ચીનમાં હાહાકાર મચાવનાર એચ એમપીવી વાયરસની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે જ સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ મામલે તૈયારીઓ કરી લેવામાં આવી છે. કિડની બિલ્ડીંગમાં 20 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે જ હાલ તો સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ સામાન્ય દિવસો જેવી જ જોવા મળી રહી છે. જ્યારે શિયાળાનો સમય હોવાથી શરદી ઉધરસ ના કેસમાં આંશિક વધારો થયા હોવાનું જાણવા મળ્યું છે. HMPV વાયરસને લઈને ઊહાપોહ
ચીનમાં માનવ મેટાન્યુમો વાયરસ (HMPV) વાયરસને લઈને ઊહાપોહ મચી ગયો છે. કોરોના પછી ફરી એકવાર ચીનની હોસ્પિટલોમાં દર્દીઓ મોટી સંખ્યા નોંધાઇ રહ્યાં છે. બીજી બાજુ ભારત દેશમાં અને હવે તો ગુજરાતમાં પણ HMPV વાઈરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. આ સાથે જ લોકોને ગભરાવાની જરૂર નથી અને સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે. કિડની બિલ્ડીંગમાં 20 બેડનો આઇસોલેશન વોર્ડ
HMPV વાયરસને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ કરવામાં આવી છે. સુરતમાં હજુ કોઈ આ બીમારીનો કેસ નોંધાયો નથી. ડોક્ટર કેતન નાયક આરએમઓ સુરત સિવિલ હોસ્પિટલે જણાવ્યું હતું કે, કિડની બિલ્ડીંગમાં પહેલા માળે 20 બેડનો આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. આઈ.સી.યુ પ્રકારનો આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. તેમાં તમામ પ્રકારની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. 13 ટનની ઓક્સિજન ટેન્ક પણ કિડની બિલ્ડીંગમાં કાર્યરત છે. જે આઈસોલેશન વોર્ડમાં જોઈન્ટ કરેલી છે. સિવિલમાં હાલ પણ સામાન્ય દિવસો જેવી જ ભીડ
સુરત સિવિલમાંથી મળતી માહિતી પ્રમાણે, સિવિલ હોસ્પિટલમાં રોજ 2500થી 3,000 જેટલી ઓપીડીઓ નોંધાતી હોય છે. જેમાં શિયાળામાં શરદી ઉધરસના કેસમાં આંશિક વધારો થયો છે. શિયાળાની ઋતુમાં શરદી ઉધરસ અને સામાન્ય તાવની ફરિયાદ વધુ રહેતી હોય છે. જેને પગલે ઓપીડીમાં આંશિક વધારો થતો હોય છે. સુરત સિવિલમાં હાલ પણ સામાન્ય દિવસો જેવી જ ભીડ જોવા મળી રહી છે.