો. ગાયબ કેમ થયા?
22 એપ્રિલે ગુરુચરણ દિલ્હીથી મુંબઈ ફ્લાઇટમાં આવવાનો હતો. જોકે તે મુંબઈ આવવાને બદલે ક્યાંક ગાયબ થઈ ગયો. આ અંગે જ્યારે સવાલ કરવામાં આવ્યો તો એક્ટરે સૌ પહેલા પેરેન્ટ્સ, મીડિયા તથા ચાહકોની માફી માગતા કહ્યું હતું, ‘મારા આ વર્તનને કારણે માત્ર મારા પેરેન્ટ્સ જ નહીં, ચાહકોને પણ ઘણી જ તકલીફ ને દુઃખ પહોંચ્યું. મને અંદાજો નહોતો કે આટલું બધું થઈ જશે. મમ્મી-પપ્પામાં એવું હતું કે મારા બીજા બે ભાઈઓ તથા બહેન છે તો તેઓ સંભાળી લેશે.’
‘જીવનમાં સારું થતું નહોતું, ભગવાન તરફ ઢળતો ગયો’
ગુરુચરણે તે વખતે કહ્યું હતું કે, ‘કોરોના પછી ખબર નહીં કેમ હું ભગવાન તરફ વધુ ઢળતો ગયો. આ ઉપરાંત મારા જીવનમાં કંઈ સારું થતું નહોતું, બધું નેગેટિવ જ થતું હતું. મારા પર આજની તારીખમાં પણ માથે દેવું છે. દાદાજીએ જે કમર્શિયલ પ્લોટ લીધો હતો એની વેલ્યુ આજે 55 કરોડની આસપાસ છે. એ પ્લોટ પર બીજાઓએ કબજો જમાવ્યો છે. એ પ્લોટ પર દુકાનો બનાવવામાં આવી છે, એમાંથી એક દુકાન ખાલી થઈ ગઈ છે, બે દુકાન ખાલી કરવાનો ઓર્ડર આવી ગયો છે. અમે તેમની સાથે વાત કરી રહ્યા છીએ. તેમનું પણ નુકસાન ના થાય ને અમારો પણ ફાયદો થાય છે. આ પ્રોપર્ટી વેચાશે એટલે તેના છ ભાગ પડશે (મમ્મી-પપ્પા, ત્રણ ભાઈ ને એક બહેન) મારા ભાગમાં જે પૈસા આવે એમાંથી મારા પર દેવું છે તેમાં કોને કેટલા પૈસા આપવાના છે એ તમામ વિગતો એક કાગળ પર લખીને હું ઘર છોડીને ગયો હતો. હું ઈચ્છતો હતો કે મારા હિસ્સાના પૈસામાંથી મારું દેવું ચૂકતે કરવામાં આવે.’
‘રેલવે-બસ સ્ટેશને સૂતો હતો’
‘દિલ્હીથી ગાયબ થયા બાદ તે અનેક જગ્યાએ ગયો. અમૃતસર, લુધિયાણા, ચંદીગઢ, સિમલા જેવાં સ્થળોએ ગયો હતો. લુધિયાણા રેલવે સ્ટેશનમાં અનેકવાર રાતો સૂતો હતો. ચંદીગઢ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ પર પણ રાતો પસાર કરી. સિમલાના બસ સ્ટેન્ડ પર હું સૂતો હતો. ઘણીવાર તો એવું પણ બન્યું છે કે તે ટિકિટ લઈને ટ્રેનના જનરલ કમ્પાર્ટમેન્ટ ખાલી હોય તો ત્યાં સૂઈ જતો. માસ્ક પહેરીને રાખતો અને કદાચ મારો ચહેરો એવો નહીં હોય કે લોકો તેને ઓળખી જાય.’