ચીનમાં ફેલાયેલા માનવ મેટાન્યુમોવાઈરસનો એક કેસ અમદાવાદમાં નોંધાતા રાજ્યનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ગુજરાતમાં હાલ પરિસ્થિતિ કાબૂમાં જ છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે આરોગ્ય તંત્રને એલર્ટ કરી દેવાયું છે. ત્યારે ગાંધીનગર સિવિલમાં 25 બેડનો આઈસોલેશન વોર્ડ HMPV ના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાનું આયોજન કરી લેવાયું છે. હાલ ગાંધીનગરમાં આવો કોઈ કેસ કે શંકાસ્પદ કેસો નથી. પરંતુ અગમચેતીના ભાગરૂપે સિવિલ તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. જેનાં ભાગરૂપે દવા-ઇન્જેક્શન સહિતનો તમામ જથ્થો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. ચીનમાં ફેલાયેલા માનવ મેટાન્યુમોવાઈરસનો એક કેસ અમદાવાદમાં નોંધાતા રાજ્યનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.વાઈરસરની અસર બાળકો, સિનિયર સિટીઝન અને નબળી ઈમ્યુનિટી વાળા લોકોને વધારે થાય છે. તબીબોના મતે વાઈરસની ગંભીર અસરો હજુ જોવા નથી મળી પરંતુ ધ્યાન રાખવામાં ન આવે તો ન્યુમોનિયા અથવા અન્ય રોગ થવાની સંભાવના રહેલી છે. ગાંધીનગરમાં પણ આ એચએમપીવી વાયરસને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. ગાંધીનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. મિતા પરીખે જણાવ્યું હતું કે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડી- ફોર ખાતે આઈસોલેશન વોર્ડ તૈયાર કરી રાખ્યો છે. આ 25 બેડના વોર્ડમાં જરૂરી દવા-ઇન્જેક્શન સહિતનો તમામ જથ્થો, પીપીઈકિટ સ્ટોક કરી દેવામાં આવ્યો છે. કોરોના વખતે સારી કામગીરી કરી છે તેવા તજજ્ઞ સ્ટાફને પણ અહીં જરૂર પડે તો રાખી શકાય તે માટેની તમામ સુચના આપી દેવામાં આવી છે. કોઈ શંકાસ્પદ કેસ આવશે તો પણ આ વોર્ડ દસ જ મીનીટમાં શરૂ થઈ જાય તે રીતે તૈયાર કરીને મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત શ્વશનને લગતી ઓપીડી ચલાવતા ડોક્ટર્સ તથા ઈમરજન્સી વિભાગના તબીબોને પણ આ નવી બિમારી- વાયરસ અંગે સાબદા કરવામાં આવ્યા છે અને જરૂર જણાય તો શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઈને તેને પરિક્ષણ માટે મોકલવા તથા દર્દીનું કાઉન્સલીંગ કરવા માટે પણ જરૂરી સુચના આપી દેવામાં આવી છે.