રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), આણંદ જિલ્લાના પ્રચાર વિભાગ દ્વારા “સાયબર સિક્યુરિટી અવેરનેસ” પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી 350 જેટલી વિદ્યાર્થીનીઓને ઓનલાઈન ફ્રોડથી બચવા માટેની માહિતી આપવામાં આવી હતી. આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ સ્માર્ટ ગેજેટ (મોબાઈલ ફોન, કમ્પ્યુટર, ટેબ્લેટ, લેપટોપ) સાથે સંકળાયેલો છે. જે એક સ્માર્ટ દુનિયા એટલે કે ઈન્ટરનેટ કે જે એક બીજા સાથે જોડાણ કરે છે, પણ આજ ઈન્ટરનેટનો વપરાશ કેવી રીતે કરવો, સુરક્ષા બાબતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ અને આપણે પોતે સાયબર ક્રાઇમના વિક્ટિમ (ભોગ) ના બનીએ તે માટે આપણે શું તકેદારી રાખવી જોઈએ અને આજના આ આવનારા આધુનિક યુગમાં ભવિષ્ય કેવી રીતે બનાવી શકાય ? આવા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે એક બચાવલક્ષી અને જનજાગૃતિ અભિયાનનુ આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આણંદ જિલ્લાના પ્રચાર વિભાગ દ્વારા શહેરમાં આવેલ ડી.એન હાઈસ્કૂલના મહાત્મા ગાંધી હૉલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 10 ની 350 જેટલી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમાં સાયબર પ્રમોટર વિરેન જોષીએ જુદી જુદી રીતે થતાં ઓનલાઈન ફ્રોડ જેવા કે સોશ્યલ મીડિયા ફ્રોડ, બૅન્કિંગ ફ્રોડ, વગેરે તથા તેના બચાવ માટે શું કરવું તે વિશે માહિતી આપી હતી. તેઓએ સ્માર્ટફોનનો કેવી રીતે ઉપયોગ કરવો તથા પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તેના વિષે ચર્ચા કરી હતી. PSI જે. એચ. વૈદ્યએ SHE ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશેની જાણકારી આપી હતી. ઉપરાંત વિદ્યાર્થીનીઓએ પોતાના મનમાં રહેલા પ્રશ્નોનું સમાધાન તેઓ પાસેથી મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં આણંદ મહિલા પોલીસ સ્ટેશન PSI તથા SHE ટીમ નોડલ ઓફિસર જે. એચ. વૈદ્ય, આણંદ PBS સેન્ટરના સબાનાબેન, સાયબર ક્રાઇમ ASI મુસ્તકીમ મલેક, સાયબર પ્રમોટર વિરેન જોષી, PC મનીષાબેન સોલંકી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આણંદ જીલ્લા કાર્યવાહ ભાવેશ ત્રિપાઠી, નડિયાદ પ્રચાર વિભાગ પ્રમુખ રમેશભાઈ નાઈ, આણંદ જીલ્લા પ્રચાર પ્રમુખ ગૌમેશ પટેલ ઉપરાંત પ્રચાર વિભાગના કાર્યક્રતા ઉપસ્થિત રહ્યાં હતા.