ઉત્તરાયણ નજીક આવી રહી છે, ત્યારે સુરત શહેર પતંગબાજી માટે જાણીતું છે. મોટા પતંગો સાથે આ વર્ષે ખાસ નાની સાઇઝના અને ડિઝાઇનર પતંગો પણ લોકપ્રિય બની રહ્યા છે, જે શણગાર અને પૂજામાં ઉપયોગ માટે બનાવવામાં આવ્યા છે. આ પતંગોની સાઇઝ 1 ઈંચથી શરૂ થાય છે. બીજી બાજુ પેચ લગાવવા માટે પણ બજારમાં અલગ-અલગ ડિઝાઇનની પતંગ છે, જે 1 ફૂટથી અને 5 ફૂટ સુધીની છે. ડેકોરેટિવ પતંગોની અનોખી ડિઝાઇન અને તેમનાં ઉપયોગને કારણે બજારમાં તેમની ખાસ ડિમાન્ડ છે. જોકે, આસમ અને કોલકાત્તામાં ભારે વરસાદના કારણે લાકડી સમયસર સુકાઈ નથી, જેની સીધી અસર પતંગના ભાવમાં જોવા મળે છે. 1 ઈંચથી 34 ઈંચ સુધીના પતંગોનું બજારમાં આકર્ષણ
સુરતના 100 વર્ષ જૂના ડબગરવાડા બજારમાં પતંગ વેપાર માટે લોકો આવતા હોય છે. સીઝનલ વેપાર માટે આ બજાર જાણીતું છે. અહીં 1 ઈંચથી 34 ઈંચ સુધીના પતંગોની વિવિધ શ્રેણી જોવા મળે છે. ફોઈલ પેપર, કાપડ, પ્લાસ્ટિક, મેટલ અને વુડન જેવી વિવિધ સામગ્રીમાંથી આ પતંગો તૈયાર કરાય છે. આ બજારમાં પતંગ બાજો માટે ખાસ અલગ-અલગ વેરાઈટી અને ડિઝાઇનની પતંગ તો છે જ, પરંતુ ખાસ કરીને પૂજામાં ઉપયોગ માટે પતંગાના આકારની થાળીઓ પણ બનાવવામાં આવી છે. જેમાં કંકુ અને ચોખાના ડિઝાઇન સાથે પતંગ અને ફીરકીના આકારનો શણગાર કરાયો છે. કિંમતોમાં 30% વધારો, મકરસંક્રાંતિ પર ખર્ચ વધશે
ડબગરવાડા બજારમાં પતંગ વ્યવસાય સાથે 25 વર્ષથી જોડાયેલા દીપકભાઈ જણાવ્યું હતું કે, આ વર્ષે પતંગોની કિંમતોમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. આ ભાવ વધારાનું મુખ્ય કારણ આસામ અને કોલકાત્તામાં પડેલો વરસાદ છે. કારણે કે, વરસાદના કારણે વાંસ અને લાકડી સૂકાઈ નથી અને મોડેથી બજારમાં આવી છે. વાંસ ન સુકાવવાને કારણે લાકડાની કિંમતમાં વધારો થયો છે અને આના પરિણામે પતંગોનું ઉત્પાદન મોંઘુ થયું છે. હાલ 50 રૂપિયાથી 350 રૂપિયા સુધીના મિનિ ડિઝાઇનર પતંગ બજારમાં ઉપલબ્ધ છે. પતંગોનો સમાવેશ શણગારમાં પણ વધુ
આ વર્ષે ફોઈલ પેપર પતંગોની માગ ખાસ છે, જે 10-15 મિનિટમાં તૈયાર થાય છે અને દેખાવમાં ખૂબ આકર્ષક લાગે છે. આ પતંગ ચગાવવા માટે નહીં, પરંતુ ઓફિસ સહિત ઘર અને મંદિરોમાં શણગાર માટે છે. 1 ઈંચથી 5 ફૂટ સુધીના આ ડિઝાઇનર પતંગો લોકો પૂજા, ડેકોરેશન અને સેલ્ફી માટે ખરીદી રહ્યા છે. ઉત્તરાયણમાં ડિઝાઇનર પતંગોની નવી લહેર ઉત્તરાયણ તહેવારનું આકર્ષણ વધારતા આ ડિઝાઇનર પતંગો માત્ર આકાશમાં ઉડવા માટે નહીં, પણ ઘરો, શોરૂમ અને મંદિરોને શણગારવા માટે પણ વપરાય છે. આ પતંગો હવે માત્ર પતંગબાજીનું પ્રતિક ન રહી શણગાર અને ઊજવણીનો અભિન્ન ભાગ બની ગયા છે.