ચીનના તિબેટ પ્રાંતમાં મંગળવારે સવારે આવેલા ભૂકંપમાં 126 લોકોના મોત થયા હતા અને 188 લોકો ઘાયલ થયા હતા. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, સવારે 9.05 વાગ્યે (ભારતીય સમય મુજબ 6.30 વાગ્યે) આવેલા આ ભૂકંપનું કેન્દ્ર તિબેટના શિજાંગમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 હતી. ભૂકંપની અસર ભારતના નેપાળ, ભૂટાન, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળી હતી. હાલમાં ભારતમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. એનસીએસે અહેવાલ આપ્યો છે કે પ્રથમ ભૂકંપ પછી તરત જ પ્રદેશમાં વધુ બે ભૂકંપ આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓ સતત પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, જેના કારણે મૃતકોની સંખ્યા પણ સતત વધી રહી છે. ધરતી ધ્રૂજી, ઈમારતો ધરાશાયી થઈ તિબેટમાં આવેલા ભૂકંપમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે પાડોશી નેપાળની રાજધાની કાઠમંડુ અને ભારતના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચીનના સ્ટેટ બ્રોડકાસ્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ભૂકંપ બાદ ખંડેરમાં વિખરાયેલાં મકાનો, તૂટેલી દીવાલો અને કાટમાળ જોવા મળે છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, સવારે 9:05 વાગ્યે (0105 GMT) નેપાળની સરહદ નજીક ડિંગરી કાઉન્ટીમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 7.1 હતી. તસવીરમાં જુઓ તબાહી… અસરગ્રસ્ત વિસ્તારમાં લેવલ-3 ઇમર્જન્સી જાહેર કરવામાં આવી અહેવાલો અનુસાર, ભૂકંપ બાદ મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે ફસાયા છે. તેમને બચાવવામાં આવી રહ્યા છે. ચીનના CCTV સમાચાર અનુસાર, ચીનની સ્ટેટ કાઉન્સિલે ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં ટાસ્કફોર્સ મોકલી છે અને લેવલ-3 ઈમર્જન્સી જાહેર કરી છે. લેવલ-3 ઇમર્જન્સી ત્યારે જાહેર કરવામાં આવે છે, જ્યારે અકસ્માત એટલો મોટો હતો કે સ્થાનિક વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર તેની સાથે વ્યવહાર કરી શકતા નથી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર તાત્કાલિક મદદ મોકલે છે. અસર 400 કિમી દૂર સુધી અનુભવાઈ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થાનિક અધિકારીઓ ભૂકંપના કારણે થયેલા નુકસાનનું આકલન કરવા માટે વિસ્તારના લોકોનો સંપર્ક કરી રહ્યા છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે એની અસર 400 કિમી દૂર નેપાળની રાજધાની કાઠમંડુમાં પણ અનુભવાઈ હતી. બિહાર અને બંગાળમાં પણ ધરતી ધ્રૂજી તિબેટમાં આવેલા ભૂકંપની અસર ભારત સુધી જોવા મળી હતી. બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામની ધરતી પણ ધ્રૂજી હતી. લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. બિહારમાં લોકો તેમનાં ઘર અને એપાર્ટમેન્ટની બહાર જોવા મળ્યા હતા. જાન્યુઆરી 2024માં ચીનના શિનજિયાંગમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો 22 જાન્યુઆરી, 2024ના રોજ રાત્રે 11.39 કલાકે ચીન-કિર્ગિસ્તાન બોર્ડર પર 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દક્ષિણ શિનજિયાંગમાં આવેલા આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 22 કિમી નીચે હતું. આ ભૂકંપમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને અનેક લોકો ઘાયલ થયા હતા. ભૂકંપ બાદ 40 આફ્ટરશોક્સ પણ નોંધાયા હતા. ભૂકંપની સૌથી વધુ અસર ઉરુમકી, કોર્લા, કાશગર, યિનિંગમાં જોવા મળી હતી. 2015માં આવેલા ભૂકંપને કારણે કાઠમંડુ 10 ફૂટ સુધી સરકી ગયું હતું
2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. આ સમયગાળા દરમિયાન લગભગ 9 હજાર લોકો માર્યા ગયા હતા. આ ભૂકંપે દેશની ભૂગોળ પણ બગાડી નાખી. કેમ્બ્રિજ યુનિવર્સિટીના ટેક્ટોનિક નિષ્ણાત જેમ્સ જેક્સને કહ્યું હતું કે ભૂકંપ પછી કાઠમંડુની નીચેની જમીન ત્રણ મીટર, એટલે કે લગભગ 10 ફૂટ દક્ષિણ તરફ ખસી ગઈ, જોકે વિશ્વના સૌથી મોટા પર્વત શિખર એવરેસ્ટની ભૂગોળમાં કોઈ ફેરફારના સંકેત દેખાતા નથી. નેપાળમાં આવેલો આ ભૂકંપ 20 મોટા પરમાણુ બોમ્બ જેટલો શક્તિશાળી હતો. નિષ્ણાતોનો દાવો – અરવલ્લી પર્વતમાળામાં તિરાડ સક્રિય થઈ છે, ભૂકંપ આવતા રહેશે
ભૂગોળના નિષ્ણાત ડો.રાજેન્દ્રસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર, અરવલ્લી પર્વતમાળાની પૂર્વમાં ફોલ્ટલાઇન (ફાટ) છે. આ ફોલ્ટલાઇન રાજસ્થાનના પૂર્વ કિનારેથી પસાર થઈને ધર્મશાલા પહોંચે છે, જેમાં રાજસ્થાનના જયપુર, અજમેર, ભરતપુર વિસ્તારનો સમાવેશ થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે અરવલીના પહાડોમાં તિરાડોમાં હલચલ શરૂ થઈ ગઈ છે. હવે આવા ભૂકંપના આંચકા જયપુર અને આસપાસના અન્ય વિસ્તારોમાં પણ આવતા રહેશે. જયપુર ઝોન-2 અને પશ્ચિમ રાજસ્થાન ઝોન-3માં આવે છે. આમાં સામાન્ય ભૂકંપના આંચકા આવે છે. 467 વર્ષ પહેલાં ચીનમાં આવેલા ભૂકંપમાં 8.30 લાખ લોકોનાં મોત થયાં હતાં
ચીનમાં સૌથી ઘાતક ભૂકંપ 1556માં આવ્યો હતો, જેમાં 8.30 લાખ લોકોનાં મોત થયાં હતાં. તીવ્રતાની દૃષ્ટિએ અત્યારસુધીનો સૌથી ખતરનાક ભૂકંપ 22 મે, 1960ના રોજ ચિલીમાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 9.5 હતી. આના કારણે આવેલી સુનામીએ દક્ષિણ ચિલી, હવાઇયન ટાપુઓ, જાપાન, ફિલિપિન્સ, પૂર્વી ન્યૂઝીલેન્ડ, દક્ષિણ-પૂર્વ ઓસ્ટ્રેલિયા સહિતના ઘણા દેશોમાં ભયંકર તબાહી મચાવી હતી. આમાં 1655 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 3000 લોકો ઘાયલ થયા હતા.