શિયાળાની ઋતુ હાલ શરૂ છે ત્યારે ભારે પવન ફુકાવાના કારણે સતત બીજા દિવસે પણ રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે. રાજ્યમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે સતત બીજા દિવસે રોપ-વે સેવા બંધ કરાતા પ્રવાસીઓ નિરાશ થયા છે. બે દિવસથી ભારે પવનના કારણે રોપ-વેના સંચાલન પર તેની અસર પડી રહી છે. પવનની ગતિ સ્થિર થયા બાદ રોપ-વેની સેવા ફરી શરુ કરવામાં આવશે. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. ગિરનાર શિખર પર 50-54 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જૂનાગઢ શહેરમાં તાપમાનમાં અણધારી અને અસામાન્ય વધઘટ થઈ રહી છે. ગિરનારની યાત્રાએ આવેલા ભાવિકો સહિત પ્રવાસીઓને ધક્કો થયો હતો. ખાસ કરીને રોપ- વે બનતા જૂનાગઢ ખાતે મા અંબાના દર્શનાર્થે ભાવિકોનો ધસારો વધ્યો છે. ભારે પવનને કારણે યાત્રિકોની સલામતીને લઇને તંત્ર દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવે છે.