અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજનેર વિભાગમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ભરતી કૌભાંડમાં આરોપી પુલકિત સથવારાની કારંજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપી પુલકિત સથવારાએ ત્રણેય ઉમેદવાર પાસેથી રૂપિયા પાંચ લાખથી લઈને આઠ લાખ સુધીની રકમ માગી હતી. આરોપી પુલકિતે નળ સરોવર નજીક એક ઝીંગાનું ફાર્મ હાઉસ મિત્રો સાથે ભાગીદારીમાં અંદાજે રૂપિયા 88 લાખની આસપાસ ખરીદ્યું હતું. જે ફાર્મ હાઉસમાં મિત્રોને તેને પૈસા આપવાના હતા. 12 જેટલા મિત્રોને તેને પૈસા આપવાના હોવાના કારણે પૈસાની જરૂરિયાત ઊભી થતા તેણે ઉમેદવારો પાસેથી રકમ માગી હોવાનું જાણવા મળ્યું છે. માર્ક્સ વધારવાના પાંચથી આઠ લાખ સુધીના રૂપિયા માગ્યા
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આરોપી પુલકિત સથવારાએ ત્રણેય ઉમેદવારો પાસેથી પાંચ લાખથી લઈ આઠ લાખ રૂપિયા સુધીની રકમ લઈ અને તેમના માર્ક્સમાં સુધારો કરી ગેરકાયદેસર રીતે તેઓને નિમણૂક આપી દીધી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસ ખાતે છેલ્લા 12 વર્ષથી પરીક્ષામાં આરોપી પુલકિત કામગીરી કરતો હતો. કોઈપણ પરીક્ષાની ભરતી અને તેમાં ક્યારે અધિકારીઓ શું તપાસે છે તેની તમામ માહિતી પુલકિત પાસે હોવાથી તેણે આ સમગ્ર કૌભાંડ ધ્યાન બહાર જાય તે રીતે કર્યું હોવા અંગેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બે મહિલા ઉમેદવાર મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીના સંબંધી
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં ત્રણ ઉમેદવારોના માર્કસમાં ફેરફાર કરીને ગેરકાયદે રીતે નોકરીમાં ભરતી કરવાના કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે. ત્રણમાંથી બે મહિલા ઉમેદવાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાલુ કર્મચારી અને પૂર્વ કર્મચારીના સંબંધી હોવાનું સામે આવ્યું છે. મ્યુનિ. સૂત્રો મુજબ ઉમેદવારે મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં ઉમેદવારનાં માર્કસ વેરીફાઈ કરવા માટે જાણ કરવામાં આવી હતી. જેમાં ઉમેદવાર તમન્નાકુમારી પટેલના પિતા મ્યુનિ. કોર્પોરેશનના ઉત્તર ઝોનના ઇન્ડિયા કોલોની વોર્ડમાં પબ્લિક હેલ્થ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. જ્યારે અન્ય ઉમેદવાર યુવતી મોનિકા લિંબાચિયા જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર તરીકે રહી ચૂકેલા પ્રકાશ લિંબાચિયાના પરિવારના પુત્રવધુ હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર ભરતીઓમાં તપાસ કરતા અનેક ખુલાસા થઈ શકે
ઇજનેર ખાતામાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી કૌભાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓના જ સંબંધીઓને નોકરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે, ત્યારે હવે કોર્પોરેશનમાં આવા કર્મચારીઓના દીકરા-દીકરીઓને નોકરી આપવામાં આવી હોય સમગ્ર ભરતીઓમાં તપાસ કરવામાં આવે તો અનેક ખુલાસા થઈ શકે તેમ છે.