રાજકોટ જિલ્લાના વિંછીયા પોલીસ સ્ટેશનને બાનમાં લેવા મામલે વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે 84 વ્યક્તિઓની નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ તેમજ કાવતરું રચવું, મારામારી, રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 52થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ જસદણ પોલીસ સ્ટેશનના PI તપન જાનીએ પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લોકોએ પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કર્યો હતો
રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે ગત તારીખ 31 ડિસેમ્બર 2024ના રોજ ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની શેખા સાંબડ સહિતના વ્યક્તિઓ દ્વારા કુહાડી, લાકડી સહિતના હથિયારો દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઘનશ્યામ રાજપરાની હત્યામાં સામેલ 7 પૈકી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગઇકાલે ઘનશ્યામ રાજપરાના પરિવારજનો સહિત કોળી સમાજના વ્યક્તિઓ વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને આરોપીનું વિંછીયા શહેરમાં સરઘસ કાઢવાની માગ કરી હતી, પરંતુ બાદમાં પરિસ્થિતિ વણસતા કેટલાક વ્યક્તિઓએ પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કર્યો હતો. જેમાં ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા તેમજ સરકારી વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. 84 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ
ટોળાને વિખેરવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 10 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. સાથે જ ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મોડી રાત્રે વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે જસદણ પોલીસ સ્ટેશનના પીઆઇ તપન જાની દ્વારા 84 વ્યક્તિઓ સામે નામજોગ રાયોટીંગ, ગુનાહિત કાવતરું રચવું, મારામારી તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે. બજારમાં હાલ કર્ફ્યું જેવો માહોલ
અત્યાર સુધીમાં 58 જેટલા તોફાની તત્વોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. તો સતત બીજા દિવસે વિંછીયા શહેરમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. વિંછીયા શહેરમાં વધુ પરિસ્થિતિ ન વણશે તે માટે એસઆરપીની ટુકડી પણ વિંછીયા ખાતે તૈનાત કરી દેવામાં આવી છે. બજારમાં હાલ કર્ફ્યું જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સો.મીડિયાની પોસ્ટના પગલે લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા
ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ ઘનશ્યામ રાજપરાના હત્યારાઓની પોલીસ જાહેરમાં સરભરા કરશે તે પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેના પગલે હજારોની સંખ્યામાં લોકો વીંછીયા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા વિંછીયા પોલીસ સ્ટેશન બહાર એકઠા થયેલા કોળી સમાજના લોકોને સમજાવવામાં પણ આવ્યા હતા.