પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનના ચાર વર્ષ બાદ સરકાર દિલ્હીમાં તેમનું સ્મારક બનાવવા જઈ રહી છે. આ માટે નેશનલ મેમોરિયલ કોમ્પ્લેક્સમાં જગ્યા મળશે. સરકારે મંગળવારે પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીને પત્ર મોકલીને આની જાણકારી આપી હતી. 31 ઓગસ્ટ 2020ના રોજ પ્રણવ મુખર્જીનું અવસાન થયું હતું. તેઓ 2012થી 2017 દરમિયાન રાષ્ટ્રપતિ હતા. પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ મંગળવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી અને તેમનો આભાર માન્યો. આ મીટિંગનો ફોટો અને X પર સરકારનો પત્ર શેર કરીને તેમણે લખ્યું કે આ પહેલ માટે પીએમ મોદીનો આભાર. મને આની બિલકુલ અપેક્ષા નહોતી. શર્મિષ્ઠાએ વધુમાં કહ્યું કે બાબા કહેતા હતા કે કોઈએ ક્યારેય રાજ્ય સન્માન ન માગવું જોઈએ. પીએમે મારા બાબાની સ્મૃતિઓનું સન્માન કરવાનું વિચાર્યું. તેનાથી બાબાને કોઈ ફરક નહીં પડે, કારણ કે તે માન અને અપમાનથી આગળ વધી ગયા છે. પરંતુ, તેમની પુત્રીને જે ખુશી મળી છે તે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.